સુગંધ-દ્રવ્યો (perfumes)

January, 2008

સુગંધદ્રવ્યો (perfumes) : કુદરતી કે સંશ્લેષિત સુગંધીદાર દ્રવ્યો અથવા તેમના કળાત્મક સંમિશ્રણ(blending)થી મળતા ખુશબોદાર પદાર્થો. અંગ્રેજીમાં વપરાતો પર્ફ્યૂમ (perfume) શબ્દ લૅટિન per fumum (ધુમાડા દ્વારા, through smoke) અથવા perfumare (ધુમાડાથી ભરી દેવું, to fill with smoke) ઉપરથી પ્રયોજાયો છે. પ્રાચીન સમયથી સુગંધિત પદાર્થોનો ઉપયોગ થતો આવ્યો છે. તે સમયે લોકો ધાર્મિક પ્રસંગોએ સુવાસિત રેઝિન, ગુંદર વગેરે જેવા ચીકણા પદાર્થોને લાકડા સાથે બાળીને ધૂપ કરતા હતા. તીવ્ર સુગંધવાળા કુદરતી પદાર્થો ધાર્મિક પ્રસંગો ઉપરાંત પૌરાણિક (mythological) તેમજ ઔષધીય હેતુઓ માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. આદિ ધૂપદ્રવ્યોમાં રસગંધ (myrrh) કે સ્ટૉરૅક્સ (storax) સાથે બારીક વાટેલા તેજાના(spices)નાં મિશ્રણોનો ઉપયોગ થતો. આવા સુવાસિત પદાર્થો અને તેમને બનાવવાની જાણકારી ચીનાઓ, હિંદવાસીઓ, ઇજિપ્શિયનો, ઇઝરાયલીઓ, કાર્થેજિયનો, આરબો તેમજ ગ્રીક અને રોમન લોકોને હતી. બાઇબલમાં પણ સુગંધિત દ્રવ્યો અને તેમનાં સંરૂપણો અંગેના ઉલ્લેખો મળે છે.

પાછળથી થયેલાં સંશોધનોને કારણે એમ માલૂમ પડ્યું કે ચોક્કસ તેજાના કે ફૂલોને ચરબી અથવા તેલમાં પલાળી રાખવાથી તેમાંના સુગંધવાહી ઘટકોનો અમુક અંશ ચરબી અથવા તેલમાં આવી જાય છે. આ રીતે કેટલાક મલમો અને અંજનો (unguents) વપરાશમાં આવ્યાં.

ભારતમાં પણ સુગંધ-દ્રવ્યો બનાવવાની (perfumeryની) કળા પુરાણા સમયથી જાણીતી છે. તે વિશ્વના થોડા દેશો પૈકીનો એક એવો દેશ છે કે જેની આબોહવાને કારણે બધા જ જાતના સુગંધીદાર (સુરભિત, aromatic) છોડવાંનો ઉછેર થઈ શકે છે. વેદોમાં પણ યજ્ઞ માટેની સામગ્રીમાં છોડવા (herbs), ડાળખાં (twigs), ફૂલો તથા સુગંધ-દ્રવ્યોના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે. એમ માનવામાં આવે છે કે આજથી લગભગ 5,000 વર્ષ અગાઉ ભારતમાં સુગંધી તેલો(essential oils)ના નિસ્યંદનની કળા વિકાસ પામી હતી. તક્ષશિલા(હાલ પાકિસ્તાનમાં)ના સંગ્રહાલયમાં ટેરાકોટામૃત્તિકા(terracotta)નું બનેલું નિસ્યંદન-ઉપકરણ રાખવામાં આવેલું છે, જે હડપ્પાની સિંધુ નદીની સંસ્કૃતિના સમયનું હોવાનું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં કનોજના રાજપૂત રાજાઓ દ્વારા 12મી સદી સુધી આ કળાને ઉત્તેજન મળતું રહ્યું હતું. તે પછી મુઘલોએ પણ તેને ઉત્તેજન આપ્યું હતું. સિકંદરપુર, અલીગઢ અને મથુરામાં ગુલાબનું અત્તર અને ગુલાબજળ, ઓરિસામાં ગંજમ જિલ્લામાં કેવડા (Pendanus fascicularis)નું, રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં તથા ઉત્તરાખંડના તરાઈ ક્ષેત્રમાં ખસ-ખસ(સુગંધીવાળો, vetiveria zizanioides)માંથી સુગંધ-દ્રવ્યો મેળવવામાં આવતાં. આ દ્રવ્યોની વિશ્વભરમાં માંગ રહેતી.

1916માં ડૉ. (સર) એમ. વિશ્વેસરૈયાએ મૈસૂર ખાતે સુખડના તેલની સૌપ્રથમ ફૅક્ટરી નાખેલી. 20મા સૈકાની શરૂઆતમાં ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (દહેરાદૂન) અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (બૅંગલોર) ખાતે સુગંધ-તેલો પર વ્યવસ્થિત સંશોધન શરૂ થયું હતું.

વર્ગીકરણ : સુગંધ-દ્રવ્યોનું વર્ગીકરણ તેમાં રહેલ તેલ અને પારખી શકાય તેવી એક કે વધુ પ્રભાવી સુગંધ(odour)ને અનુલક્ષીને કરવામાં આવે છે.

પુષ્પીય (floral) સમૂહનાં સંમિશ્રણો : આ તેલો ઘણાં કીમતી હોય છે અને વિવિધ પ્રમાણમાં ઉત્તમ કક્ષાનાં શુદ્ધ સુગંધ-દ્રવ્યોમાં વપરાય છે. જાઈ, જૂઈ, ગુલાબ, લિલી ઑવ્ ધ વૅલી (lily of the valley – ઘંટડી આકારનાં સફેદ સુગંધી ફૂલોવાળો એક વાસંતિક છોડ), ગાર્ડનિયા (gardenia – સફેદ અને પીળાં ફૂલવાળો છોડ) વગેરેની સુવાસનો આમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં આ ફૂલો મળી આવે છે.

પુષ્પીય તેલો વાપરવાનો હેતુ શુદ્ધ સુગંધ-દ્રવ્યને આહલાદક (pleasant) અને કુદરતી છટા (tonality) આપવાનો છે, જે માત્ર વિવિધ સુગંધ-તેલોના સંયોગ(combination)થી અથવા એકલા સંશ્લેષિત સંયોજનના ઉપયોગથી શક્ય નથી. બલ્ગેરિયામાં ઉગાડવામાં આવતાં ગુલાબમાંથી વરાળ-નિસ્યંદન (steam distillation) દ્વારા મળતું તેલ ઓટ્ટો ઑવ્ રોઝ બલ્ગેરિયન (Otto of Rose Bulgarian) તરીકે જાણીતું છે. તુર્કસ્તાન પણ આનો અગત્યનો ઉત્પાદક દેશ છે. ફ્રાન્સ અને ઉત્તર આફ્રિકામાં થતા ગુલાબમાંથી દ્રાવક-નિષ્કર્ષણ (solvent extraction) દ્વારા મીણ જેવો ગઠ્ઠાદાર પદાર્થ (concrete) મળે છે. આલ્કોહૉલ વડે તેમાંથી મીણનો ભાગ દૂર કરવાથી મળતા તેલને ગુલાબનું સત્ત્વ (rose absolute) કહે છે.

ફ્રાન્સ, ઇટાલી, ઉત્તર આફ્રિકા અને ઇજિપ્ત જેવા ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં જૂઈ/જાઈના ફૂલોનો ઉછેર થાય છે. તેમાંથી દ્રાવક નિષ્કર્ષણ દ્વારા સંગ્રથિતો અને પછી નિરપેક્ષ દ્રવ્યો (absolutes) મેળવવામાં આવે છે.

ઓછી અગત્ય ધરાવતાં વાયોલેટ અને કડવી નારંગી(bitter orange)નાં પુષ્પો, રજનીગંધા (tuberose), મિમોસા (mimosa) વગેરેમાંથી પણ સુગંધ-તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે.

ઘટકો (constituents) : સુગંધ-દ્રવ્યોના ઘટકોમાં (1) વાહક (vehicle) કે દ્રાવક, (2) સ્થાયીકારક (સ્થાયીકર, fixatives) અને (3) સુગંધવાહી તત્ત્વો(odoriferous elements)નો સમાવેશ થાય છે.

(1) વાહકો અથવા દ્રાવકો : સુગંધ-દ્રવ્યોનાં મિશ્રણ બનાવવા માટે અને તેમને લાંબો સમય જાળવી રાખવા માટે અત્યંત પરિષ્કૃત (highly refined) ઇથાઇલ આલ્કોહૉલ વપરાય છે. તે એક આધુનિક દ્રાવક છે અને સુગંધી-તેલોની દ્રાવ્યતા અનુસાર થોડા કે વધુ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આ દ્રાવક દ્રાવ્ય પદાર્થ પ્રત્યે નિષ્ક્રિય અને માનવીની ત્વચાને માટે બહુ પ્રકોપક (irritating) અસર ધરાવતો નથી. તેની બાષ્પશીલ પ્રકૃતિને કારણે તે જે સુવાસ (scent) પોતાની સાથે લઈ જાય તેને ઉત્કટ રીતે પ્રગટ કરે છે. આલ્કોહૉલની પોતાની જે સાધારણ વાસ હોય છે તેને નિર્ગંધીકરણ (deodorizing) અથવા પૂર્વસ્થાયીકરણ (profixation) દ્વારા દૂર કરવામાં આવે છે. આ માટે તેમાં થોડો બેન્ઝોઇન-ગુંદર (gum benzoin) કે અન્ય રેઝિનમય (resinous) સ્થાયીકારકો ઉમેરી તેને એકથી બે અઠવાડિયાં માટે પરિપક્વ (mature) થવા દેવામાં આવે છે. પરિણામે ગંધવિહીન આલ્કોહૉલ મળે છે.

(2) સ્થાયીકારકો (fixatives) : સુગંધ-દ્રવ્યોના આલ્કોહૉલમાંના સાદા દ્રાવણમાંથી વધુ બાષ્પશીલ પદાર્થો પ્રથમ બાષ્પીભવન પામતા હોવાથી સુગંધ-દ્રવ્ય(સુગંધી)ની સુવાસ એક ઇચ્છિત સમુચ્ચય-(ensemble)ને બદલે વિવિધ સુગંધોની શ્રેણી ઉત્પન્ન કરે છે. આ મુશ્કેલી નિવારવા સ્થાયીકારક ઉમેરવામાં આવે છે. આવા પદાર્થો સુગંધી-તેલો (perfume oils) કરતાં ઓછી બાષ્પશીલતા ધરાવતાં હોઈ સુગંધ-તેલોના વિવિધ ઘટકોના બાષ્પનના વેગને ઘટાડી તેને એકસરખો બનાવે છે. આ માટે પ્રાણીજ સ્રાવો (animal secretions), રેઝિનમય (resinous) પદાર્થો (અથવા resinoids), સુગંધી-તેલો (essential oils) અને કુદરતી પેદાશો તેમજ સંશ્લેષિત રસાયણો અને તટસ્થ અથવા મંદનકારી (diluent) સ્થાયીકારકો વપરાય છે. આવો પદાર્થ સંસાધિત (પરિષ્કૃત, finished) નીપજની સુગંધમાં ફાળો આપે પણ ખરો કે ન પણ આપે. જો તે ફાળો આપતો હોય તો તે મુખ્ય ખુશબો (fragrance) સાથે સંમિશ્રિત થવો જોઈએ અને તેને પૂરક (complementary) હોવો જોઈએ.

અગત્યના પ્રાણીજ સ્થાયીકારકોમાં એમ્બરગ્રિસ (ambergris), નર કે માદા બીવર(beaver)ની મૂળાધાર ગ્રંથિઓ(perineal glands)માંથી મળતા કાસ્ટર (castor) અથવા કાસ્ટોરિયમ (castorium), સિવેટ બિલાડીની મૂળાધાર ગ્રંથિઓમાંથી મળતા સિવેટ (civet) તેમજ કસ્તૂરીમૃગની શિશ્નમુંડ પુટિકાઓ(preputial follicles)માંથી મળતા અને કસ્તૂરી (musk) તરીકે ઓળખાતા શુષ્ક સ્રાવનો સમાવેશ થાય છે.

(i) કાસ્ટર અથવા કાસ્ટોરિયમ : બીવરની મૂળાધાર ગ્રંથિઓમાંથી તપખીરિયા-નારંગી (brownish orange) રંગનો નિસ્રાવ (exudete) મળે છે જે મોટા જથ્થામાં સ્થાયીકારક તરીકે ઉપયોગમાં લેવાય છે. કાસ્ટરના બાષ્પશીલ તેલમાંના સુગંધીદાર (odoriferous) ઘટકોમાં બેન્ઝાઇલ આલ્કોહૉલ, એસિટો-ફીનોન, l-બોર્નિયોલ (l-borneol) અને કાસ્ટોરિન(અજ્ઞાત સંરચનાવાળો રાળ જેવો બાષ્પશીલ ઘટક)નો સમાવેશ થાય છે.

(ii) સિવેટ : તે નરમ, ચરબીયુક્ત નિસ્રાવ છે. આ સ્રાવ(secretion)ને ચારેક દિવસના આંતરે ચમચા વડે એકઠો કરી, નિકાસ માટે પોલા શિંગડામાં પૅક કરવામાં આવે છે. સિવેટમાં સ્કેટોલ (skatole) નામનું રસાયણ હોવાને કારણે અપરિષ્કૃત સિવેટની વાસ અણગમતી હોય છે; પણ મંદન અને કાળપક્વન (aging) વડે તે વાસ દૂર થાય છે અને સિવેટોન (civetone) નામના ચક્રીય કીટોન(ketone)ની મીઠી અને કંઈક અંશે પુષ્પીય સુવાસ મળે છે.

(iii) કસ્તૂરી : નર કસ્તૂરીમૃગની મૂળાધાર ગ્રંથિઓમાંથી મળતો શુષ્ક સ્રાવ છે. સ્રાવમાં 0.5થી 2.0 % જેટલો મસ્કોન (muskone) નામનો ચક્રીય કીટોન હોય છે. આ એક ઉપયોગી સ્થાયીકારક છે એ તે સુગંધ-દ્રવ્યને મંદ બનાવવા છતાં તેનો રસકસ અને પ્રભાવકતા (body અને smoothness) જાળવી રાખે છે. પૌરસ્ત્ય સુગંધ-દ્રવ્યોમાં તે વધુ વપરાય છે.

(iv) એમ્બરગ્રિસ : આ સૌથી ઓછો વપરાતો પણ સંભવત: વધુમાં વધુ જાણીતો સ્થાયીકારક છે. તે સ્પર્મ વ્હેલ(sperm whale)ના પેટમાંથી મળતો સુગંધીદાર પદાર્થ છે. વ્હેલના પેટમાં તે પથરી કે સ્રાવરૂપે ઉદભવે છે. તે મીણ જેવો ઘટ્ટ, 60° સે.એ. નરમ બનતો અને સફેદ, પીળો, બદામી, કાળો અથવા આરસ જેવો બહુવર્ણી (variegated) પદાર્થ છે. તે 80થી 85 % એમ્બ્રીન (ambrein) (ત્રિટર્પીનીય ત્રિચક્રીય આલ્કોહૉલ, triterpenic tricyclic alcohol) ધરાવે છે, જે બંધક (binder) તરીકે કાર્ય કરે છે. એમ્બરગ્રિસમાં સક્રિય ઘટક તરીકે 12થી 15 % એમ્બરગ્રિસ તેલ હોય છે. તે ટિંક્ચર તરીકે ઉપયોગમાં લેવાય છે; પરંતુ તે પહેલાં તેને પરિપક્વ કરવો જરૂરી છે. ટિંક્ચરની વાસ ફૂગ જેવી (musty) હોય છે અને તે ઊંચી સ્થાયીકારક શક્તિ ધરાવે છે.

(v) મસ્ક ઝિબેટા (musc zibata) : લૂઇઝિયાના જળછછુંદર(muskrat)ની ગ્રંથિઓમાંથી મેળવાયેલો આ એક નવો પ્રાણીજ સ્થાયીકારક છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનું વ્યાપારીકરણ થયેલું. આ પ્રાણીની ગ્રંથિઓમાંનો સાબુનીકરણ (saponification) ન થઈ શકે તેવો 90 % પદાર્થ મોટા, ગંધવિહીન, ચક્રીય આલ્કોહૉલનો બનેલો હોય છે, જેને કીટોનમાં ફેરવતાં તેની કસ્તૂરી જેવી લાક્ષણિક વાસ 50 ગણી વધી જાય છે. તે એશિયાઈ કસ્તૂરીના બદલે અથવા તેમાં ઉમેરણ (additive) તરીકે ઉપયોગમાં લેવાય છે.

(vi) રાળસ્વરૂપી (resinous / resinoid) સ્થાયીકારકો : કેટલાક છોડમાંથી મળતા આ સામાન્ય અથવા વિકૃતિજન્ય (pathological) નિસ્રાવો છે. તે વ્યાપારી કરતાં ઐતિહાસિક દૃષ્ટિએ વધુ અગત્યના છે. ગુલમહેંદી (બાલ્ઝમ, balsams), રાળ પ્રકારના ગુંદરો (resin type gums) તથા બેન્ઝોઇન (benzoin), બેરજો (galbonium), લેબ્ડાનમ (labdanum), રસગંધ (murrh), ઓક શેવાળ (oak moss), પેચુલી (patchouli), પેરુ બાલ્ઝમ, ચંદન (sandalwood), સ્ટાયરૅક્સ (styrax), ટોલુ (tolu), વાળો (ખસ) (vetiver) વગેરેમાંથી તેમને નિષ્કર્ષિત કરવામાં આવે છે.

(vii) સુગંધીતેલ સ્થાયીકારકો : કેટલાંક સુગંધી તેલો તેમના સ્થાયીકારક ગુણ ઉપરાંત સુગંધ(odour)ને કારણે પણ ઉપયોગમાં લેવાય છે. આ પૈકી અગત્યનાં સુગંધી તેલો આ પ્રમાણે છે : ક્લેરી સેજ (clary sage), વાળો (vetiver), પેચુલી, પદ્મપુષ્કર (orris) અને સુખડનું તેલ. આ તેલોનાં ઉત્કલનબિંદુ સામાન્ય કરતાં ઊંચાં હોય છે (285°થી 290° સે.).

(viii) સંશ્લેષિત સ્થાયીકારકો : પ્રાણીજ સ્થાયીકારકોને બદલે કેટલાક ઊંચા ઉત્કલનબિંદુવાળાં, પ્રમાણમાં ગંધવિહીન એસ્ટર સંયોજનો પણ ઉપયોગમાં લેવાય છે; દા.ત., ગ્લિસરિલ ડાઇએસિટેટ (glyceryl diacetate) (259° સે.), ઇથાઇલ પ્થેલેટ (295° સે.), બેન્ઝાઇલ બેન્ઝોએટ (323° સે.) વગેરે અન્ય સંશ્લેષિતો પણ સ્થાયીકારકો તરીકે વપરાય છે. જોકે, તેમને પોતાની વિશિષ્ટ સુગંધ હોય છે અને જેમાં ઉમેરાય તે સમુચ્ચયને તે પોતાની સુગંધ આપે છે. આમાંના કેટલાક નીચે પ્રમાણે છે :

એમાઇલ બેન્ઝોએટ, ફિનિથાઇલ ફિનાઇલએસિટેટ, સિન્નામિક આલ્કોહૉલના એસ્ટર, સિન્નામિક ઍસિડના એસ્ટર, એસિટોફીનોન, મસ્ક કીટોન, મસ્ક એમ્બ્રેટ્ટ (ambrette), બેન્ઝોફીનોન, વેનિલીન, કૌમારિન, હેલિયોટ્રોપિન (heliotropin), હાઇડ્રૉક્સિ સિટ્રોનેલાલ, ઇન્ડોલ (indole), સ્કેટોલ.

(3) સુગંધવાહી (સુગંધીદાર, ખુશબોદાર) પદાર્થો : સુગંધ-દ્રવ્યોના વપરાતા સુગંધીદાર પદાર્થો ત્રણ ભાગમાં વહેંચી શકાય : (i) સુગંધી તેલો (essential oils), (ii) પૃથક્કૃતો (isolates) અને (iii) સંશ્લેષિત અથવા અર્ધસંશ્લેષિત (semisynthetic) રસાયણો.

(i) સુગંધી તેલો : સુગંધી તેલો એ વાનસ્પતિક ઊગમ(origin)ના બાષ્પશીલ સુગંધીદાર પદાર્થો છે. વનસ્પતિના વિવિધ ભાગો ફૂલો, કળીઓ/કલિકાઓ (buds), છાલ (barks), પાંદડાં, શલ્ક (rind), મૂળિયાં (roots), ફળો વગેરેમાંથી બાષ્પનિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. (જુઓ સુગંધી તેલો.)

(ii) પૃથક્કૃતો (isolates) : આ એવાં રાસાયણિક સંયોજનો છે, જેમનો સ્રોત સુગંધી-તેલ અથવા અન્ય કુદરતી સુગંધ-દ્રવ્ય છે; દા.ત., ગુલાબ જેવી મધુર સુવાસવાળા જિરેનિયૉલ (geraniol) અને સિટ્રાનેલૉલ (citranellol) પ્રમાણમાં ઓછા ખર્ચાળ એવા સિટ્રોનેલા (citronella) તેલમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. તે જ પ્રમાણે લવિંગના તેલમાંથી યુજિનૉલ (euginol), ટર્પેન્ટાઇનમાંથી પાઇનીન (pinene), સુવા, એનિસે(anise)માંથી ઍનિથોલ (anethole) અને લિનાલોઆ (linaloa) તેલ(અથવા bois de rose)માંથી લિનાલૂલ. પૃથક્કૃતોનો ઉપયોગ સુગંધ-દ્રવ્યો માટે મહત્ત્વનાં એવાં અન્ય નવાં સંયોજનો બનાવવામાં થાય છે; દા.ત., લીલી ચા(lemon grass)ના તેલમાંથી મળતા સિટ્રાલ(citral)નો ઉપયોગ વિવિધ આયોનોન (ionone) સંયોજનોના ઉત્પાદન માટે થાય છે. પૃથક્કૃતોની સંખ્યા મર્યાદિત છે પણ ઉદ્યોગ માટે તે અનિવાર્ય છે. આવાં કેટલાંક સંયોજનો નીચે દર્શાવ્યાં છે :

1. લિનાલૂલ : ગુલાબ, બર્ગેમોટ (bergamot), નારંગી (orange), લિનેલો (linaloe) (મધ્ય અમેરિકામાં ઊગતો એક છોડ) વગેરેનાં સુગંધી તેલોમાં મળી આવે છે; ઉ.બિં. 198–199° સે.. તે એસ્ટર-સ્વરૂપે સુગંધિત પદાર્થોની બનાવટ(perfumery)માં વપરાય છે.

2. જિરેનિયોલ અને નીરોલ (nerol) : ગુલાબ અને જિરેનિયમ તેલમાં મળી આવે છે. નીરોલ એ નીરોલી (neroli) તથા બર્ગેમોટ તેલમાંથી મળે છે. મોટાભાગે આ બંને આલ્કોહૉલ એકસાથે મળી આવે છે. તેઓ ભૌમિતિક સમઘટકો છે. તેઓ નીરોલ અત્તરો તથા અન્ય સુગંધિત પદાર્થોની બનાવટમાં મોટા પ્રમાણમાં વપરાય છે.

3. α પાઇનીન : તે પાઇનેન (pinane) સમૂહનો સૌથી વધુ અગત્યનો દ્વિચક્રીય મૉનોટર્પીન છે અને કૉનિફરી (conifarae) વર્ગની વનસ્પતિમાંથી મળતા સુગંધી-તેલોમાંથી મળે છે. ઉ.બિં. 156°-157° સે.. તે ટર્પેન્ટાઇન તેલનો મુખ્ય ઘટક છે.

4. આયોનોન સંયોજનો : વાયોલેટ પુષ્પોની સુગંધ આને આભારી છે. કૃત્રિમ અત્તરોની બનાવટમાં વપરાય છે.

5. α ટર્પીનિયૉલ (a-terpeniol) : ઇલાયચી (cardamom), પાઇન, નીરોલી, કપૂર વગેરેમાં એસ્ટર અથવા મુક્ત આલ્કોહૉલ-સ્વરૂપે મળી આવે છે. બજારુ ટર્પીનિયૉલ α-પાઇનીનમાંથી મેળવાય છે. અત્તરો અને સૌંદર્યપ્રસાધનો(cosmetics)ની બનાવટમાં તે મોટા પ્રમાણમાં વપરાય છે.

6. ફાર્નેસૉલ (farnesol) : તે એસાઇક્લિક સેસ્ક્વીટર્પીન (acyclic sesquiterpene). વર્ગનો મહત્ત્વનો પ્રાથમિક આલ્કોહૉલ છે. ઉ.બિં. 160° સે. (10 મિમી.) અથવા 120° સે. (0.3 મિમી.એ). સિટ્રોનેલા, ગુલાબ, તજ (cassia), એમ્બ્રેટેસ તેલ (ambrettes oil) જેવાં સુગંધી તેલોમાંથી મળે છે.

7. નીરોડાયૉલ (nerodiol) : નીરોલીના સુગંધી તેલમાંથી મળે છે. ઉ.બિં. 110° સે. (3 મિમી.એ). નીરોડાયૉલ અને ફાર્નેસોલ એકબીજાના બંધારણીય સમઘટકો છે.

8. ફેલાન્ડ્રાલ (phellandral) : વૉટર ફેનલ (water fennel) તેલ અને નીલગીરી (eucaliptus) તેલમાંથી મળે છે. ઉ.બિં. 75° સે. (1.5 મિમી.એ).

9. ઍમ્બ્રીન (ambrein) : તે ટ્રાઇસાઇક્લિક ટ્રાઇટર્પીન વર્ગનો તૃતીયક (tertiary) આલ્કોહૉલ છે. સ્પર્મ વહેલના સ્રાવમાંથી મળતા એમ્બરગ્રિસમાંથી મળે છે. ઉ.બિં. 83°-84° સે..

(iii) સંશ્લેષિત અથવા અર્ધસંશ્લેષિત (semisynthetic) રસાયણો : આ સંયોજનોનું ઉત્પાદન કુદરતી અથવા શુદ્ધ સંશ્લેષિત કાચા માલમાંથી થાય છે. સુગંધ-દ્રવ્યોમાં વપરાતા સુગંધીદાર પદાર્થોમાં લગભગ 50 % ઉપરાંતનાં સંઘટનો મુખ્યત્વે ઓછા ખર્ચાળ સંશ્લેષિતો જ હોય છે. કેટલાક ઘટકો પૃથક્કૃતોમાંથી રાસાયણિક રીતે સંશ્લેષિત કરવામાં આવે છે અથવા કુદરતી આરંભિક (starting) પદાર્થોમાંથી બનાવાય છે. આવાં સંયોજનોને અર્ધસંશ્લેષિત રસાયણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે; દા.ત., લવિંગના તેલમાં રહેલા યુજિનોલમાંથી વેનિલીન, લીલી ચાના તેલમાં આવેલા સિટ્રાલમાંથી આયોનોન તથા ટર્પેન્ટાઇન અને પાઇન તેલમાંથી ટર્પિનિયોલ (terpineols).

ડબ્લ્યૂ. એચ. પર્કિને 1867માં કૌમારિનની બનાવટ આપી ત્યારથી સંશ્લેષિત સુગંધ-દ્રવ્યોનો સ્થાયી વિકાસ થયો છે. સંશ્લેષિત ઘટકોને પુષ્પીય (floral), ફળ કે બાલ્ઝમ – એ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે.

1. કૌમારિન : તે ટોન્કા-બીન્સ (tonka beans) અને 65 જેટલા અન્ય છોડમાંથી મળે છે; પણ સંશ્લેષિત પદાર્થ સસ્તો પડે છે. તે સુગંધ-તેલો અને તમાકુની નીપજો માટે સ્થાયીકારક અને તીવ્રતાકારક (enhancing agent) તરીકે તેમજ ઔદ્યોગિક નીપજોમાં ઉદભવતી અણગમતી વાસને દાબી દેવા માટે પ્રચ્છાદક તરીકે વપરાય છે.

2. ડાઇફિનાઇલ ઑક્સાઇડ અથવા ઈથર : તે સારા એવા પ્રમાણમાં સ્થાયી છે અને તીવ્ર જિરેનિયમ-સુગંધ ધરાવે છે. સાબુ અને સુગંધ-દ્રવ્યોમાં મોટા પ્રમાણમાં વપરાય છે.

3. આયોનોન : આયોનોન અને તેના સમધર્મીઓ વાયોલેટ ફૂલોના પ્રકારની ખુશબો ધરાવે છે. વાયોલેટ સુગંધ-દ્રવ્યોમાં તે વપરાય છે. ઉત્તમ કોટિનાં સુગંધ-દ્રવ્યો માટે તે અતિ આવશ્યક છે. ભાગ્યે જ એવાં સુગંધ-દ્રવ્યો હશે જેમાં થોડા પ્રમાણમાં પણ આયોનોન ન હોય. તેના ઘ્રાણીય ગુણધર્મો (olfactory properties) તેમાં રહેલા ડાઈ-α-આયોનોન અને β-આયોનોનના કારણે છે.

4. સિન્નામિક આલ્ડિહાઇડ : કુદરતમાં તે ચીની તજ(Chinese cassia)ના તેલમાંથી મળે છે. તે પીળાશ પડતા રંગનું, તજની વાસવાળું, મધુર સ્વાદ ધરાવતું તેલ છે. તે આલ્કલીની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડના સંઘનન(conden-sation)થી મેળવાય છે.

5. બેન્ઝાઇલ બેન્ઝોએટ (benzyl benzoate) : કુદરતી રીતે તે બાલ્સમ (balsam) (પેરુ, ટોલુ)માંથી મળે છે; પણ વ્યાપારી ધોરણે તે બેન્ઝાઇલ આલ્કોહૉલ વડે બેન્ઝોઇક ઍસિડના એસ્ટરીકરણથી અથવા બેન્ઝાલ્ડિહાઇડ સાથેની કેનિઝારો પ્રક્રિયા દ્વારા મેળવાય છે. તે આછી (faint) મધુર (aromatic) સુગંધ ધરાવે છે. ઉ.બિં. 323°થી 324° સે..

6. બેન્ઝાઇલ એસિટેટ : તેની ઓછી કિંમત અને પુષ્પીય સુગંધને કારણે બહોળા પ્રમાણમાં વપરાતું એસ્ટર-સંયોજન છે. સાબુ તથા ઔદ્યોગિક સુગંધ-દ્રવ્યો માટે તે વધુ ઉપયોગમાં લેવાય છે. તે પાણી જેવું પ્રવાહી છે. પાણીમાં તે ઓછું પણ આલ્કોહૉલ અને ઈથરમાં દ્રાવ્ય છે. તેનું ઉ.બિં. 212° સે. અને વિ. ઘ. 1.052થી 10.062 છે.

7. ફિનાઇલઇથાઇલ આલ્કોહૉલ : આની સુગંધ ગુલાબ જેવી હોય છે. તે ગુલાબ, નારંગી અને અન્ય પુષ્પોમાંથી મળે છે. તે તૈલી પ્રવાહી છે અને સુગંધ-દ્રવ્યોના સંરૂપણ(formulation)માં વધુ વપરાય છે. તે ગ્રિગ્નાર્ડ(Grignard)-પ્રક્રિયા કે ફ્રિડલ-ક્રાફ્ટસની પ્રક્રિયા દ્વારા બનાવાય છે.

8. એમાઇલ સેલિસિલેટ અને મિથાઇલ સેલિસિલેટ : આ બંને સેલિસિલિક ઍસિડનાં એસ્ટર-સંયોજનો છે. સુગંધ-દ્રવ્યો તથા સોડમકારક (flavouring) ઉદ્યોગમાં વ્યાપક પ્રમાણમાં વપરાય છે. લાંબો સમય સુધી ટકવાના તેના ગુણ તથા ઓછી કિંમતને લીધે એમાઇલ સેલિસિલેટનું ઉત્પાદન વધુ થાય છે. મિથાઇલ સેલિસિલેટ (સંશ્લેષિત વિન્ટરગ્રીન-તેલ) સોડમ આપનાર ઘટક તરીકે તેમજ સાંધાના દુખાવા માટેના મલમો બનાવવામાં વપરાય છે.

9. કૃત્રિમ કસ્તૂરી (artificial musks) : કુદરતી કસ્તૂરી સાથે સમરૂપ (identical) ન હોય તેવાં ઘણાં રસાયણોનો આમાં સમાવેશ થાય છે. આ સંયોજનો તેમની દીર્ઘચક્રી સંરચનાને કારણે સુગંધ ધરાવે છે. આવાં સંયોજનોનું બંધારણ અલગ અલગ હોય છે. કેટલાક તૃતીયક-બ્યુટાઇલ (tertiary butyl) સમૂહયુક્ત બેન્ઝિન-વલય ધરાવતાં પૉલિનાઇટ્રો વ્યુત્પન્નોની સુગંધ કુદરતી કસ્તૂરી જેવી તથા કિંમતમાં સસ્તાં હોઈ સુગંધ-દ્રવ્યો બનાવવામાં તેમનો ઉપયોગ વધુ થાય છે. આવાં સંયોજનોમાં ટાલ્યુઇન મસ્ક, મસ્ક એમ્બ્રીટે, મસ્ક ઝાયલીન, મસ્ક કીટોન વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેનિલિન, હિલિયોટ્રૉપિન અથવા પિપેરોનાલ, સિટ્રોનેલાલ, એનિઆલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ વગેરે પણ સુગંધ-દ્રવ્યો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

પ્ર. બે. પટેલ