સુબ્બા, વિન્દ્યા (. 1955, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘અથાહ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.એડ. અને ‘વિશારદ’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. વળી નર્સિગનો ડિપ્લોમા તથા બી.એસસી.(ઑનર્સ)ની ડિગ્રી પણ મેળવ્યાં છે. તેઓ નેપાળી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ દાર્જિલિંગની સ્કૂલ ઑવ્ નર્સિગમાં સિસ્ટર – ટ્યૂટર છે.

વિન્દ્યા સુબ્બા

1968માં વિદ્યાર્થી-અવસ્થામાં લેખનકાર્ય શરૂ કરીને 1978માં તેમણે જૈનેન્દ્રકુમારની હિંદી નવલકથા ‘ત્યાગપત્ર’નો નેપાળી અનુવાદ પ્રગટ કર્યો. તે તેમનું પહેલું પ્રકાશન હતું. તેમણે એક નવલકથા અને બે વાર્તાસંગ્રહો આપ્યાં છે. વળી તેમના લેખો અને નિબંધો ભારત તથા નેપાળનાં સમાચારપત્રોમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેઓ અનેક વ્યાવસાયિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે વિવિધ રૂપે સંકળાયેલાં રહ્યાં છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. નેપાળી સાહિત્યમાં સમગ્ર યોગદાન માટે તેમને વિજયશ્રી પુરસ્કાર, નવી દિલ્હી; નેપાળી સાહિત્ય સંમેલન, દાર્જિલિંગનો દિયાલો પુરસ્કાર; પશ્ચિમ સિક્કિમ સાહિત્ય પ્રકાશનનો સ્રષ્ટા પુરસ્કાર અને વાણી પ્રકાશન કાઠમાંડુના રામરાજ પંત સ્મૃતિ સન્માનનો સમાવેશ થાય છે. તેમને અન્ય કેટલાંક સન્માનો પણ પ્રાપ્ત થયાં છે.

તેમની પુરસ્કૃત નવલકથા ‘અથાહ’માં પાત્રોની એવી માનસિક સ્થિતિઓનું વર્ણન છે કે કોઈ તેમને માનસિક રોગીઓ માની લે. લેખિકા તેમને તેવાં માનતાં નથી અને અત્યંત સહાનુભૂતિ સાથે તેમનાં જીવનની સમસ્યાઓ અભિવ્યક્ત કરે છે. પાત્રોની આંતરિક દુનિયાની ચિંતાઓથી પરિચિત એવાં લેખિકાએ સરળ અને સચોટ ભાષામાં તેમના જીવનનું તાદૃશ ચિત્રાંકન કર્યું હોવાથી તે કૃતિ નેપાળી નવલકથા સાહિત્યમાં આગવું પ્રદાન લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા