સુંદરવન : ગંગાના ત્રિકોણપ્રદેશનો વિસ્તાર. પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં આવેલું પંકભૂમિક્ષેત્ર તેમજ વનક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : તે 21° 38´થી 22° 38´ ઉ. અ. અને 88° 05´થી 90° 28´ પૂ. રે. વચ્ચેનો અંદાજે 16,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી 38 % ભાગ ભારતમાં અને 62 % ભાગ બાંગ્લાદેશમાં છે. તેના દક્ષિણવર્તી વિસ્તાર પૈકી 4,143 ચોકિમી. ભૂમિભાગ (42 ચોકિમી. જેટલી રેતીની આડ સહિત) તથા 1,874 જળવિસ્તારનો સમાવેશ થાય છે. તે બંગાળની ખાડીના કાંઠા પર હુગલી નદીના મુખથી મેઘના નદીના મુખ સુધીનો પૂર્વ-પશ્ચિમ 264 કિમી. જેટલો તથા ઉત્તર-દક્ષિણ સ્થાનભેદે 96 કિમી.થી 128 કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ચોવીસ પરગણાં, ખુલના અને બાકેરગંજ જિલ્લા આવેલા છે.
સુંદરવનનું વનક્ષેત્ર
આ ક્ષેત્રનું નામ ‘સુંદરવન’ અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળતાં સુંદરી વૃક્ષો (મૅન્ગ્રુવ પ્રકાર : Heritiera littoralis) પરથી પડેલું છે. સાહિત્યની ભાષામાં તેનો અર્થ સુંદર (રમણીય) જંગલ એવો થાય છે. આ ઉપરાંત અહીં ગોરાન, ગેવા, બૈન તથા ઢુંડાલ નામનાં વૃક્ષો પણ જોવા મળે છે. આ સમગ્ર વિસ્તાર ઉત્તર-દક્ષિણ વહેતી હુગલી, માલ્ટા, રાયમંગલ, માલંચા, હરણધારા, મેઘના તથા તેમની અનેક શાખા-પ્રશાખાઓથી ગૂંથણીવાળો બની રહેલો છે. પૂરની મોસમ દરમિયાન અહીંનો ભૂમિવિસ્તાર પાણીથી ડૂબેલો રહે છે. પૂર ઊતરી જતાં તે પંકથી તરબતર, કળણવાળો તથા બેટવાળો બની રહે છે. વળી તે નદીનાળ, ભરતી, ખાડીઓ તેમજ નાના-મોટા અનેક જળફાંટાઓથી ભેદાયેલો રહેતો હોવાથી પંકસભર રહે છે.
સુંદરવનનો ‘રૉયલ બગાલ ટાઇગર’
સુંદરવનમાં જંગલી પ્રાણીઓ વધુ જોવા મળે છે. તેમાં રૉયલ બૅંગાલ ટાઇગર અને ટપકાંવાળાં મૃગ વિશેષ છે. તદુપરાંત દરિયાઈ ઘોડા, જંગલી ભેંસ, જંગલી ડુક્કર, મગર, સર્પ, પક્ષીઓ તથા અન્ય જીવજંતુઓ જોવા મળે છે. અહીં પ્રાણી-વનસ્પતિની કુદરતી પરિસ્થિતિ યથાવત્ જળવાઈ રહી છે; પરંતુ માનવસર્જિત વિકાસ થવા પામ્યો નથી; તેમ છતાં કોલકાતાથી બ્રહ્મપુત્રની ખીણ વચ્ચે સ્થાનિક હોડીઓથી અવરજવર રહે છે ખરી. છેલ્લી ગણતરી (2004) મુજબ અહીં 700 જેટલા બેંગાલ ટાઇગર અને 30,000 જેટલાં ટપકીવાળાં હરણોની વસ્તી છે. અહીં જંગલી પ્રાણીઓને પકડવાની, મારવાની કે શિકાર કરવાની મનાઈ છે; અલબત્ત, માછલીઓ પકડવાની છૂટ છે. વીસમી સદીના અંત સુધીમાં અહીંનાં પ્રાણીઓ પૈકી છ જાતનાં સસ્તન પ્રાણીઓ અને એક સર્પજાતિ ખલાસ થઈ ગઈ છે. બૅંગાલ ટાઇગરનું આરક્ષણ પણ જરૂરી બન્યું છે.
સુંદરવનનો ઉત્તર તરફનો ભાગ ખેતીકીય દૃષ્ટિએ ઉપયોગી બની રહ્યો છે. ડાંગર, શેરડી અને સોપારીનું વાવેતર થાય છે. ઉત્તર તરફના સ્થાનિક લોકો વૃક્ષોનાં લાકડાંનો ઇંધન તરીકે ઉપયોગ કરે છે. લાકડાંની ઉપલબ્ધિથી છાપાંના કાગળોની મિલ, દીવાસળીનું કારખાનું, હાર્ડબૉર્ડનું કારખાનું, હોડીબાંધકામ અને રાચરચીલાના એકમો વિકસ્યા છે; જેને પરિણામે નજીકના જિલ્લાઓના કાંઠાના વિસ્તારોના અંદાજે પાંચ લાખ લોકોને રોજીરોટી મળી રહે છે.
છેલ્લાં વર્ષો દરમિયાન થયેલાં વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે બંગાળની ખાડીનો તળવિભાગ ક્રમશ: પૂર્વ તરફ ઢળતો જાય છે, તેથી એક અનુમાન એવું મુકાયું છે કે બાંગ્લાદેશ તરફના સુંદરવનના જળની ક્ષારતા ભારતીય સુંદરવનના જળની ક્ષારતા કરતાં ઓછી રહેશે. સુંદરવનનો સમગ્ર વિસ્તાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ‘સુંદરવન નૅશનલ પાર્ક’ (અભયારણ્ય) તરીકે નોંધવામાં આવ્યો છે. આ સિવાય, જાણીતા નૃવંશશાસ્ત્રી અમિતાવ ઘોષ લિખિત ‘ધ હન્ગ્રી ટાઇડ’(2004)માં સુંદરવનનો પૂર્ણ ચિતાર આલેખાયેલો છે. આ વિસ્તારનું સર્વેક્ષણ થયું નથી તેમજ અહીંની ભૂમિને નવસાધ્ય કરવાનો સફળ પ્રયાસ પણ થઈ શક્યો નથી.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી