સુબ્લીયારે, પિયેરે (Subleyaras, Pierre) (જ. 1699, ફ્રાંસ; અ. 1749, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. ચિત્રકાર ઍન્તૉઇન રિવાલ્ઝ પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. રૉયલ ફ્રેંચ અકાદમીનું ‘પ્રિ દ રોમ’ (Prix de Rome) ઇનામ 1727માં તેમને મળ્યું. તે પછી તેઓ ઇટાલી ચાલ્યા ગયા અને ત્યાં મુખ્યત્વે રોમમાં જીવન વિતાવ્યું. ત્યાં તેમણે ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો આલેખવા ઉપરાંત વ્યક્તિચિત્રો આલેખ્યાં. એમનાં ધાર્મિક ચિત્રોમાંથી ચિત્ર ‘ધ માસ ઑવ્ સેંટ બાસિલ’ શ્રેષ્ઠ ગણાયું છે. એમનાં વ્યક્તિચિત્રોમાંથી ‘પોર્ટ્રેટ ઑવ્ ધ નન મેરી-ક્લેર બાપ્તિસ્તે વેર્નાત્ઝા’ (Marie-Claire Baptiste Vernaza) (1740) શ્રેષ્ઠ ગણાયું છે.
પિયેરે સુબ્લીયારે દોરેલું પોપ બેનેડિક્ટ ચૌદમાનું વ્યક્તિચિત્ર
મર્યાદિત રંગોને ઘેરા-આછા કરીને આહલાદક વાતાવરણ ઊભું કરવાની તેમની કાબેલિયતે તેમને નામના અપાવી. તેમણે પોતાનાં ચિત્રોમાં કદી રંગોનો છાકમછોળ ઊભો કર્યો નથી. એમનું ચિત્ર ‘ધ પેઇન્ટર્સ સ્ટુડિયો’ પણ ઘણું જાણીતું છે.
અમિતાભ મડિયા