સીસૅટ (sea sat) : સમુદ્રના સર્વેક્ષણ માટે 27 જૂન 1978ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલો અમેરિકાનો માનવરહિત ઉપગ્રહ. સી-સૅટ ઉપગ્રહનું કાર્ય 99 દિવસો સુધી ચાલ્યું હતું. એ સમય દરમિયાન પૃથ્વી ફરતાં તેનાં દરરોજનાં 14 પરિભ્રમણ પ્રમાણે, દર 36 કલાકે પૃથ્વી પરના સમુદ્રની સપાટીના લગભગ 96 % ભાગનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ‘સૂક્ષ્મ તરંગ’ (micro-waves) (તરંગ) લંબાઈમાં કાર્ય કરતાં તેનાં રડાર ઉપકરણો વાદળાંની આરપાર સમુદ્રની સપાટીનું અવલોકન કરવા માટે સક્ષમ હતાં. તેનાં ઉપકરણોની મદદથી સમુદ્રની સપાટીની પરિસ્થિતિ તથા તેની લાક્ષણિકતા, જેવી કે સમુદ્રના તરંગોની ઊંચાઈ, પાણીની સપાટીનું તાપમાન, સમુદ્રના પ્રવાહો, પવનની ગતિ, હિમપર્વતો (icebergs) તથા સમુદ્રના કિનારાની લાક્ષણિકતા વિશે માહિતી મળી હતી. સી-સૅટ ઉપગ્રહના વિદ્યુતતંત્રમાં સર્જાયેલી ક્ષતિને કારણે 9 ઑક્ટોબર, 1978ના રોજ તેનું કાર્ય અટકી ગયું હતું; પરંતુ એ ઉપગ્રહનો મુખ્ય ઉદ્દેશ પરિપૂર્ણ થયો હતો અને સિદ્ધ થઈ શક્યું હતું કે ઉપગ્રહ-સર્વેક્ષણ દ્વારા સમુદ્રની ઘટનાઓ વિશે ઘણી ઉપયોગી માહિતી વ્યાપક સ્તરે અને ઘણી ઝડપથી મેળવી શકાય છે. સી-સૅટ ઉપગ્રહ દ્વારા મળેલી માહિતી 23 સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવી હતી તથા દરિયાપાર જતાં જહાજોના નાવિકોને અને વિમાનોને તે માહિતી દ્વારા મદદ મળી હતી.

પરંતપ પાઠક