સુદર્શન, ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ (જ. 16 સપ્ટેમ્બર 1931, કોટ્ટયમ, કેરળ) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના કણ-ભૌતિકીના ક્ષેત્રના પ્રખર વિદ્વાન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જોડાયા. 1952માં એમ.એ.ની ઉપાધિ આ યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ સંશોધનાર્થે તેઓ વિદેશ ગયા અને 1958માં યુ.એસ.ની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. અહીં તેમના સંશોધન અને મહાનિબંધનો વિષય હતો કણ-સિદ્ધાંત (particle theory).
ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ સુદર્શન
વિદેશથી પરત થઈને તેઓ ચેન્નાઈની ક્રિશ્ચિયન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. સાથે સાથે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR)માં રિસર્ચ વિજ્ઞાની તરીકેની કામગીરી પણ બજાવી. 1959-64 દરમિયાન રોચેસ્ટર યુનિવર્સિટીમાં સંલગ્ન (associate) પ્રાધ્યાપક તરીકે રહ્યા. ત્યારબાદ તેમને તેમના રસના વિષયમાં જ સંશોધનપ્રવૃત્તિ અને જવાબદારી સોંપવામાં આવી. તેના પરિણામસ્વરૂપે તેમને 1969માં યુ.એસ.ની ટેક્સાસ યુનિવર્સિટીમાં ‘સેન્ટર ફૉર પાર્ટિકલ થિયરી’ના પ્રાધ્યાપક અને નિર્દેશક (નિયામક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સમય દરમિયાન કણ-ભૌતિકીના ક્ષેત્રે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. સદર કેન્દ્રની સંશોધન અને વહીવટી જવાબદારી સાથે તેમને બર્ન (Berne) ખાતે અતિથિ-પ્રાધ્યાપક તરીકે કામ કરવાનું નિમંત્રણ મળ્યું. 1961માં ચેન્નાઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅથેમૅટિકલ સાયન્સમાં; 1964માં બ્રાન્ડીઝ ખાતે અને 1967માં બીરૂતની અમેરિકન યુનિવર્સિટી ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી.
મદ્રાસ યુનિવર્સિટીમાં સર સી. વી. રામનના નામે ભૌતિકશાસ્ત્રમાં વિદ્યાસન છે. 1970-71માં તેઓને આ વિદ્યાસને આરૂઢ કરવામાં આવ્યા. તેવી જ રીતે 1971માં ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1972માં બૅંગલુરુની ખ્યાતનામ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના સેન્ટર ફૉર થિયરેટિકલ સ્ટડીઝના પ્રાધ્યાપક અને નિયામક બન્યા. અહીં સુધી તેમણે સંશોધન ક્ષેત્રે સખત કામ કર્યું અને પોતાના સાથીદારો તથા વિદ્યાર્થીઓ પાસેથી એટલું જ સખત કામ કરાવ્યું. અમેરિકામાં તેમને વહીવટી ક્ષેત્રે સારી એવી સફળતા મળી.
1972માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના, 1963માં ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑવ્ સાયન્સ(કોલકાતા)ના તથા 1962માં અમેરિકન ફિઝિક્સ સોસાયટીના ફેલો તરીકે રહ્યા.
તેમણે પ્રશંસનીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. 1970માં સર સી. વી. રામન ઍવૉર્ડ, 1976માં ‘પદ્મભૂષણ’, 1977માં બોઝ ચંદ્રક અને 1985માં TWAS (Third World Academy of Science, Italy) ઍવૉર્ડ તેમજ 1966માં વિસ્કોન્સીન યુનિવર્સિટી તથા 1973માં દિલ્હી યુનિવર્સિટી તરફથી ડી.એસસી.ની માનાર્હ પદવી આપીને તેમને સન્માનવામાં આવ્યા.
સુદર્શન કણ-સિદ્ધાંતના ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રના બીજા વિખ્યાત વિજ્ઞાની મર્શક સાથે સંયુક્ત રીતે મંદ આંતરક્રિયા(weak interaction)ની અવકાશ-સમય (space-time) સંરચના શોધી. અત્યારે તે વૈશ્ર્વિક Vector-Oxialના પ્રશિષ્ટ નિયમમાં સમાવિષ્ટ થાય છે. તે જ રીતે તેમણે અન્ય વિજ્ઞાનીઓ જૉર્ડન અને ક્યુરી સાથે સાપેક્ષિકીય (relativistic) હેમિલ્ટોજિયન પ્રણાલી (તંત્ર) માટે અન્યોન્ય ક્રિયાહીન (non-interacting) પ્રમેય સૂત્રબદ્ધ કર્યું.
તેમના રસ અને સંશોધનનાં ક્ષેત્રો વિવિધ રહ્યાં છે. તેમણે ક્વૉન્ટમ પ્રકાશિકીમાં મહત્વનું પ્રદાન કર્યું છે. ક્વૉન્ટમ ક્ષેત્ર-સિદ્ધાંત, મૂળભૂત કણો, ઉચ્ચ ઊર્જા ભૌતિકવિજ્ઞાન, પ્રશિષ્ટ યંત્રવિજ્ઞાન, ક્વૉન્ટમ પ્રકાશિકી, લાય (Lie) ઍલજિબ્રા અને કણ-ભૌતિકીમાં તેનું પ્રયોજન વગેરે વિષયોમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
સુદર્શન ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની છે અને તેમણે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં સામયિકોમાં 200થી વધુ સંશોધન-લેખો પ્રસિદ્ધ કર્યા છે.
હાલમાં યુ.એસ.ની ટેક્સાસ યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાન વિભાગમાં તેઓ કામ કરે છે.
પ્રહલદ છ. પટેલ