સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट् સુદર્શનચક્રનો મૂળ મંત્ર છે. (અગ્નિપુરાણ, અ. 306)
ચક્રાકાર સુદર્શન કમળાસન ઉપર બિરાજે છે. તેની આભા અગ્નિ જેવી તેજસ્વી છે. તેના મુખમાં દાઢ છે. તે ચતુર્ભુજ હોવા છતાં અષ્ટભુજ છે. તે વિષ્ણુ-સ્વરૂપ હોવાથી શંખ, ચક્ર, ગદા, પદ્મ, મુસલ, અંકુશ, પાશ અને ધનુષ ધારણ કરે છે. તેના કેશ પિંગલવર્ણા છે. તેનાં નેત્ર લાલ છે. ભાગવતમાં તેની સ્તુતિ કરતાં કહ્યું છે કે ‘હે સુદર્શન ! તમારો આકાર ચક્ર જેવો છે. તેના છેડા પ્રલયકાલીન અગ્નિ જેવા તેજસ્વી છે. ભગવાનની પ્રેરણાથી તે બધે ફરે છે. જે રીતે અગ્નિ વાયુની સહાયથી સૂકા ઘાસને બાળે તેમ અમારી શત્રુસેનાને જલદીથી બાળી નાખો.’ (ભાગવત, 6-8-23).
‘શિલ્પરત્ન’માં ષટ્કોણ કમળ ઉપર બિરાજેલા સુદર્શનચક્રને શત્રુઓના નાશ માટે પ્રાર્થનાવંદન કરવામાં આવે છે. તે ચક્ર, શંખ, ધનુષ્ય, ફરસી, તલવાર, અસિ, ત્રિશૂળ, પાશ, અંકુશ, અગ્નિ, ખડ્ગ, ખેટ, હલ, મુસલ, ગદા અને ભાલો ધારણ કરે છે. તેની દાઢો ભયાવહ છે. તેના કેશ જ્વાળામય છે. તેનો દેહ સ્વર્ણસમ છે. તેનું સ્વરૂપ ડરામણું છે.
ભાગવતમાં અંબરીષે સુદર્શનચક્રનું સારગર્ભિત અને ભાવપૂર્ણ સ્તવન કર્યું છે. (ભાગવતપુરાણ, 9-5-3-5).
વામનપુરાણ અનુસાર શિવે વિષ્ણુને સુદર્શનચક્ર આપ્યું હતું. શ્રી વત્સને હરવા ઇચ્છતા શ્રીદામા નામના અસુરને મારવા ઇચ્છતા વિષ્ણુએ ભગવાન શંકરનું આરાધન કરતાં તેમણે તેમને સુદર્શનચક્ર આપ્યું હતું. (વામનપુરાણ, 82/25-26, 30; પદ્મપુરાણ, અ. 45).
તે બધા દેવોનાં તેજમાંથી બનાવીને શિવે વિષ્ણુને આપેલું.
જગન્નાથપુરીમાં સ્ટેશનની પાસે સમુદ્રના કિનારે ચક્રતીર્થ છે, ત્યાં કુંડ છે. તેમાં સુદર્શનચક્ર પડ્યું હતું. તિરુપતિના પહાડ ઉપર પણ ચક્રતીર્થ આવેલું છે.
અંબરીષે ભાગવતમાં સહસ્રાર સુદર્શનચક્રની અગ્નિ, સૂર્ય, સોમ, અપ્ વગેરે રૂપે સ્તુતિ કરી છે. તેણે તેને ધર્મ, અમૃત, યજ્ઞ, અખિલ યજ્ઞનો ભોક્તા, લોકપાલ સર્વાત્મા તેજ અને પરમ પૌરુષ કહેલ છે. (ભાગવતપુરાણ, 9-5-3-5). વામનપુરાણ અનુસાર સુદર્શનચક્રના બાર આરા, નવ નાભિ માસ, રાશિઓ અને ઋતુઓના પ્રતીકરૂપ છે. (વામનપુરાણ, 82/25-26).
ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર દ્વારા દુર્વાસાના ત્રાસમાંથી અંબરીષને છોડાવ્યો હતો. શ્રીકૃષ્ણે શિશુપાલનો વધ પણ સુદર્શનચક્ર દ્વારા કર્યો હતો. સુદર્શન વિષ્ણુ કે શ્રીકૃષ્ણનું અમોઘ આયુધ છે. ભાસના ‘દૂતવાક્ય’માં પણ સુદર્શનચક્રને યાદ કરવામાં આવ્યું છે.
અગ્નિપુરાણ(અ. 376)માં સુદર્શનચક્રના ચક્રન્યાસ, અંગન્યાસ જેવા ન્યાસ પણ બતાવ્યા છે. ક્ષુદ્રગ્રહહૃત, સર્વસાધન અને અભીષ્ટ માત્રની પ્રાપ્તિ કરાવનાર સુદર્શનચક્રની પૂજામાં મસ્તક, આંખ, મુખ, હૃદય, ગુહ્ય અને પગના અક્ષરન્યાસ પણ બતાવાયા છે. ચક્ર અને કમળ રૂપે આસન ઉપર બિરાજેલા અગ્નિસમા તેજસ્વી, દંષ્ટ્રાધારી, ચતુર્ભુજ, પિંગળ કેશ અને નેત્રવાળા, ત્રણેય લોકમાં વ્યાપેલા, શંખ, ચક્ર, ગદા, કમળ, શલાકા અને અંકુશને હાથમાં ધારણ કરતા ધનુર્ધારી સુદર્શનચક્રના કેન્દ્રનાભિમાં અગ્નિની જ્વાળા કલ્પી તેનું આરાધન કરવાથી વ્યાધિમાત્ર નાશ પામે છે. પીતવર્ણ, ચક્રધર સુદર્શનના રક્તવર્ણા આરાઓ છે. તે વચ્ચે શ્યામ છે. તેની વચ્ચે શ્વેત છે. બહાર કૃષ્ણવર્ણની પાર્થિવ રેખા છે. આવાં બે ચક્ર દોરી તેના યજનનો વિધિહોમ અગ્નિપુરાણ(અ. 306)માં આપવામાં આવ્યો છે.
સુદર્શનચક્રના આરાધનથી ભૂતાદિનો ઉપદ્રવ શાન્ત થાય છે. દૂર્વાથી આરાધન કરતાં આયુષ્ય વધે છે. કમળથી લક્ષ્મી, ઉદુમ્બરથી પુત્રપ્રાપ્તિ, ગોષ્ઠ(ગમાણ)ના ભાગે ઘીથી હોમ કરતાં ગોસમૃદ્ધિ અને સર્વવૃક્ષની સમિધાથી મેધાની પ્રાપ્તિ થાય છે. આ જ પુરાણમાં ત્રૈલોક્યમોહન મંત્રથી સુદર્શનચક્રનું પૂજન કરવા કહ્યું છે. (અ. 307-24). સુદર્શનચક્રના આરાધનથી વ્યક્તિનું તેજતત્વ ઉદ્દીપ્ત થાય છે.
દશરથલાલ ગૌ. વેદિયા