સુએઝ (શહેર) : સુએઝના અખાતમાં સુએઝ નહેરના દક્ષિણ છેડાના પ્રવેશસ્થાને આવેલું ઇજિપ્તનું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 29° 58´ ઉ. અ. અને 32° 33´ પૂ. રે.. સુએઝ એક બંદર તરીકે પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે. આ સ્થળનું બંદર તરીકે તો ઘણું મહત્વ છે, તેમ છતાં 1869માં સુએઝ નહેરનું નિર્માણ થઈ ગયા પછી તે ઇજિપ્તનાં મુખ્ય ઔદ્યોગિક મથકો પૈકીનું એક બની રહ્યું છે. સુએઝના મુખ્ય ઉદ્યોગોમાં ખનિજતેલ શુદ્ધીકરણ કારખાનું અને ખાતર-ઉત્પાદનનો સમાવેશ થાય છે.
1967ના આરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન સુએઝ શહેરને તેમજ ત્યાંના ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવું પડેલું; તે ગાળા દરમિયાન સુએઝ નહેર બંધ કરી દેવામાં આવેલી, જેને પરિણામે બંદરની મહત્વની કામગીરી અટકી ગયેલી. ત્યારબાદ 1975માં નહેરને ફરીથી ખુલ્લી મૂકવામાં આવેલી. તે પછીથી જહાજોની અવરજવરથી થતી જકાતની આવક વધવા પામી છે, નવાં કારખાનાં ઊભાં થતાં ગયાં છે, તેલ શુદ્ધીકરણનું કારખાનું નંખાયું છે. આ સુવિધાઓને કારણે સુએઝનું મહત્વ ફરીથી વધી ગયું છે. આરબઇઝરાયલ યુદ્ધ બાદ 1979માં તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. આ શહેરનું અરબી નામ અલ સુવેઝ છે. તેની વસ્તી 1998 મુજબ 4,37,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા