સુધાંશુ (. 25 ડિસેમ્બર 1913, પોરબંદર; . 29 માર્ચ 1983, પોરબંદર) : ગુજરાતીના કવિ, વાર્તાકાર અને સાહિત્યિક પત્રકાર. મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં. ઈ. સ. 1931માં મૅટ્રિક. વડોદરા કૉલેજમાં એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. 1932-33માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયમાં નોકરીની શરૂઆત. થોડો વખત મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ઝવેરચંદ મેઘાણી સાથે પત્રકારત્વક્ષેત્રે કામ કરી પછીથી તેઓ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સ્થાયી થયા. 1971માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પોરબંદર નગરપાલિકાના બાળમંદિરમાં 1978 સુધી આચાર્ય તરીકે સ્વૈચ્છિક સેવાઓ. 1928માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ પોરબંદરમાં મળેલા રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરી.

સુધાંશુને મેઘાણીના ગાઢ પરિચયમાં આવવાનું બનેલું અને મેઘાણીએ એમને પોરબંદર, બરડા અને સોરઠના સાગરકાંઠાનાં ભજન-લોકસાહિત્ય અને સાગરખેડુઓના જીવનને લગતું સંશોધનકાર્ય સોંપેલું, જેની ફલશ્રુતિ રૂપે ‘બુદ્ધિપ્રકાશ’, ‘ઊર્મિનવરચના’, ‘પ્રજાબંધુ’, ‘નવચેતન’ વગેરે સામયિકોમાં એમની લેખમાળાઓ પ્રગટ થયેલી. એ દરમિયાન એમને પણ ભજનની લગની લાગી, જેને પરિણામે એમની પાસેથી ‘અલખનો પારાવાર’ નામે ભજન વિશેનો સંશોધનલેખ તથા પછીથી સુંદર ભજનો સાંપડ્યાં.

આપણી પ્રાચીન-મધ્યકાલીન ભજન-પરંપરાને જીવંત રાખનાર સર્જક તરીકે સુધાંશુનું યોગદાન મહત્વપૂર્ણ છે. એમની પાસેથી ‘રામસાગર’ (1950), ‘અલખતારો’ (1956), ‘સોહમ્’ (1960) અને ‘કવિ સમ્રાટ ન્હાનાલાલને’ (સં. હિમાંશુ ભટ્ટ, 1977) કાવ્યગ્રંથો સાંપડે છે. સુધાંશુ હાડે ભજનિક છે. એમણે પ્રાચીન ભજનોના ઢાળ પ્રયોજીને નૂતન ભજનો રચ્યાં છે. એમની કવિતામાં અધ્યાત્મદૃષ્ટિ અને ભજનોની મસ્તી પ્રગટાવતી તળપદી સોરઠી શબ્દોની છાંટવાળી અને ગિરનારી અલખ સૃષ્ટિના રંગવાળી લખાવટ ધ્યાન ખેંચે છે. એમનાં ભજનકાવ્યોમાં જીવ-શિવના એકાત્મભાવનું આલેખન તથા ગુરુ અને સંતનું મહિમાગાન થયું છે તો સમાંતરે એમાં સાગરદર્શન અને પ્રકૃતિનિરૂપણ પણ થતું રહ્યું છે. આત્મશ્રદ્ધાનો રણકો અને ઊર્ધ્વચૈતન્યનો નાદ પ્રગટાવતાં એમનાં ભજનો સાગર, સરિતા, આકાશ, ડુંગર, પૃથ્વી, વીજ જેવાં પ્રકૃતિતત્ત્વોનું ચિત્રાંકન પણ કરે છે. કવિનાં શહીદો વિશેનાં કાવ્યોમાં એમનો માનવતાવાદી અભિગમ પ્રગટે છે. વળી ગાંધીજી-વિષયક અંજલિકાવ્યો સત્યધર્મી બાપુના અહિંસાવ્રત અને અનાસક્ત કર્મયોગ પર પ્રકાશ પાડે છે. ન્હાનાલાલની શતાબ્દી નિમિત્તે પ્રકાશિત ‘કવિ સમ્રાટ ન્હાનાલાલને’માં ન્હાનાલાલને સંબોધીને થયેલી ચાળીસ રચનાઓ છે. ભજનના ઢાળમાં રચાયેલી આ કૃતિઓમાં ન્હાનાલાલનું પ્રશસ્તિગાન થયું છે.

સુધાંશુ પાસેથી ‘હલેસાં’ (1966) નામે વાર્તાસંગ્રહ મળે છે. મોટે ભાગે સાગર-વિષયક આ વાર્તાઓ એની સામગ્રી તથા વિશિષ્ટ ભાષાકર્મને કારણે નોખી ભાત પાડે છે. એ વાર્તાઓ પર ગુણવંતરાય આચાર્યની સાગરકથાઓની તથા એમની શૈલીની અસર પણ વરતાય છે.

સુધાંશુ કવિ તરીકે વિશેષ પ્રતિષ્ઠિત થયા છે. ભજનનો આકાર નિપજાવતી અને ચિંતન-દર્શનની પીઠિકા રચી આપતી એમની કવિતા આધ્યાત્મિક ઊંચાઈ સિદ્ધ કરે છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘રામસાગર’ને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

નીતિન વડગામા