સુગ્રીવ : કિષ્કિંધાનો એક વાનર રાજા અને રાજા વાલીનો નાનો ભાઈ. એક વાર માયાવી રાક્ષસ સાથે લાંબા સમય સુધી એક ગુફામાં વાલીએ યુદ્ધ કર્યું. ઘણો વખત વીતી ગયો છતાં વાલી ગુફામાંથી બહાર ન આવ્યો અને ગુફામાંથી બહાર લોહી વહી આવેલું જોઈને સુગ્રીવે વાલીનો વધ થઈ ગયો છે એમ માની પોતે રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયો. જ્યારે વાલી રાક્ષસને મારીને ગુફાની બહાર આવ્યો ત્યારે કિષ્કિંધામાં સુગ્રીવને રાજા બનેલો જોઈ એ ભ્રાતૃદ્રોહી સુગ્રીવને પદભ્રષ્ટ કરી એને રાજ્યમાંથી હાંકી કાઢ્યો અને તેની પત્ની તારાને વાલીએ પોતાની પત્ની તરીકે રાખી લીધી. સમય જતાં રામ-લક્ષ્મણને ઋષ્યમૂક પર્વત પર સીતાની શોધ કરતાં કરતાં સુગ્રીવનો ભેટો થયો. રામની સહાયતાથી વાલીનો વધ થતાં સુગ્રીવને કિષ્કિંધાનું રાજપદ પુનઃ પ્રાપ્ત થયું. રામને આ સહાયતાના બદલામાં સુગ્રીવે સીતાની શોધમાં છેક રામ-રાવણ યુદ્ધ સુધી સાથે રહી મૈત્રી નિભાવી. હનુમાનની સેવા રામને સુગ્રીવની અનુમતિથી પ્રાપ્ત થઈ હતી.
પ્રવીણચંદ્ર પરીખ