સુલતાનપુરી અબ્દુલ્લાહ
January, 2008
સુલતાનપુરી અબ્દુલ્લાહ (અ. 1582) : હિંદમાં મુઘલકાળના શરૂઆતના સમયના પ્રથમ પંક્તિના આલિમ (વિદ્વાન) અને અમીર. તેમનું વતન પંજાબમાં લાહોર પાસેનું સુલતાનપુર ગામ હતું. તેઓ અન્સારી અરબ હતા. તેમણે અરબી ભાષા, ફિકહશાસ્ત્ર અને ઇતિહાસ તથા બીજાં ઇસ્લામી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમની કૃતિઓમાં (1) ‘અસ્મતુ અંબિયા’ અને (2) ‘શરહે શમાઇલુન્નબી’ પ્રખ્યાત છે. તેઓ સૌપ્રથમ મુઘલ સમ્રાટ હુમાયૂં(1507-1556)ના દરબારી બન્યા અને મખ્દુમુલ મુલ્કનો ખિતાબ મેળવ્યો. તેમને ‘શયખુલ ઇસ્લામ’(સર્વોચ્ચ ન્યાયાધીશ)નું પદ પણ આપવામાં આવ્યું હતું. તેમણે મુસલમાનોમાં શરિયતના કાયદાઓના પાલનનો ખાસ આગ્રહ રાખ્યો હતો. જ્યારે શેરશાહ સૂરીના હાથે હુમાયૂંની હાર થઈ તો મૌલાના અબ્દુલ્લાહ સુલતાનપુરી નવ-સ્થાપિત સલ્તનત સાથે જોડાઈ ગયા અને શરિયતના કાયદાઓ ફેલાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. સુલતાન સલીમ શાહ સૂરી તેમની કદર કરતો હતો. સૂર ખાનદાનના રાજ્ય-અમલના અંત પછી તેઓ અકબરના દરબાર સાથે જોડાયા અને વિદ્યા તથા જ્ઞાનના પ્રતાપે અમીરનું પદ અને દબદબો પ્રાપ્ત કર્યો. અકબરે તેમની પાસેથી રાજકીય સેવા પણ લીધી હતી. તેમને ફતેહપુર સિક્રીમાં શાહી દીવાનખાનાના વકીલ જેવો મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો હતો. કેટલાક સમય માટે તેમને પંજાબના સદર પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ એક કટ્ટર સુન્ની આલિમ હતા, પરિણામે અકબરી દરબારના સુધારાવાદી અને સ્વતંત્ર વિચાર ધરાવતા શેખ મુબારક નાગોરી તથા તેમના બે કાબેલ દીકરાઓ, ફૈઝી અને અબુલ ફઝલ સાથે તેમની અથડામણો શરૂ થઈ ગઈ. મૌલાના અબ્દુલ્લાએ શેખ મુબારક ઉપર મહેદવી (નવો ફિરકો) તથા બિદઅતી (પયગંબરસાહેબની સુન્નત વિરુદ્ધનું કાર્ય) હોવાનો આરોપ મૂકી તેમની ધરપકડ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા. તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમને અપમાન સહન કરવું પડ્યું હતું. અકબરી દરબારમાં પણ તેમને અધોગતિ ભોગવવી પડી હતી; તેમ છતાં એક ઉચ્ચ કોટિના આલિમ તરીકે તેમનો પ્રભાવ ચાલુ રહ્યો તેથી તેમને દેશનિકાલ કરવા માટે બળજબરીપૂર્વક હજયાત્રા સારુ મક્કા રવાના કરી દેવામાં આવ્યા હતા. તેમના દેશનિકાલ પછી અકબરના દરબારીઓએ દીને ઇલાહીના પ્રચાર તથા પ્રસાર માટે મેદાન મોકળું જોઈને પોતાની પ્રવૃત્તિઓ ગતિમાન કરી દીધી હતી. 1582માં કેટલાક અમીરોએ અકબર વિરુદ્ધ ચળવળ શરૂ કરતાં મૌલાના અબ્દુલ્લા મક્કાથી નીકળીને ગુજરાત આવતા રહ્યા. અકબરને સમાચાર મળતા તેમને કેદખાનામાં નાંખ્યા. છેવટે આવા પ્રથમ પંક્તિના આલિમ અને અમીરનું, તેમની પોતાની તુમાખી તથા ઘમંડને લઈને ગુજરાતના બંદીખાનામાં 1582માં અવસાન થઈ ગયું. તેમના સમકાલીન ઇતિહાસકારો ‘મુન્તખિબુત્તવારીખ’ના લેખક મુલ્લા અબ્દુલ કાદિર બદાયૂની તથા ‘તબકાતે અકબરી’ના કર્તા નિઝામુદ્દીન બક્ષી, મૌલાના અબ્દુલ્લાહ સાથે વૈચારિક મતભેદ ધરાવવા છતાં ધાર્મિક શાસ્ત્રોમાં તેમની પ્રવીણતાને સ્વીકારે છે. બદાયૂનીએ તેમને અનેક ઉપયોગી કૃતિઓના લેખક બતાવ્યા છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી