સુબ્બારાવ, રાયપ્રોલુ (જ. 1892, ગુન્તુર પાસે, આંધ્રપ્રદેશ; અ. 1984) : તેલુગુ કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિશ્રમંજરી’ બદલ 1965ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ પંડિત પરિવારમાં થયો હતો અને તેઓ ‘અભિનવ નવનૈયા’ તરીકે ઓળખાતા હતા. વિદ્વાન અને કવિ એવા તેમના મામા અવ્વારી સુબ્રમણ્ય શાસ્ત્રીએ તેમને ઘરે રાખીને સંસ્કૃત અને તેલુગુમાં શિક્ષણ આપ્યું હતું. પછી તેમણે ગુન્તુર, કાકીનાડા અને રાજા મુન્દ્રીમાં વિધિસર શિક્ષણ મેળવ્યું. 1911 સુધીમાં તેમણે તેમના મામા સાથે શીઘ્ર કાવ્યરચનાઓ કરી.
તેમણે 27 વર્ષ (1922–1949) સુધી હૈદરાબાદ ખાતે ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. તે પછી તિરુપતિની વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી તેલુગુ વિભાગના વડા તરીકે 1959માં સેવાનિવૃત્ત થયા. તેલુગુ સાહિત્યમાં તેમણે ‘અમાલિના શૃંગાર તત્વમુ’ની ભાવના દાખલ કરી. તેની પાછળની વિભાવના નિષ્કામ પ્રેમસંબંધી હોવાની અને પ્રેમ સમાજની જીવનશક્તિ હોવાની તેમની પ્રતીતિ પર નિર્ભર છે.
1915માં તેઓ શાંતિનિકેતન ગયા. ત્યાંના બે વર્ષ દરમિયાન રચેલાં તેમનાં દેશભક્તિ કાવ્યો ‘જન્મભૂમિ’ અને ‘આંધ્રપ્રબોધમ્’થી તેમને સારી ખ્યાતિ મળી. ત્યાં તેઓ રવીન્દ્રનાથ ટાગોરના શિષ્ય અને સુંદરતાના ચાહક બન્યા. વળી તેઓ અંગ્રેજી ઊર્મિકાવ્યોથી ખૂબ પ્રભાવિત થયા અને તે શૈલી તેમણે પણ અપનાવી, જેમાં તેમણે આદર્શવાદ અને વાસ્તવવાદનો સુમેળ પણ સાધ્યો.
તેમના ગ્રંથોમાં ‘રમ્યલોકમુ’, ‘જડકુત્ચુલુ’, ‘તેનુગુટોટા’, ‘વનમાલા’, ‘મિશ્રમંજરી’, ‘કન્નેપતલુ’ – એ કાવ્યસંગ્રહો ઉલ્લેખનીય છે. તેમણે શંકરાચાર્યની ‘સૌંદર્યલહરી’નો ઉમર ખય્યામની રુબાયતનો ‘મધુકલાસમુ’ નામે, કાલિદાસના ‘મેઘદૂત’નો ફક્ત મત્તેભ છંદનો ઉપયોગ કરીને, વાલ્મીકિ રામાયણના ‘સુંદરકાંડ’નો તેમજ ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’નો તેલુગુ અનુવાદ આપેલ છે. ગોલ્ડસ્મિથના ‘હરમિટ’નો તેમણે ‘લલિતા’ નામથી તેલુગુ અનુવાદ કર્યો છે. તેમણે તેલુગુ અકાદમી, હૈદરાબાદ દ્વારા પ્રકાશિત ‘આંધ્રમહાભાગવતમ્’નું સંપાદન કર્યું છે. તેઓ આંધ્રની અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેલા.
તેમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને 1924માં વિજયનગરમ્ ખાતે સંશોધન યુનિવર્સિટી દ્વારા ‘કવિભૂષણ’ અને 1938માં ત્રિલિંગ વિદ્યા મહાપીઠ દ્વારા ‘સાહિત્યસ્થાપક’ના ખિતાબથી સન્માનિત કરાયા હતા. 1963માં તેઓ સાહિત્ય અકાદમીની સામાન્ય સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મિશ્રમંજરી’ (1963) તેમનો અદ્યતન ઊર્મિકાવ્યસંગ્રહ છે. તેમાંના સહજ પ્રેમ અને આદર્શવાદના આકર્ષક નિરૂપણના કારણે આ કૃતિ તત્કાલીન તેલુગુ સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાનરૂપ લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા