સુલતાનપુર : (1) સૂરત જિલ્લામાં પૂર્વની સરહદે નંદુરબાર પાસેનું એક ગામ. હાલમાં તેનું અસ્તિત્વ નથી. ખાનદેશનો શાસક 1399માં મરણ પામ્યો. તેણે તેના પ્રદેશો તેના બે પુત્રો નસીર અને ઇફ્તિખાર વચ્ચે વહેંચ્યા હતા. ઈ. સ. 1417માં માળવાના હુશંગની મદદથી નસીરે તેના ભાઈનો પ્રદેશ કબજે કરી, તેને કેદ કર્યો. નસીર અને માળવાના લશ્કરે પછી ગુજરાતમાં આવેલા સુલતાનપુર પર હુમલો કર્યો; પરંતુ ગુજરાતના સુલતાન અહમદશાહનું લશ્કર આવે તે પહેલાં તેઓ જતા રહ્યા. ગુજરાતના લશ્કરે નસીરને તેના આસિરના કિલ્લામાં ઘેરી લીધો. તેણે ગુજરાતના સુલતાન અહમદશાહને વફાદાર રહેવાના અને ભવિષ્યમાં આક્રમણ ન કરવાની ખાતરી આપીને સંધિ કરી. તેના બદલામાં સમગ્ર ખાનદેશ ઉપર નસીરનો દાવો માન્ય રાખવામાં આવ્યો.

(2) સૌરાષ્ટ્રમાં ભાદર નદીની ખીણમાં રોજડી, દાદ અને આટકોટ પાસે પણ સુલતાનપુર ગામ આવેલું છે.

જયકુમાર ર. શુક્લ