સુરંગ (Dynamite Booby-trap Land-mine)
January, 2008
સુરંગ (Dynamite, Booby-trap, Land-mine) : ખાસ ટોટો દ્વારા નિર્ધારિત સમયે સંહારક વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સાધન. તેની શોધ આલ્ફ્રેડ બી. નોબેલે (1833-96) કરી હતી, જેમાંથી તેણે અઢળક ધનની કમાણી કરી હતી અને તે ધનરાશિમાંથી તેના નામે વિશ્વસ્તર પર નોબેલ પારિતોષિકો દાખલ કરવામાં આવ્યાં. સુરંગ મહદ્અંશે યુદ્ધોમાં, ખાણોમાં, પહાડોમાં તથા દરિયામાં વાપરવામાં આવે છે. યુદ્ધોમાં તે શત્રુના સૈનિકો તથા યુદ્ધના સરસામાનનો વિનાશ કરવા માટે, ખાણોમાં તેમાંનાં ખનિજો છૂટાં કરી બહાર ખેંચી કાઢવા માટે (extraction), પહાડોમાં રસ્તા બનાવવા માટે, દરિયામાં શત્રુનાં જહાજો નષ્ટ કરવા માટે અને જર્જરિત થયેલી ઇમારતોનો વિધ્વંસ કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક સુરંગમાં વિસ્ફોટકો ભરવા માટે ખાસ ખાડા કે પોલાણો હોય છે, જે વીજળીના પ્રવાહકોની મદદથી, લોહચુંબકો દ્વારા, રેડિયોનાં મોજાં વડે દૂરથી નિયમન (remote control) કરીને ફોડવામાં આવે છે.
વિધ્વંસ માટે જમીનની અંદર તથા દરિયાની સપાટી પર તેમને ગોઠવવાની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં મોટા પ્રમાણમાં થઈ હતી. તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે : (1) સૈનિકોની ટુકડીઓના નાશ માટે (anti-personnel) અને (2) શત્રુની પોલાદી ટૅન્કોનો વિધ્વંસ કરવા માટે (anti-tank). દરિયાની સપાટી પર જે સુરંગો ગોઠવવામાં આવે છે તેના પણ બે પ્રકાર છે : (1) એવી સુરંગો જે જહાજના સંપર્કમાં આવતાં જ ધડાકો કરે છે. (સ્વયંચાલિત, automatic). આ પ્રકારની સુરંગોની મર્યાદા એ છે કે તે શત્રુનાં જહાજો કે મિત્રરાષ્ટ્રોનાં જહાજો વચ્ચે ભેદ પાડી શકતી નથી, જેને લીધે મિત્રરાષ્ટ્રોનાં જહાજોના વિધ્વંસમાં તે કારણરૂપ બને છે. (2) નિયંત્રિત સુરંગો, જેનું સંચાલન કિનારા પરના નિયંત્રણ-મથક દ્વારા કરવામાં આવે છે અને તેથી મિત્રરાષ્ટ્રોનાં જહાજો તેની પાસેથી પસાર થતાં હોય ત્યારે તેમને તેટલા પૂરતી નિષ્ક્રિય કરવામાં આવે છે.
જમીન કે દરિયામાં સુરંગો બિછાવવાનું કાર્ય વિશિષ્ટ તાલીમ ધરાવતી સૈનિક ટુકડીઓને સોંપવામાં આવતું હોય છે.
બીજા વિશ્વયુદ્ધના ગાળામાં અમેરિકા અને ઇંગ્લૅન્ડે સુરંગોને ખોળી કાઢવા માટે સાધનો બનાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.
વીસમી સદીના અંતના બે દાયકાથી જે જે દેશોમાં આતંકવાદીઓએ પોતાની જાળ બિછાવી છે ત્યાં ત્યાં તેમણે વિધ્વંસ કરવા માટે સુરંગોનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. ભારતના કેટલાક પ્રદેશો પણ તેનાથી વંચિત રહેલા નથી; જેમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ તથા ઉત્તરપૂર્વનાં રાજ્યોનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે