સુદ, અનુપમ (. 1944, હોશિયારપુર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1962માં અહીંથી સ્નાતક થયા પછી લંડન જઈને સ્લેઇડ સ્કૂલ ઑવ્ ફાઇન આટર્સમાં કલાનો વધુ અભ્યાસ કરી કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ભારત પાછા ફરીને 1967માં દિલ્હીમાં તેમણે તેમનાં ચિત્રોનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન કર્યું. તુરત જ તેમની નામના થઈ.

અનુપમ સુદે દોરેલું ચિત્ર

એમનાં ચિત્રોમાં માનવી માનવી વચ્ચેના અંતરંગ સંબંધોને બળૂકી અભિવ્યક્તિ મળી છે. ત્યારબાદ તેમણે ભારતનાં પ્રમુખ શહેરોમાં તેમજ અમેરિકાનાં ઘણાં શહેરોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. દિલ્હીની નૅશનલ ગેલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તથા દિલ્હીની લલિતકલા અકાદમીમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમને સન્માન્યાં છે. તે દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનાં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપે છે.

અમિતાભ મડિયા