સુખડી (1905) : સિંધી લેખક કેવળરામ સલામતરાય અડવાણી(જ. 1809)નો વાર્તાસંગ્રહ. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ ધર્મો અને સાહિત્ય વિશે અભ્યાસ કર્યો. 1864થી 1870ના 7 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે સિંધીમાં 3 ગ્રંથો આપ્યા : ‘ગુલ’ (‘ફ્લાવર્સ’); ‘ગુલુશકર’ (‘મિક્સચર ઑવ્ રૉઝ પેટલ્સ ઍન્ડ સુગર’) અને ‘સુખડી’ (‘એ પ્રેઝન્ટ’). આ ત્રણેય ગ્રંથોની હસ્તપ્રત તેમણે પ્રકાશન માટે સિંધના શિક્ષણવિભાગને સોંપેલી, તે 35 વર્ષ સુધી પ્રગટ થયા વિના રહેલી અને 1905માં તે પ્રગટ કરવામાં આવી.

‘ગુલ’ અને ‘સુખડી’ મનોરંજક વાર્તાસંગ્રહો છે. તેમાં નૈતિક બોધ આપતા છૂટક પ્રસંગોની વાત છે. તેમની વાર્તાઓની ગૂંથણીમાં ‘હિતોપદેશ’ અને ‘પંચતંત્ર’ની શૈલી અપનાવી છે. તે નીતિકથાઓ ગદ્યસ્વરૂપે હોવા છતાં વચ્ચે વચ્ચે કાવ્યો આપ્યાં છે, જે મોટેભાગે નીતિનો બોધ આપે છે. આમ તેમણે લઘુ નીતિકથાઓ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત આપવાનો સચોટ પ્રયાસ કર્યો છે. આને માટે તેમણે સિંધી ઉપરાંત, હિંદી, ફારસી લતીફાઓ, કહેવતો, ટુચકા, ઉખાણાં – તુલસી તેમજ નાનકની સાખીઓનો પણ ઉપયોગ કર્યો છે.

જયન્ત રેલવાણી