સી. કે. નાયડુ ટ્રૉફી
January, 2008
સી. કે. નાયડુ ટ્રૉફી : મર્યાદિત ઓવરોમાં રમાતી ક્રિકેટની સ્પર્ધા. તે ભારતીય ક્રિકેટના સૌપ્રથમ ટેસ્ટ-કપ્તાન, એક મહાન ઑલરાઉન્ડર અને આદર્શ ખેલાડીના પ્રતીક સમા સ્વ. કર્નલ સી. કે. નાયડુની યાદમાં 19 વર્ષથી નીચેની ઉંમરના ક્રિકેટરો માટે ભારતીય ક્રિકેટ નિયામક મંડળના ઉપક્રમે આંતરક્ષેત્રીય કક્ષાએ મર્યાદિત ઓવરોની ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ માટેની એકદિવસીય ક્રિકેટની સ્પર્ધા ભૂતકાળમાં યોજાતી હતી.
આ સ્પર્ધા માટે સ્વ. નાયડુનાં કુટુંબીજનોએ ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ ભારતીય ક્રિકેટ નિયામક મંડળને અર્પણ કરી હતી.
1974-75થી 1985-86 સુધી, શરૂઆતનાં 12 વર્ષ સુધી આ સ્પર્ધા 22 વર્ષથી નીચેના ક્રિકેટરો માટે ક્ષેત્રીય કક્ષાએ તથા આંતરક્ષેત્રીય કક્ષાએ યોજાતી હતી. તેમાં પરાજિત ટીમ બહાર નીકળી જાય એ રીતે ત્રણ દિવસની ક્રિકેટ મૅચો યોજાતી હતી. આ સ્પર્ધાનાં 12 વર્ષમાંથી, 1983-84થી 1985-86 દરમિયાનનાં ત્રણ વર્ષમાં, આ સ્પર્ધા અને 22 વર્ષથી નીચેના ક્રિકેટરો માટેની ‘વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટ સ્પર્ધા’ એક જ ક્રિકેટકેન્દ્ર ખાતે સમાંતરે યોજાતી હતી.
1986-87થી ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ માટેની ક્રિકેટસ્પર્ધા 22 વર્ષથી નીચેના ક્રિકેટરોના બદલે 19 વર્ષથી નીચેના ક્રિકેટરો માટે આંતર-ક્ષેત્રીય કક્ષાએ યોજાવા લાગી. તેના નિયમ મુજબ હારેલી ક્ષેત્રીય ટીમ સ્પર્ધા બહાર ફેંકાઈ જતી.
1986-87થી 1989-90 દરમિયાન આ સ્પર્ધા 19 વર્ષથી નીચેના ક્રિકેટરો માટેની ‘કૂચ-બિહાર ટ્રૉફી’ આંતરક્ષેત્રીય ક્રિકેટસ્પર્ધા સાથે એ જ કેન્દ્ર ખાતે સમાંતરે યોજાતી હતી. ‘કૂચ-બિહાર ટ્રૉફી’ ક્રિકેટસ્પર્ધામાં શાનદાર દેખાવ કરનારા ક્રિકેટરો 19 વર્ષથી નીચેના ક્રિકેટરો માટેની ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ સ્પર્ધામાં ભાગ લેવાની પાત્રતા આપમેળે પ્રાપ્ત કરતા હતા.
1994-95ની મોસમથી ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ સ્પર્ધા આંતરક્ષેત્રીય કક્ષાએ ‘લીગ’-પદ્ધતિથી યોજાવા લાગી હતી. દરેક ક્ષેત્રીય ટીમ એક-બીજીની સામે મૅચો રમતી; જે કારણે આ સ્પર્ધામાં ફાઇનલ રમાતી નહોતી. સૌથી વધુ ગુણ મેળવનાર ટીમ પ્રથમ વિજેતા જાહેર થતી અને દ્વિતીય ક્રમે રહેનાર ટીમ ઉપવિજેતા જાહેર થતી.
હવે આ ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ ક્રિકેટસ્પર્ધા 22 વર્ષથી નીચેના ક્રિકેટરો માટે જ યોજાય છે.
1974-75થી 1989-90 સુધીના ગાળામાં આ સ્પર્ધા ઉત્તરના ક્ષેત્રે સાત વાર, પશ્ચિમના ક્ષેત્રે પાંચ વાર, દક્ષિણના ક્ષેત્રે ત્રણ વાર અને પૂર્વના ક્ષેત્રે એક વાર જીતી હતી.
ગુજરાત સરકારના ‘સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત’ના ઉપક્રમે ‘અખિલ ભારત શાળા રમતોત્સવ’માં ધોરણ 12 સુધીના વિદ્યાર્થી-ક્રિકેટરો માટે ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ ક્રિકેટ સ્પર્ધા યોજાય છે; જેમાં ભારતભરની શાળા-ક્રિકેટ ટીમો ભાગ લે છે. આ રીતે એક જ નામ ધરાવતી આ સ્પર્ધા બે જુદા જુદા સ્તરે યોજાય છે.
જગદીશ બિનીવાલે