સુખથનકર, દત્તારામ કૃષ્ણ (જ. 11 ડિસેમ્બર 1924, મર્સેલા, ગોવા) : જાણીતા કોંકણી નિબંધકાર અને હાસ્યકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘મન્ની પુનાવ’ (‘માલિની પૂર્ણિમા’) (1977) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગોવામાં પંજીમ ખાતેની એસ્કોલા મેડિકા નામની તબીબી કૉલેજમાંથી 1952માં તબીબી ક્ષેત્રે ‘મેડિકો સિરુર્જીઆઓ’ની ડિગ્રી મેળવી. ત્યારબાદ 11 વર્ષ સુધી ગાંધી મેમોરિયલ લેપ્રસી રિસર્ચ ફાઉન્ડેશન, ખાનદેશ ખાતે રક્તપિત્તિયાઓની સેવા કરી.
1946માં ગોવાની આઝાદીની ચળવળમાં જોડાયા. કેટલોક વખત હિંસક પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતાં ધરપકડ વહોરી અને એક મહિનાનો જેલવાસ ભોગવ્યો. થોડો વખત તેમણે ગોમન્ત ભારતી, મુંબઈના સેક્રેટરી તરીકે કામગીરી કરી. 1979-1982 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના કોંકણી સલાહકાર બોર્ડના સભ્ય રહ્યા.
1953થી તેમણે લેખનકાર્યનો આરંભ કર્યો. તેમણે આકાશવાણી પરથી આપેલ વાર્તાલાપો અને કોંકણી સામયિકોમાં પ્રગટ થયેલા તેમના 17 નિબંધોનો ઉપર્યુક્ત સંગ્રહ ‘મન્ની પુનાવ’ પ્રગટ કર્યો. તેમાં 1961ની મુક્તિ પહેલાનું અને પછીનું ગોવા અને ત્યાંના લોકોના જીવનનું ચિત્રાંકન સરળ છતાં વિનોદરસિક શૈલીમાં અને રોજિંદી વાતચીતની ભાષામાં કરવામાં આવ્યું છે. તે તેમના વિશાળ વાચન અને માનવસ્વભાવ વિશેની તેમની ઊંડી સમજની પ્રતીતિ કરાવે છે. માનવીનાં ગર્વ અને મૂર્ખતા પર રમૂજભર્યો કટાક્ષ તેમાં જોવા મળે છે. આમ તેમના કેટલાક નિબંધો સામાજિક રિવાજો, રીતભાત અને મુક્તિ પહેલાં ગોવાનિઝોની બોલવાની લઢણ વિશેના મૂલ્યવાન દસ્તાવેજરૂપ છે.
તેમની આ પુરસ્કૃત કૃતિ ‘મન્ની પુનાવ’માં મોટાભાગના નિબંધો વિનોદરસિક છે. તેનું શીર્ષક લેખકના જન્મસ્થળ મશેલ નામના ગામની પ્રખ્યાત જાત્રાનું નામ છે. આ કૃતિ સ્થાનિક રૂઢિપ્રયોગો, વિલક્ષણ શબ્દલીલા, બાળપણનાં સંસ્મરણોનું ચિત્રાંકન, સંવાદો વગેરેથી ભરપૂર છે. કટાક્ષ અને વિનોદ, માનવસ્વભાવ પ્રત્યેની સહાનુભૂતિપૂર્વકની સમજ, વ્યક્તિગત ગાઢ પરિચયવાળી શૈલી અને જીવંત ભાષાને લીધે એ કૃતિથી કોંકણી સાહિત્યમાં જુદી ભાત પાડે છે. એ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કોંકણી ભાષા મંડળ ઍવૉર્ડ તથા ગોવા કલા અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા