સી. રાધાકૃષ્ણન્ (જ. 15 ફેબ્રુઆરી, 1939, અમરપટ્ટમ, તા. તિરુર, જિ. મલ્લપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાના આ સર્જકની કૃતિ ‘સ્પન્દમાપિનિંકાલ નન્દી’(1986)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી પ્રયુક્ત ભૌતિકશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે કોડાઈકેનાલની ઍસ્ટ્રૉફિઝિકલ વેધશાળામાં કામગીરી બજાવી. ત્યારપછી તેમણે અનેક સાપ્તાહિકો તથા દૈનિકોના તંત્રીપદે કામગીરી બજાવી. અત્યારે તેઓ સર્જનાત્મક લેખનકાર્ય તથા સ્વતંત્ર પત્રકારત્વમાં પૂરેપૂરા સમર્પિત છે.
તેમણે પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. તેમણે 37 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 9 સંગ્રહો, 4 નાટકો અને 2 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ‘એલ્લામ માયકુન્નુ કાટલ’, ‘પુલ્લિપ્પુલિકલૂમ વેલ્લિન ક્ષત્રઙ્ઙલૂમ’, ‘પિન્નિલાવુ’ તેમજ ‘ઓટ્ટવટિપ્પાતકલ’ – એ તેમની જાણીતી કૃતિઓ છે. કેરળની રાઇટર્સ કૉઓપરેટિવના તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1962માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1990માં મહાકવિ ‘જી’ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે તેમની પોતાની નવલકથાઓના આધારે 4 ફીચર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેમની 2 નવલકથાઓ તથા એક નાટ્યકૃતિ અંગ્રેજીમાં અનૂદિત થઈ છે.
સી. રાધાકૃષ્ણન્
પુરસ્કૃત નવલકથાને 1987માં અબૂધાબી મલયાળી સમાજમ્ પુરસ્કાર પણ મળ્યો હતો. આ નવલકથામાં મુખ્યત્વે આજના સમાજમાંના વૈજ્ઞાનિકોની સમસ્યાઓની છણાવટ છે. તેમાં વર્ણવાયેલી જુદી જુદી ઘટનાઓમાં તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિઓનું સુંદર શૈલીમાં ચિત્રણ કર્યું છે. ગંભીર વિચારધારા પ્રેરનારી આ એક મહત્વની નવલકથા છે.
મહેશ ચોકસી