સુદર્શન, પં. બદરીનાથ (જ. 1896, સિયાલકોટ, પ. પંજાબ, ભારત; અ. 1967) : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. પ્રેમચંદના સમકાલીન સાહિત્યકાર. ઉર્દૂ અને ત્યારપછી હિંદીમાં લખતા. મહાવીરપ્રસાદ દ્વિવેદી-સંપાદિત ‘સરસ્વતી’ સામયિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. ‘રામકુટિયા’ (1917), ‘પુષ્પલતા’ (1919), ‘સુપ્રભાત’ (1923), ‘અંજના’ (નાટક, 1923), ‘પરિવર્તન’ (1926), ‘સુદર્શન સુધા’ (1926), ‘તીર્થયાત્રા’ (1927), ‘ફૂલવતી’ (1927), ‘સુહરાબ ઔર રુસ્તમ’ (1929), ‘ઑનરરી મૅજિસ્ટ્રેટ’ (પ્રહસન, 1934), ‘સાત કહાનિયાઁ’ (1933), ‘વિજ્ઞાન વાટિકા’ (1933), ‘સુદર્શન સુમન’ (1934), ‘ગલ્પમંજરી’ (1934), ‘ચાર કહાનિયાઁ’ (1938), ‘પનઘટ’ (1939), ‘રાજકુમાર સાગર’ (1939), ‘ઝંકાર’ (1939), ‘અંગૂઠી કા મુકદમા’ (1940), ‘ભાગવન્તી’ (ઉપન્યાસ, 1940), ‘પ્રમોદ’, ‘નગીને’ અને ‘ખટપટલાલ’ (ટૂંકી વાર્તા-સંગ્રહો) — એ નોંધપાત્ર પ્રદાનો છે.
સુદર્શનમાં ઘટના, અલંકૃત વર્ણનની સાથે સાથે ચરિત્રચિત્રણ પણ સારી પેઠે મુકાયાં છે. તેમનાં કથાનકોને પોતાનો સામાજિક પરિવેશ પણ છે. ભારતીય જીવનની સાથે સાથે તેમાં વિદેશી જીવન પણ જોવા મળે છે. કથાની સાથે જિજ્ઞાસા, ઉત્સુકતા અને રોચકતા પણ પુરબહારમાં જોવા મળે છે. સંવાદ અને ચરિત્રચિત્રણની દૃષ્ટિએ આ બધી સફળ વાર્તાઓ છે. ‘હાર કી જીત’ સુદર્શનની સર્વશ્રેષ્ઠ વાર્તા કહેવાય છે. બાબા ભારતી નામના ડાકુના હૃદયપરિવર્તનની એ અદભુત વાર્તા છે. એમની વાર્તાઓની ભાષા સ્વાભાવિક અને લાલિત્યપૂર્ણ છે.
સુદર્શને ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથા, નાટક અને એકાંકી લખ્યાં છે; પરંતુ વાર્તાકાર તરીકે તેમની સવિશેષ ખ્યાતિ છે. થોડો વખત તેમણે સિનેમાજગતમાં પણ કામ કર્યું હતું. સમાજ અને રાષ્ટ્રની વાત ટૂંકી વાર્તાએ કરવાની છે એવો તેમનો દૃઢ મત હતો. ‘ભાગ્યચક્ર’ અને ‘સિકંદર’ વાર્તાઓ પરથી ચલચિત્ર પણ બન્યાં છે.
ઓમપ્રકાશ ગુપ્તા
અનુ. વિ. પ્ર. ત્રિવેદી