સુઝુકી ઓસામુ (જ. 30 જાન્યુઆરી 1930 – ગેરો (Gero), જાપાન, અ. 25 ડિસેમ્બર 2024 – હમામત્સુ (Hamamatsu), જાપાન) : અસાધારણ નેતૃત્વ અને પહેલથી ઑટોમોટિવ ઉદ્યોગના વિકાસ માટે જીવન સમર્પિત કરનાર વ્યક્તિત્વ.

ઓસામુ સુઝુકી
ઓસામુ મઝદા (Osamu Matsuda)નો જ્ન્મ જાપાનના ગિફૂ (Gifu) પ્રાંતના ગેરો શહેરમાં માતા-પિતા તોશિકી (Toshiki) મઝદા અને શિંઝો(Shunzo)ને ત્યાં થયો હતો. 1950ના ઉત્તરાર્ધમાં તેમણે સુઝુકી મોટર કોર્પોરેશનના વડા શ્રી મિચિયો (Michio) સુઝુકીની પૌત્રી સાથે લગ્ન કર્યાં. સુઝુકી કુટુંબમાં કોઈ પુરુષ વારસદાર ન હતો. જાપાની રિવાજ મુજબ આવા કિસ્સામાં લગ્ન પછી પુરુષ પોતાની પત્નીની અટક અપનાવે છે. ઓસામુએ આ પરંપરા જાળવી રાખી અને તેઓ ઓસામુ સુઝુકી તરીકે ઓળખાવા લાગ્યા. તેઓએ 1953માં ચૂઓ યુનિવર્સિટીથી કાનૂનની ડિગ્રી પ્રાપ્ત કરી અને બૅંકિંગ ક્ષેત્રમાં લોન ઑફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
1958માં તેઓ સુઝુકી મોટર કૉર્પોરેશનમાં જોડાયા ત્યારે કંપનીમાં જોડાનાર તેઓ ચોથા દત્તક સંતાન હતા. ત્યાં તેમણે એક નવા કારખાનાના નિર્માણ અને ખરીદ પ્રક્રિયામાં ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ મેળવી. 1963 સુધીમાં તો તેઓની કંપનીના નિદેશક તરીકે પદોન્નતિ થઈ. તેમની પાસે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વેચાણ પ્રભાગોનો હવાલો હતો. ઓસામુ સુઝુકીની આગેકૂચ ચાલુ રહી અને 1978માં તેમને સુઝુકી કૉર્પોરેશનના અધ્યક્ષ (president) અને સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની આગેવાનીમાં કંપનીએ જાપાનમાં કૉમ્પેક્ટ કાર ‘ઓલ્ટો’ને 1979માં બજારમાં મૂકી જે પગલું એક સીમાચિહ્નરૂપ સાબિત થયું. તે સૌથી વધુ વેચાતી કાર બની ગઈ અને સુઝુકીના વિકાસ અને જાપાનમાં મોટરીકરણની પ્રગતિની પાછળ એક મુખ્ય પ્રેરક બળ બની ગયું. 2000માં તેઓએ સુઝુકી મોટર કૉર્પોરેશનના ચૅરમૅનની જવાબદારી સંભાળી.
ઓસામુ સુઝુકીએ સુઝુકી મોટર કૉર્પોરેશન વૈશ્વિક કરવાની શરૂઆત 1967માં થાઇલૅન્ડથી કરી. ત્યારબાદ 1974માં ઇંડોનેશિયા, 1975માં ફિલિપાઇન્સ, 1980માં ઑસ્ટ્રેલિયા અને 1982માં પાકિસ્તાનમાં સુઝુકી મોટર્સનાં કારખાનાં શરૂ થઈ ગયાં. સુઝુકીના જનરલ મોટર્સ સાથેના જોડાણે કંપની માટે યુરોપિયન બજારનાં દ્વાર ખોલી આપ્યાં॰ સુઝુકીએ 1984માં ન્યૂઝીલૅન્ડ અને 1989માં કૅનેડાની બજારમાં પ્રવેશ કર્યો. તેમણે ભારતમાં સ્થાપેલાં કારખાનાં નેપાળ અને બાંગ્લાદેશ સુધી સેવાઓ આપવા લાગ્યાં. 1990 સુધીમાં સુઝુકી મોટર્સ કોરિયા, વિયેટનામ, ઇજિપ્ત અને હંગેરીના બજારોમાં પહોંચી ગઈ. ઓસામુ સુઝુકીના વિદેશમાં વ્યૂહાત્મક વિસ્તરણે કંપનીના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. એકવીસમી સદીની શરૂઆતમાં સુઝુકી કંપનીના 31 દેશોમાં 60 કારખાનાં હતાં અને 190 દેશોમાં તેનાં વાહનો વેચાતાં હતાં.
તેમણે ભારતના મોટર ઉદ્યોગના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારત સરકારની માલિકીની કંપની મારુતિ ઉદ્યોગ માટે એક ભાગીદાર પસંદ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. માર્ચ 1982માં શ્રી ઓસામુ સુઝુકી આ ભારતીય પ્રતિનિધિમંડળને જાપાનમાં મળ્યા. ભાગીદારી માટે સુઝુકી કંપનીનો ઉત્સાહ વ્યક્ત કરવામાં શ્રી ઓસામુએ મુખ્ય ભૂમિકા નિભાવી, પરિણામે ઑક્ટોબર 1982માં સુઝુકી મોટર કૉર્પોરેશન અને ભારત સરકાર વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ કરાર થયા. ડિસેમ્બર 1983 સુધીમાં તો ‘મારુતિ 800’નું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું. ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગમાં શ્રી ઓસામુનું યોગદાન વ્યાપક છે. મારુતિ 800ના ઉત્પાદને ન ફક્ત ભારતમાં મોટરીકરણને પ્રોત્સાહન આપ્યું, પરંતુ ઑટોમોટિવ બજારને એક ઉન્નત સ્તર સુધી પહોંચાડ્યું. આજે તે દુનિયામાં ત્રીજા ક્રમાંકે છે. તેમણે ભારતીય ભાગીદારોને માર્ગદર્શન અને રોકાણ પૂરું પાડ્યું તેમજ જાપાની કલપૂર્જા ઉત્પાદકો સાથે સહયોગ સાધીને મજબૂત સપ્લાયર નેટવર્ક સ્થાપિત કર્યું. આમ સ્થાનિક કલપૂર્જા ઉત્પાદકોના વિકાસ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. મે 1983થી ડિસેમ્બર 2024માં તેમના નિધન સુધી મારુતિ સુઝુકીના નિદેશન અને માનદ અધ્યક્ષના રૂપમાં શ્રી ઓસામુ સુઝુકીએ કાર્ય કર્યું.
ઓસામુ સુઝુકીએ ભારતમાં જાપાની કાર્યસંસ્કૃતિની શરૂઆત કરી. તેમાં જાપાની મુલાકાતીઓએ ભારતીય કર્મચારી જેવો જ ગણવેશ પહેરવો, કોઈ પણ ભેદભાવ સિવાય એક જ કૅન્ટીનમાં બપોરનું ભોજન લેવું, પ્રબંધન માટે વ્યક્તિગત કાર્યાલયને બદલે એક જ કાર્યાલયમાં બેસવું વગેરે પ્રથાને ઉત્તેજન આપ્યું. તેમણે ભારતીય કર્મચારીઓ અને પ્રબંધકોને વ્યાવહારિક પ્રશિક્ષણ માટે જાપાન મોકલવામાં મદદ પણ કરી. સ્થાનિક કર્મચારીઓની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે જાપાની કાર્યસંસ્કૃતિ દર્શાવતી શૈક્ષણિક ફિલ્મોનું નિર્માણ કર્યું અને સતત તેનું પ્રદર્શન કર્યું. પોતાના નેતૃત્વ અને ભારતીય ભાગીદારો સાથે સહયોગના માધ્યમથી તેમણે ભારતમાં મારુતિ સુઝુકી, કલપૂર્જાઓના નિર્માતાઓ, વેચાણ/સેવા આઉટલેટ અને પરિવહન કંપનીઓમાં દસ લાખથી વધારે રોજગારીનું સર્જન કર્યું. ભારતમાંથી સુઝુકી ઉત્પાદનોની નિકાસ હવે 100 દેશોમાં થાય છે. તેઓ ભારતીય ઑટોમોટિવ ક્ષેત્રમાં એક અગ્રણી ઉદ્યમી બની ગયા અને વિદેશી મુદ્રા કમાણીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ઓસામુ સુઝુકીને જાપાન, ભારત, હંગેરી અને પાકિસ્તાને અનેક પુરસ્કારોથી નવાજ્યા છે, જેમાં 1984માં પાકિસ્તાનનો ‘સિતારા-એ-ઇમ્તિયાઝ’ પુરસ્કાર, 1987માં જાપાનમાં બ્લૂ રિબીન સાથે પદક, 1993માં હંગેરીનો ‘કમાન્ડર્સ ક્રૉસ ઑર્ડર ઑફ મેરિટ’ , 2000માં જાપાનનો ‘ઑર્ડર ઑફ ધ રાઇઝિંગ સન, ગોલ્ડ ઍન્ડ સિલ્વર સ્ટાર, 2000માં જાપાની ઑટોમોટિવ હૉલ ઑફ ફેમમાં સ્થાન, 2004માં હંગેરીનો ‘કમાન્ડર્સ ક્રૉસ વિથ ધ સ્ટાર ઑર્ડર ઑફ મેરિટ’ અને 2020માં ‘ગ્રાન્ડ ક્રૉસ ઑર્ડર ઑફ મેરિટ’ અને 2007માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને 2025માં પદ્મવિભૂષણ સામેલ છે.
. ચિંતન ભટ્ટ