સી.આઇ.એ. (CIA) : અમેરિકામાં નૅશનલ સિક્યુરિટી ઍક્ટ (NSA) હેઠળ સ્થાપવામાં આવેલ સરકાર હસ્તકની ગુપ્તચર સંસ્થા. સ્થાપના : 1947. પૂર્ણ નામ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી. મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ડી. સી. ખાતે. મુખ્ય કાર્ય દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય સલામતીને લગતી પ્રાપ્ત બાતમીઓનું સંકલન, મૂલ્યાંકન તથા પ્રસાર કરવા અને તેને આધારે દેશના રાષ્ટ્રાધ્યક્ષને તથા રાષ્ટ્રીય સિક્યુરિટી કાઉન્સિલ(NSC)ને જરૂરી સલાહ આપવી. આ સંસ્થા દેશની સરકાર હસ્તક ભલે કામ કરતી હોય છતાં રાષ્ટ્રીય સલામતીની બાબતો અંગે તેને ઘણી સ્વતંત્ર વહીવટી સત્તાઓ બક્ષવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં અમેરિકામાં ‘સ્ટ્રૅટેજિક સર્વિસ’ નામની જે સર્વપ્રથમ ગુપ્તચર સલામતી સંસ્થા સ્થાપવામાં આવી હતી અને જેનું અસ્તિત્વ 1942-45ના સમયગાળા પૂરતું જ મર્યાદિત રહ્યું હતું, તેના વિસર્જન પછી તેની અવેજીમાં સી.આઇ.એ. નામની આ સંસ્થાની નવેસરથી સ્થાપના કરવામાં આવી. તે દેશમાંથી અને દેશ બહારથી પણ સલામતીને લગતી ગુપ્ત માહિતી ભેગી કરે છે અને તે રાષ્ટ્રાધ્યક્ષ અને નૅશનલ સિક્યુરિટી કાઉન્સિલને પૂરી પાડે છે. એ સાથે અમેરિકાની સુરક્ષિતતા અંગે તેમને જરૂરી સલાહસૂચન પણ તે કરે છે. 1949માં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઍક્ટ હેઠળ તેને કેટલીક વિશિષ્ટ પ્રકારની સત્તાઓ બક્ષવામાં આવી છે. જોકે, દેશની અંદરના પ્રદેશોમાં તેને પોલીસ-વિભાગની સત્તાઓથી વંચિત રાખવામાં આવી છે. આ સંસ્થા પોતાની કામગીરી દરમિયાન જરૂર જણાય ત્યારે અમેરિકાની ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશન (FBI) નામની સંસ્થાની સહાય મેળવી શકે છે. વીસમી સદીના આઠમા દાયકામાં ‘બે ઑવ્ પિગ્ઝ’ (Bay of Pigs) આ ઉપનામથી ઓળખાતા ક્યૂબા પરના અમેરિકાના બિનજરૂરી અને વધુ પડતા સાહસિક આક્રમણ માટે; રાષ્ટ્રાધ્યક્ષ રિચાર્ડ નિકસનના કાર્યકાળ દરમિયાન ખુલ્લા પડેલા ‘વૉટર ગેટ’ કૌભાંડમાં પ્રત્યક્ષ સામેલગીરી કરવા માટે તથા બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલગીરી કરવા માટે આ સંસ્થાની આકરી ટીકા કરવામાં આવી હતી. તે ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ નામના દેશમાં ચાલતા આંતરિક સંઘર્ષમાં સક્રિય ભાગ લેવા માટે અમેરિકાની આ સલામતી સંસ્થાએ પોતાના ખર્ચે એક સશસ્ત્ર સંગઠન ઊભું કરવાનું બિનજરૂરી અને અયોગ્ય સાહસ પણ ગુપ્ત રીતે કર્યું હતું; જે ઉઘાડું પડતાં તેની તપાસ કરવા માટે જાન્યુઆરી, 1975માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ ગૅરી ફૉર્ડે એક તપાસપંચની રચના કરી હતી અને તેના સૂચનને આધારે તે જ વર્ષે આ સંસ્થાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તે જ અરસામાં અમેરિકાની સંસદના નીચલા ગૃહે પણ આ સંસ્થાની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે એક અલાયદા તપાસપંચની રચના કરી હતી.
અમેરિકાની આ ગુપ્ત સંસ્થા બીજા દેશોની આંતરિક બાબતોમાં સતત દખલગીરી કરતી હોય છે એવો આક્ષેપ તેના પર અત્યાર સુધી વારંવાર કરવામાં આવ્યો છે.
આ સંસ્થાના નિયામકપદે નિમણૂક કરવાની સંપૂર્ણ સત્તા અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષને હોય છે. જોકે, તે અંગે અંતિમ નિર્ણય કરતાં પહેલાં નૅશનલ સિક્યુરિટી કાઉન્સિલને વિશ્વાસમાં લેવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે