સુદર્શન : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગનું અગ્રણી માસિક પત્ર. સ્થાપના : ઑક્ટોબર, 1890. તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી.

મ. ન. દ્વિવેદી ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વધર્મનું રહસ્ય સમજાવીને તેનું સાંસ્કૃતિક ઉત્થાન સાધવાનો તેમનો ઉદ્દેશ હતો, વસ્તુત: તે જ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું હતું. આથી નર્મદ, નવલરામ, રમણભાઈ, આનંદશંકર અને ગાંધીજીની માફક મણિલાલે પણ પત્રકારત્વને પોતાના જીવનકાર્યના વાહન તરીકે અપનાવ્યું હતું. અંગત અનુભવ અને સમકાલીન સમાજસ્થિતિના અવલોકનથી તેમને સમજાયું હતું કે હિંદુ સમાજની સુધારણાનો પ્રારંભ સ્ત્રીકેળવણીથી થવો જોઈએ. એટલે તેમણે કારકિર્દીનો પ્રારંભ સ્ત્રીઓ માટેના પત્ર ‘પ્રિયંવદા’થી 1885માં કરેલો. તેમાં મોટાભાગનાં લખાણો સ્ત્રીને ઉપયોગી, સ્ત્રીને ઉદ્દેશીને અને ક્વચિત્ સ્ત્રીએ લખેલાં તે પ્રગટ થતાં હતાં; પણ પાંચ વર્ષને અંતે તેમને લાગ્યું કે જે વર્ગ માટે એ વિષયો ધારવામાં આવ્યા છે તે વર્ગ તરફથી જોઈએ તેવો પ્રતિભાવ મળતો નથી એટલે 1890માં જેનું ‘લાડ નામ પ્રિય વદનાર’ રાખ્યું હતું તેનું ‘સિદ્ધ નામ શુભ દર્શનવાળું શુદ્ધદર્શન એટલે શુદ્ધ તત્વ નિર્ણય કરાવનાર’ ‘સુદર્શન’ પાડીને પોતાના સંસ્કારોદબોધનના ક્ષેત્રને રાજકારણ પર્યન્ત વિસ્તાર્યું. सत्यं परं धीमही – એ આ ‘સુદર્શન’નો ધ્યેયમંત્ર થયો. આ ‘સુદર્શને’ ગુજરાતમાં સાક્ષરી પત્રકારત્વનો આદર્શ સૌપ્રથમ સ્થાપ્યો.

પ્રજાની ધર્મરુચિ પૂરેપૂરી ઘડાય અને તેને અનુષંગે કલારુચિ કેળવાય એ મણિલાલનું મુખ્ય નિશાન રહ્યું, જેણે તેમની પાસે ‘અભ્યાસ’ અને ‘પૂર્વ અને પશ્ચિમ’ જેવી પૂર્વ-પશ્ચિમ સંસ્કાર-સંઘટ્ટનું નિદાન સૂચવતી લેખમાળા લખાવી તેમ સંગીતની શાસ્ત્રીય અને સૌન્દર્યલક્ષી મીમાંસા કરતો સુદીર્ઘ લેખ પણ લખાવ્યો. શુદ્ધ લોકસેવાની ભાવનાથી પોતાના ધ્યેય અનુસાર ધર્મશિક્ષણનું કાર્ય તેમણે ‘સુદર્શન’ દ્વારા ચલાવ્યું હતું. નિર્ભયતા, નિયમિતતા, સિદ્ધાન્તનિષ્ઠા, ઉચ્ચ ભૂમિકાની તત્વચર્ચા અને લોકરુચિ તથા લોકમાનસને સંસ્કારે તેવી વાચન-સામગ્રી આપવાની ચીવટ એ પત્રકાર મણિલાલના મુખ્ય ગુણો હતા. તેમની એ પ્રવૃત્તિએ આનંદશંકર, ઉત્તમલાલ કે. ત્રિવેદી, માનશંકર પી. મહેતા, ‘કાન્ત’ અને ‘કલાપી’ જેવા જેના અગ્રણી હતા એવા બુદ્ધિશાળી યુવક વર્ગને પ્રાચીન હિંદુ ધર્મ ભણી વળવા માટે પ્રેરણા આપી હતી. આમ ‘સુદર્શન’ મણિલાલના જીવનલક્ષ્યનું સાધક નીવડ્યું હતું.

ઊછરતી રાષ્ટ્રીય અસ્મિતાની ભાવનાનો એ જમાનો ઘણુંખરું મધ્યમમાર્ગી હતો. પોતાની મર્યાદામાં રહીને પણ મણિલાલે એક સ્વમાની પત્રકાર તરીકે પોતાના ઉદ્દામ રાજકીય વિચારો બેધડક પ્રગટ કર્યા હતા. તે વખતનાં દેશી રાજ્યોમાં ચાલતા અંધેરની ટીકા કરતાં તેમણે કારભારીઓ પર સખત પ્રહાર કરેલા છે; એટલું જ નહિ, રાજધર્મ નહિ સમજનાર અને પ્રજાનું અહિત સાધનાર રાજા નાલાયક છે એવો સ્પષ્ટ અને નિર્ભીક અભિપ્રાય આપતાં તેઓ અચકાતા નથી. રાજ્યના અંગનો તેમણે તાત્વિક તેમજ વ્યાવહારિક બંને બાજુએથી વિચાર કર્યો હતો. લોકમાન્ય ટિળકને રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી ત્યારે તેમણે એક દેશભક્ત પત્રકારને છાજે તેટલી ચિંતા, તેને અંગે કાયદાની વિસ્તૃત ચર્ચા ચલાવીને વ્યક્ત કરી હતી. રમણભાઈ કે આનંદશંકરને મુકાબલે મણિલાલનાં રાજકીય મંતવ્યો એ રીતે ઉદ્દામ હતાં.

ધર્મને મૂળમાં રાખીને જીવિતના સર્વ પ્રશ્નોની ગવેષણા કરવાનો આગ્રહ રાખનાર તત્વવિચારકની પ્રતિભા મણિલાલનાં તમામ પત્રકારી લખાણોમાં ઝળકે છે. લોકવૃત્તની નોંધો જેવા પ્રાસંગિક લખાણમાં પણ તત્વનો સ્પર્શ માલૂમ પડે છે. તેનો તે અતિરેક કોઈ વાર પત્ર કોઈ એક પક્ષનું વાજિંત્ર હોય એવી છાપ પણ ઊભી કરે છે; છતાં તેમની આ શક્તિ વિશેષ આકર્ષક અને પ્રભાવ પાડનારી દેખાય છે. તેમનાં વિવાદપ્રધાન લખાણોમાં પ્રાચીન આર્યધર્મના પક્ષપાતી તરીકે તેમણે દ્વૈતવાદી રમણભાઈ નીલકંઠ સાથે ‘અધિકાર’, ‘સ્વધર્મ અને પરધર્મ’, ‘સનાતન હિંદુ ધર્મ’, ‘પ્રાર્થના’ વગેરે વિષયો પરત્વે વાદયુદ્ધ ચલાવ્યું હતું. લગભગ પોણા દાયકા સુધી ‘સુદર્શન’ અને ‘જ્ઞાનસુધા’ વચ્ચે, બંનેના તંત્રીઓ વચ્ચેના પ્રામાણિક મતભેદમાંથી ઊભો થયેલો આ વિવાદ ચાલ્યો હતો. ધર્મ-તત્વ-નિર્ણયમાં મણિલાલ અને રમણભાઈનાં ધરમૂળથી જુદાં રહેલાં દૃષ્ટિબિન્દુઓનો પડઘો સમાજ-સુધારણા અને છેક સાહિત્ય સુધી પડ્યો હતો. તેને કારણે ગુજરાતી ગદ્ય તત્વચર્ચા સારુ પળોટાયું તે લાભ પણ થયો છે.

સિદ્ધાંતનિષ્ઠાએ ‘સુદર્શન’ના તંત્રીને એક તરફ સુધારકોની તો બીજી તરફ સનાતનીઓની ટીકા કરવા પ્રેર્યા હતા. બદ્ધમત વૈજ્ઞાનિકોની સાથે લેભાગુ ધર્મગુરુઓ, ‘પોથીમાંનાં રીંગણાં’ કરતાં શાસ્ત્રીપુરાણીઓ તથા અંધશ્રદ્ધાળુ વેવલાઓ ઉપર તેમણે કડક પ્રહારો કરેલા છે. સંમતિવયના કાયદાને અંગે બહેરામજી મલબારી સાથે અને ‘ગુજરાતના લેખકો’ અંગે હરગોવિંદદાસ કાંટાવાળા સાથે થયેલ વિવાદ પણ તેમની સિદ્ધાંતનિષ્ઠાનું જ પરિણામ હતું.

બીજા અનેક કવિઓની માફક ‘કલાપી’ની પ્રથમ કાવ્યકૃતિ ‘ફકીરી હાલ’ને પ્રથમ વાર પ્રકાશમાં લાવવાનું માન ‘સુદર્શન’ને છે. ‘કાન્ત’નું પ્રો. બલવંતરાય ઠાકોરને ઉદ્દેશીને લખેલું ‘સખા પ્રતિ ઉક્તિ’ પણ ‘સુદર્શન’માં પ્રગટ થયેલું. પાછળથી ‘આત્મનિમજ્જન’માં સંગૃહીત થયેલ મણિલાલનાં લગભગ બધાં કાવ્યો પણ પ્રથમ ‘સુદર્શન’ કે ‘પ્રિયંવદા’માં પ્રકાશિત થયેલાં. (તેમાંનાં કેટલાંકમાં પાઠફેર જોવા મળે છે.) ‘શ્રીમદ્ ભગવદગીતા’ અને ‘ગુલાબસિંહ’ પણ ‘સુદર્શન’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયેલ. આ ઉપરાંત ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય એ વિભાગોમાં આઠ વર્ષ સુધી દર મહિને મૂકેલી સત્વશીલ લેખસામગ્રી 1000થી વધુ પાનાં ધરાવતા મહાગ્રંથ ‘સુદર્શન ગદ્યાવલિ’ સ્વરૂપે મણિલાલના અવસાન બાદ આનંદશંકરે સંપાદિત કરેલી. આ લેખજથ્થો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આઠ ગ્રંથોની ‘મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી’ રૂપે 1998થી 2007 દરમિયાન સંપાદિત થઈને પ્રગટ થયેલ છે. આ લખાણોની અસર ગુજરાતી પ્રજા પર હિંદુ ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળનાર આન્દોલન રૂપે થઈ હતી.

એ જમાનામાં તંત્રી સિવાયના લેખકનું લખાણ, તેનું નામ આપ્યા સિવાય, ‘મળેલું’ એવી સંજ્ઞાથી પ્રગટ કરવામાં આવતું. ઊછરતી વયનાં લેખક સ્ત્રીપુરુષો ઉપરાંત ‘કાન્ત’ અને ‘કલાપી’નાં કાવ્યો તથા આનંદશંકરના લેખો ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’માં પ્રગટ થયા હતા.

મણિલાલના અવસાન (1898 ઑક્ટોબર, 1) સમયે ‘સુદર્શન’ના ગ્રાહકોની સંખ્યા 371 હતી. આ આત્મધર્મી પત્રકારને તેમાંથી દ્રવ્યપ્રાપ્તિની અપેક્ષા નહોતી. ગુજરાતી સાહિત્યમાં સાક્ષરી પત્રકારત્વનો આદર્શ સ્થાપવા ઉપરાંત ‘સુદર્શને’ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ગુજરાત ખાતે ધસમસતા આવતા પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહને રોકનારી શિલારૂપે એક સ્વસંસ્કારરક્ષક વિચારશ્રેણી પ્રવર્તાવી તે એની અવિસ્મરણીય સેવા છે. તેના તંત્રી કાયમી બીમારી, કુટુંબની અશાંતિ અને બીજી અનેક ઉપાધિઓથી ઘેરાયેલા રહેલા છતાં; ‘સુદર્શન’ કે ‘પ્રિયંવદા’ કદી અનિયમિત બન્યું નથી. આનંદશંકરભાઈએ ‘‘મણિલાલના વખતના સુદર્શન સિવાય કોઈ પણ પત્રને નિયમિત રહેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે કે કેમ એની મને શંકા છે. એ સમયમાં પ્રતિમાસ સુદર્શન માટે વાચકવર્ગ તરફથી જેવી ઉત્કંઠવૃત્તિથી વાટ જોવાતી હતી તેવી અત્યારે કોઈ પણ ગુજરાતી માસિકની જોવાય છે ?’’ (દિગ્દર્શન, પૃ. 180) એમ કહીને ‘સુદર્શન’ અને ‘સુદર્શન’કારને અંજલિ આપી છે, તે ઔપચારિક પ્રશંસા નથી, પરંતુ સત્ય હકીકતનું દર્શન છે.

એ દૃષ્ટિએ પણ ‘સુદર્શન’ ગુજરાતી પત્રકારત્વનો પંડિત યુગમાં સ્થપાયેલો ઉચ્ચ માનદંડ છે.

મણિલાલના અવસાન પછી મન:સુખરામના સૂચનથી આનંદશંકરે ‘સુદર્શન’નું તંત્ર બે વરસ ચલાવેલું તે પછી થોડો વખત મણિલાલના નાનાભાઈ માધવલાલે બે-એક વર્ષ ચલાવ્યા બાદ ‘સુદર્શન’ બંધ પડ્યું હતું.

ધીરુભાઈ ઠાકર