સી.પી.એમ. (CPM critical path method) : આલોચક માર્ગપદ્ધતિ. જે પરિયોજના પૂર્ણ કરવાનો સમય અગાઉથી નિ:શંક જ્ઞાત છે તેને કુશળતાપૂર્વક પૂરી પાડવા માટેનું વિશ્લેષણાત્મક માળખું. ધંધાકીય એકમનું ભાવિ આયોજન અને અંકુશ પર આધારિત છે. આયોજન ભવિષ્યમાં અને અંકુશ ભૂતકાળમાં જુએ છે. એ બેની વચ્ચે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ હોય છે. આયોજન અને અંકુશ સફળતાપૂર્વક કરવા માટે પર્ટ (PERT – Programme Evaluation and Review Technique) તથા સી.પી.એમ. એવી અનેક તકનીકો શોધાઈ છે. અપુનરાવર્તી (non-repititive) અથવા અભૂતપૂર્વ કાર્યો માટે પર્ટ અને પુનરાવર્તી (repetitive) કાર્યો માટે સી.પી.એમ. માફક આવે છે. અમેરિકાની ડ્યૂ પોન્ટ કંપનીના મૉર્ગન આર. વૉકર અને રેમિંગ્ટન રેન્ડના જેઇમ્સ ક્રેમીએ સી.પી.એમ. તકનીક શોધી છે. એમણે પ્રવૃત્તિ માટે → નિશાનનો અને ઘટના માટે વર્તુળ (O) નિશાનનો ઉપયોગ કરી આલેખ બનાવ્યો, જેમાં કરવાની પ્રવૃત્તિઓ (activities) અને સંપન્ન ઘટનાઓ(events)ને તાર્કિક અને સુગ્રથિત અનુક્રમમાં ગોઠવીને બંને વચ્ચેનો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ આલેખની મદદથી કઈ પ્રવૃત્તિ માટે કેટલાં સંસાધન ફાળવવાનાં છે તે નક્કી કરીને ન્યૂનતમ પડતર આવે તે રીતે સંસાધનોની સૌથી યોગ્ય એવી ફાળવણી કરવામાં આવે છે અને આલેખ દોરવામાં આવે છે; તેથી પ્રવૃત્તિઓનો નિયત માર્ગ (path) અને તેમાં કઈ પ્રવૃત્તિઓ કેટલી અગત્યની છે તે સ્પષ્ટ થાય છે. પ્રવૃત્તિ દર્શાવતા દરેક →ની સાથે પ્રવૃત્તિનું નામ, એ કરવા માટે વ્યતીત થનાર સમય અને શરૂ કરવાનો અને પૂરું કરવાનો સમય દર્શાવવામાં આવે છે. આમ કરવાથી પ્રવૃત્તિ પાછળ કેટલાં સમય-શક્તિનો વપરાશ થશે અને ઘટના ક્યારે સંપન્ન થશે તેનાં ધોરણો સ્થાપિત થાય છે. દરેક પ્રવૃત્તિની પડતર નક્કી થાય છે. સમગ્ર કામકાજમાં કઈ પ્રવૃત્તિ કેટલી અગત્યની છે, કઈ પ્રવૃત્તિ પર ઝીણવટભરી નજર રાખવાની છે, ક્યારે કયા સંસાધનને કઈ પ્રવૃત્તિમાં જોતરવાનું છે, કોઈ એક પ્રવૃત્તિ કરવામાં વિલંબની પરિસ્થિતિ પ્રસંગે સમય-વપરાશમાં અને પડતરમાં એકંદરે થનારા વધારા, બિનજરૂરી અથવા પ્રમાણથી થતી વધારે પ્રવૃત્તિઓની ઓળખ અને સમય-બચાવ માટે કોઈ એક પ્રવૃત્તિ કર્યા બાદ વધતા સંસાધનની તબદીલીની શક્યતા અંગે નિર્ણયો લેવામાં આ પદ્ધતિ માર્ગદર્શક બને છે.

આ પદ્ધતિમાં માલનું ઉત્પાદન અને મકાનો બાંધવાથી માંડીને કાર્યાલયમાં થતી પ્રવૃત્તિઓના મુખ્ય પ્રવાહની સળંગતા વિચારવામાં આવે છે. સળંગતામાં થતાં કાર્યો કયા ક્રમમાં આગળ વધે છે તે →થી બતાવવામાં આવે છે. કયાં કયાં જંક્શનોએ ઘટનાઓ મુખ્ય પ્રવાહને આવીને મળશે અને છૂટી પડશે તે પણ →થી દર્શાવવામાં આવે છે. દરેક ઘટના બાદ કઈ ઘટના બનશે તે (O)થી દર્શાવવામાં આવે છે. આમ કરવાથી કેટલો સમય જશે અને પડતર થશે તેનો અંદાજ કાઢવામાં આવે છે.

દા.ત., ખાંડના કારખાનાની પ્રવૃત્તિઓનો અતિ સાદો ક્રિટિકલ પાથ :

ખાંડના કારખાનાની પ્રવૃત્તિઓની આ ખૂબ સાદી આકૃતિમાં 1, 2, 3, 5, 6 આલોચક માર્ગ (critical path) છે. (1) ઘટનાસ્થળે શેરડી આવી ગઈ છે. એના પર પિલાણની પ્રક્રિયા →થી દર્શાવવામાં આવી છે, જે (2) ઘટનાસ્થળે ટાંકીમાં રસની અને ખુલ્લી જગ્યામાં કૂચાની ઘટનામાં પરિણમે છે. રસને ઠારવાની પ્રક્રિયાને અંતે (3) સ્થળે તે નીતર્યો રસ બને છે. કૂચાને દળવાની પ્રક્રિયાને અંતે (4) સ્થળે તે બાળવા જેટલો ઝીણો અને સૂકો થાય છે. નીતર્યા રસને ઉકાળવા માટેની પ્રક્રિયા અને તે માટે બળતણ તરીકે કૂચાને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા બાદ

(5) સ્થળે ખાંડ બનવાની ઘટના ઉદ્ભવે છે. જેના પૅકિંગની પ્રક્રિયાને અંતે (6) ખાંડની ગૂણો તૈયાર થાય છે. આ દરેક → અને (O)ના સમય અને પડતર શોધવામાં આવે છે. સમયની માહિતી તો → ની સાથે આપી જ દેવામાં આવે છે. આ બંને ન્યૂનતમ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. 1, 2, 3, 5, 6ને આલોચક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આથી આ પદ્ધતિને સીપીએમ એટલે કે ક્રિટિકલ પાથ મેથડ તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ