સુલતાનપુર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તેમજ મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 59´થી 26° 40´ ઉ. અ. અને 81° 32´થી 82° 41´ પૂ. રે. વચ્ચેનો 4424 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર લખનૌથી પૂર્વ તરફ ગોમતી નદીને કાંઠે વસેલું છે. તેની ઉત્તરે ફૈઝાબાદ, પૂર્વે જોનપુર અને આઝમગઢ, દક્ષિણે પ્રતાપગઢ અને રાયબરેલી તથા પશ્ચિમે અને વાયવ્યમાં બારાબંકી જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

સુલતાનપુર જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-જંગલો : ભૂપૃષ્ઠ રચનાની દૃષ્ટિએ આ જિલ્લાને ત્રણ વિભાગોમાં વહેંચેલો છે : (1) નદીનો ઉપરવાસનો વિભાગ, (2) નદીનો મધ્ય વિભાગ અને (3) નદીનો હેઠવાસનો વિભાગ. નદીના ઉપરવાસના વિસ્તાર કરતાં મધ્ય અને દક્ષિણ વિભાગો પ્રમાણમાં વધુ ફળદ્રૂપ અને ખેતીની દૃષ્ટિએ વધુ અનુકૂળ છે. અહીં વરસાદનું પ્રમાણ સામાન્ય રહે છે. જિલ્લામાં જમીનો ત્રણ પ્રકારની – કાંપવાળી, રેતાળ અને ગોરાડુ – જોવા મળે છે. તેમ છતાં જમીનો પ્રમાણમાં ક્ષારવાળી રહેતી હોવાથી, સિંચાઈ આપવાથી કેશાકર્ષણની ક્રિયાથી ક્ષારો જમીનો પર છવાઈ જવાથી ખેતી માટે નુકસાનકારક નીવડે છે.

ગોમતી અહીંની મુખ્ય નદી છે. તેને કાન્ડુ નાળું, ગાભીરા નાળું, નૈયા નાળું, બેડ નાળું, ચાન્હા નાળું જેવી નાની સહાયક નદીઓ મળે છે. આ ઉપરાંત અહીં તળાવો તેમજ પંકભૂમિના વિસ્તારો આવેલા છે.

જિલ્લાનો કુલ જંગલવિસ્તાર 2288 હેક્ટર જેટલો છે. નદીનાળાંના પ્રદેશમાં બહુ જ ઓછા પ્રમાણમાં ગાઢ જંગલો જોવા મળે છે. મુખ્ય ફળાઉ વૃક્ષોમાં આંબા, જાંબુ તથા અન્ય વૃક્ષોમાં મહુડો, લીમડો, બાવળ, સીસમ, ગુલેર, બીલી, ખેર, પીપળો અને વડ જોવા મળે છે. ફળોના બગીચા ઊભા કરીને તેમાં નારંગી, લીંબુ, જામફળ ઉગાડવામાં આવે છે.

અર્થતંત્ર : અહીંની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ખરીફ, રવી તેમજ ઝૈદ પ્રકારની ખેતી થાય છે. ખાદ્ય પાકોમાં ડાંગર મુખ્ય છે, તે સિવાય ઘઉં, જવ, બાજરી અને ચણાના પાક પણ લેવાય છે. ખેતીની સાથે પશુપાલન પણ થાય છે. અહીં મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં પશુઓ જોવા મળે છે. મરઘાં-બતકાંનો ઉછેર તથા મત્સ્યપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.

આ જિલ્લામાં મહત્વનાં ખનિજો મળતાં ન હોવાથી ખનિજ-આધારિત ઉદ્યોગો વિકસ્યા નથી; પરંતુ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિ. અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિ. જેવા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. ખેતી-આધારિત ઉદ્યોગોમાં ખાંડની અને આટાની મિલોનો સમાવેશ થાય છે. રાસાયણિક ખાતરોનાં કારખાનાં પણ છે.

પરિવહન : જિલ્લાનો મોટાભાગનો વાહનવ્યવહાર સડકમાર્ગો દ્વારા થાય છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. સડકમાર્ગોની લંબાઈ આશરે 1000 કિમી. જેટલી છે, જ્યારે બ્રૉડગેજ રેલમાર્ગની લંબાઈ 186 કિમી. જેટલી છે.

વસ્તી : આ જિલ્લાની કુલ વસ્તી 2001 મુજબ 31,90,926 જેટલી છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ ધર્મના લોકો વસે છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. હિન્દુ અને મુસ્લિમ ધર્મનાં ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે, જ્યાં વાર-તહેવારોએ ઉત્સવો યોજાય છે.

જિલ્લાનાં શહેરો અને ગામડાંઓમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રો, ચિકિત્સાલયો તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે. અહીંનાં મહત્ત્વનાં શહેરોમાં સુલતાનપુર, જયસિંગપુર, જગદીશપુર, કાદીપુર, તિલોઈ, સાલોમ, અમેઠી, ગૌરીગંજ, ઇસાઉલી અને ચાન્ડા મુખ્ય છે.

ઇતિહાસ : બારમી સદી સુધી સુલતાનપુર કસભવાનપુરાના કુશપુરા તરીકે ઓળખાતું હતું. એમ કહેવાય છે કે ભગવાન રામના પુત્ર કુશે તેની સ્થાપના કરી હતી. આધારભૂત દસ્તાવેજોના અભાવે આ જિલ્લાનો પ્રાચીન ઇતિહાસ અસ્પષ્ટ છે. પ્રાચીન સમયથી આ વિસ્તારમાં વસવાટ થયેલો હતો. ભગવાન રામ અને તેમના પરિવાર સાથે આ પ્રદેશની દંતકથાઓ જોડાયેલી છે. જિલ્લાનાં અનેક સ્થળોએ પ્રાચીન અવશેષો મળી આવે છે. તે પ્રદેશમાં પ્રાચીન કિલ્લા અને ઈંટેરી મકાનોના અવશેષો મળી આવે છે તે બધા ત્યાં વસતા ભાર નામથી ઓળખાતા આદિવાસીઓના છે. રાજપૂતોએ અને મુસ્લિમોએ આ પ્રદેશ જીતી લીધો ત્યાં સુધી સ્થાનિક સત્તા આદિવાસીઓ પાસે હતી. એમ માનવામાં આવે છે કે આ પ્રદેશ પાંચાલ રાજ્યનો એક ભાગ હતો. પાંચાલ રાજ્ય વિશાળ હતું અને તેનું પાટનગર અહિચ્છત્ર હતું. તે પછી રાજપૂત યુગમાં આ જિલ્લો કનોજના રાજ્યનો એક ભાગ બન્યો અને ભાર જાતિના શાસકો તેમના સામંતો હતા. કનોજના જયચંદ્રનું ઈ. સ. 1192માં પતન થયા પછી ભાર જાતિના શાસકો સ્વતંત્ર થયા હતા. દિલ્હી સલ્તનતના સમય દરમિયાન માણિકપુર અને અવધના પ્રાંતો રચવામાં આવ્યા. ઈ. સ. 1394માં આ પ્રદેશ જૉનપુરના શરકી રાજ્યનો એક ભાગ બન્યો. મુઘલ સમ્રાટ અકબરના રાજ્ય અમલથી બે સદી સુધી આ પ્રદેશ અવધ તથા અલ્લાહાબાદના પ્રાંતોમાં વહેંચાયેલો રહ્યો હતો. તે – પછી તે અવધ પ્રાંત હેઠળ મૂકવામાં આવ્યો હતો. 1947માં સ્વતંત્રતા મળ્યા પછી તે ઉત્તરપ્રદેશનો જિલ્લો છે.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ