સીપ્લેન (Sea Plane) : પાણી ઉપરથી સીધું હવામાં ઉડાણ ભરી શકે તથા પાણીમાં જ ઉતરાણ કરી શકે તેવું ઍરોપ્લેન. આવાં સી-પ્લેન બે પ્રકારનાં હોય છે : (1) તરતાં ઍરોપ્લેન તથા (2) ઊડતી હોડી જેવાં ઍરોપ્લેન (flying boats).

તરતાં ઍરોપ્લેન (float plane) સામાન્ય ઍરોપ્લેન જેવાં જ હોય છે, પરંતુ પ્લેનનાં પૈડાંને બદલે ત્યાં નાના તરાપા જેવાં સાધનો લગાડેલાં હોય છે. ઊડતી હોડી જેવા ઍરોપ્લેનને એક પહોળી ખોખાના આકારની હોડી લગાડેલી હોય છે તથા પાંખોના છેડા નાનકડા તરાપાથી બેસાડેલા હોય છે.

સી-પ્લેનના સરળ ઉતરાણ માટે શાંત પાણી હોવું જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તો બહુ થોડાં સી-પ્લેન બનાવાયાં છે. બંને વિશ્વયુદ્ધોમાં આવા સી-પ્લેન મોટે પાયે વપરાયેલાં. પાન એમ જેવી આંતરરાષ્ટ્રીય વિમાનયાત્રાની સુવિધા આપતી કંપની 1920 અને 1930ના ગાળામાં આવાં હોડી જેવાં સંખ્યાબંધ ઍરોપ્લેન દ્વારા સેવા આપતી હતી.

સી-પ્લેન સૌપ્રથમ યુ.એસ.માં દરિયાને રન-વે (ઉડાણ માટેના પટ્ટા) તરીકે વાપરવા માટે બનાવાયેલાં.

1920ના ઉત્તરાર્ધ તથા 1930ના પૂર્વાર્ધમાં એક સ્નાઇડર ટ્રૉફી માટે હરીફાઈ યોજાઈ જેમાં ભાગ લેવા અનેક સી-પ્લેન બનાવવામાં આવેલાં. આ હરીફાઈ એક બ્રિટિશ સુપરમરીન S6B નામના સી-પ્લેને જીતી લીધી હતી, જેની ગતિ કલાકના 407 માઈલ (655 કિ.મીટર) નોંધાયેલી. ત્રીસી દરમિયાન મોટાં સી-પ્લેન જેમને ‘ઊડતાં જહાજો’ (flying boats) નામ આપવામાં આવેલું તે મુસાફરો તેમજ માલનું વહન કરવા માટે ટ્રાન્સ-પૅસિફિક રૂટ ઉપર ખાસ વપરાતાં. વળી વિશ્વયુદ્ધ દરમિયાન ઍન્ટિ-સબમરીન તરીકે તથા બચાવકાર્ય માટે પણ વપરાતાં. આ માટે વપરાતાં સી-પ્લેનને ‘પાન એમ ક્લીપર’ (Pan Am Clippers), ‘કૅટેલિના’, ‘ડૉર્નિયર’ તેમજ ‘સુન્ડરલૅન્ડ’ એવાં નામ અપાયાં છે. સૌથી મોટું હવાઈ જહાજ (aircraft) ‘સ્પ્રુસ ગૂઝ’ (Spruce Goose) 1940માં હાવર્ડ હ્યુજીસે બનાવેલું; જેમાં આઠ એન્જિનો બેસાડેલાં. આ જહાજ માત્ર એક જ વખત ઉડાડવામાં આવેલું.

સી-પ્લેન : હ્યુજીસ હરક્યુલિસ

ત્યારબાદ હાવર્ડ હ્યુજીસે ‘હ્યુજીસનો હરક્યુલિસ’ (Hughes Hercules) નામનું વિશ્વનું સૌથી મોટું સી-પ્લેન 1947માં કાષ્ઠમાંથી બનાવ્યું, જેની પાંખનો ગાળો (span) 94.49 મીટર (312 ફીટ) તથા આ પ્લેનનું કુલ વજન 1,800 કિગ્રા. (1.8 ટન) હતું. તેમાં 3000 હૉર્સપાવરનાં આઠ એન્જિન ગોઠવવામાં આવેલાં.

નગીનદાસ હી. મોદી

જ. પો. ત્રિવેદી