સીસાની વિષાક્તતા : સીસાની ધાતુ કે તેના રસાયણોના સંસર્ગથી થતી ઝેરી અસર. સીસું એક પ્રકારની ભારે ધાતુ છે. તેને ખાણમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. સીસું સૈકાઓથી ઉદ્યોગો અને ઘરેલુ ચીજવસ્તુઓમાં વપરાય છે. સીસાની આરોગ્ય પર થતી જોખમી અસરોને સીસાની વિષાક્તતા (lead poisoning, pulmbism) કહેવાય છે. સીસાની વિષાક્તતા પ્રાચીન સમયથી જાણીતી છે; પરંતુ વીસમી સદી દરમિયાન તેનાં સંશોધન અને પૂર્વનિવારણ વિશે લોકોમાં જાગૃતિ આવી છે. સીસાની વિષાક્તતાની અસર દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે; પરંતુ બાળકોમાં તેની અસર સવિશેષ જોવા મળે છે. સીસાના સતત અને લાંબા સમયના સંસર્ગથી તેની વિષાક્તતાની અસર થવાની સંભાવના રહે છે.
સીસાનું સ્રોતમૂળ અને માનવસંસર્ગ : સીસાનું મુખ્ય સ્રોતમૂળ ઉદ્યોગો છે. સીસાના ચોક્કસ ગુણધર્મોને કારણે તે વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે. આશરે 200 કરતાં પણ વધારે ઉદ્યોગોમાં તે વપરાય છે; જેમાં સંગૃહીત બૅટરી, કાચ, વહાણ, માટીનાં વાસણો, છાપખાનું વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. સીસા-આધારિત ઉદ્યોગોના કારીગરો અને આસપાસના નિવાસીઓને સીસાની વિષાક્તતાની અસર થવાનું જોખમ રહેલું છે. સીસાનું બીજું મોટું સ્રોતમૂળ સીસાયુક્ત પેટ્રોલ (leaded gasoline) છે. પેટ્રોલથી ચાલતાં વાહનોના ધુમાડા અને ધોરી માર્ગની આસપાસની જમીનના રજકણો દ્વારા પણ માનવી તેના સંસર્ગમાં આવે છે. સીસાની નળીઓ દ્વારા પસાર થતા પીવાના પાણીથી, સીસા-આધારિત ચિત્રોથી, ઘરના રાચરચીલાથી, વાળ રંગવાનો કલપ (hair dye), આંખે આંજવાનો સુરમો જેવાં સૌંદર્યપ્રસાધનોથી, સીસાના ઝલેહ(glaze)ના ઉપયોગથી, બાળકોનાં રમકડાં, સીસાથી પ્રદૂષિત જમીનમાં ઉગાડેલાં પાંદડાંવાળાં શાકભાજીથી, વનસ્પતિજન્ય ઉપચારો કે આયુર્વેદિક દવાઓ વગેરેના ઉપયોગથી સીસું શરીરમાં પ્રવેશી શકે છે. જર્જરિત થયેલાં મકાનો કે સીસા-આધારિત ચિત્રોનો નાશ થતાં જે રજકણો બને છે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે.
વ્યાધીકરણ (pathogenesis) : સીસાની વિષાક્તતાની અસર મુખ્યત્વે ત્રણ પ્રકારે થઈ શકે છે :
(1) શ્વાસોચ્છ્વાસ દ્વારા સીસાની વરાળ કે તેના રજકણો ફેફસાંમાં દાખલ થઈ શકે છે; (2) દૂષિત હાથ દ્વારા ખોરાક કે પાણી લેવાથી તે પેટમાં દાખલ થાય છે; (3) ત્વચા દ્વારા પેટમાં પ્રવેશતું સીસું અવશોષણ(absorption)થી લોહીમાં ભળે છે. બાળકોમાં સીસાનું અવશોષણ 50 ટકાથી વધારે થાય છે, જ્યારે પુખ્તવયના લોકોમાં આ પ્રમાણ 15થી 20 ટકા જેટલું હોય છે. લોહીમાં તે રક્તકોષોમાંનાં હીમોગ્લોબિન સાથે જોડાય છે અને તે દ્વારા તે શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. સીસું જૈવિક વિઘટનક્ષમ (biodegradable) નથી અને શરીરમાં તેનો સંગ્રહ થાય છે. શરીરની માંસપેશીઓ, યકૃત, કિડની અને વિશેષ કરીને હાડકામાં તેનો સંગ્રહ થાય છે. 90 % ઉપરાંત જથ્થો હાડકામાં ખનીજતત્ત્વો સાથે સંયોજિત થઈને રહે છે. તે મળ અને પેશાબ દ્વારા શરીરની બહાર નીકળે છે. સીસાની આરોગ્ય પર થતી જોખમી અસરો તેની ઉદ્દીપક (catalyst) સાથેની આંતરપ્રક્રિયાને કારણે થાય છે. આ ઉદ્દીપકો શરીરની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ અને ચયાપચય સાથે ઉત્સેચક(enzyme)ના રૂપે સંકળાયેલા હોય છે. સીસાની વિષાક્તતાની અસર બાળકોમાં સવિશેષ જોવા મળે છે. બાળકોને રમકડાં કે વસ્તુઓ મોઢામાં મૂકવાની, ચાવવાની કે ખાવાની આદતને લીધે સીસું સીધું તેમના શરીરમાં પ્રવેશે છે. વિકાસ કરતા બાળશરીરમાં સીસું જલદીથી સંગૃહીત થાય છે. બાળકોની પેશીઓ પર તેની ઘાતક અસર થાય છે.
લક્ષણો અને ચિહનો : સીસાની વિષાક્તતાની અસરમાં ચોક્કસ લક્ષણો નથી. ઘણાં તંદુરસ્ત બાળકોના શરીરમાં પણ સીસાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. સીસાનું પ્રમાણ ભયજનક સપાટીથી વધે ત્યારે તેનાં લક્ષણો કે ચિહનો જોવા મળે છે. બાળકોમાં ચીડિયાપણું, ભૂખ ન લાગવી, વજનમાં સતત ઘટાડો, પેટમાં દુખાવો થવો કે ચૂંક આવવી, ઊલટી, કબજિયાત, શરીરમાં ફિકાશ આવવી વગેરે લક્ષણો જોવા મળે છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, યાદશક્તિ, ભાષા અને વર્તનની સમસ્યાઓ, નવું શીખવાની ક્ષમતા વગેરે પર તેની માઠી અસર પડે છે. તેની અસર બાળકોનાં બુદ્ધિ-આંક અને શાળાકીય કારકિર્દી પર પડે છે. પુખ્ત વયની વ્યક્તિઓમાં હાથપગમાં ખાલી ચડવી કે ઝણઝણાટી થવી (peripheral neuropathy), લોહીનું ઊંચું દબાણ, પાચનની સમસ્યાઓ, નબળી પ્રજનનક્ષમતા વગેરે જોવા મળે છે. તેની તીવ્રતમ અસરોમાં આંચકી (saizures), બેભાનપણું, ચિત્તભ્રમ કે સનેપાત (delirium) અથવા મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) જોવા મળે છે. લાંબા ગાળે કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર પડે છે. શારીરિક ચિહનોમાં પેઢા પર વાદળી રંગની રેખા પડવી (lead line), પાંડુતા (anaemia) થવી, કાંડા અને પગની ઘૂંટીઓના સ્નાયુઓની અતિશય નબળાઈ આવવી અને તેનો લકવો થવો (wrist drop, foot drop) વગેરેનો સમાવેશ થાય છે.
નિદાન : પ્રયોગશાળામાં સીસાનું લોહીમાં પ્રમાણ તપાસવાથી તેનું સચોટ નિદાન કરી શકાય છે. લોહીમાં સીસાનું પ્રમાણ માઇક્રોગ્રામ/ડેસીલિટરમાં મપાય છે. આમ તો શરીરમાં સીસાનું કોઈ પણ પ્રમાણ જોખમી છે; પરંતુ અમુક મર્યાદાથી વધે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. લોહીમાં સીસાનું પ્રમાણ 10 માઇક્રોગ્રામ/ડેસીલિટરથી વધે તો તે અસુરક્ષિત ગણાય છે. બાળકોના લોહીમાં સીસાનું પ્રમાણ 55 માઇક્રોગ્રામ/ડેસીલિટર અને પુખ્ત વયના લોકોમાં 80 માઇક્રોગ્રામ/ડેસીલિટરથી વધે તો તેને ખાસ પ્રકારની ધાતુગ્રહક અથવા કિલેટક (chelating agent) નામની દવાઓ વડે સારવાર લેવાની જરૂર પડે છે. નિદાનની અન્ય પદ્ધતિઓમાં રક્તકોષો પર જાંબલી રંગનાં ટપકાં (basophilic slipping) છે કે નહિ તે સૂક્ષ્મદર્શકની મદદથી જોવાય છે. વળી લોહીમાં કૉપ્રૉપોરફાયરિન (coproporphyrin) અને ઍમિનોલેવ્યુલિનિક ઍસિડ(ALA)નું પ્રમાણ પણ તપાસવામાં આવે છે. હાડકામાં સીસાનું પ્રમાણ ઍક્સ-રે જન્ય પ્રદીપ્તન(x-ray fluroscence)ની મદદથી જાણી શકાય છે.
સારવાર : સીસાની વિષાક્તતાથી પ્રભાવિત દર્દીને પ્રદૂષિત વાતાવરણથી દૂર કરવો જોઈએ. લોહીમાં સીસાના પ્રમાણ પરથી વિષાક્તતાની તીવ્રતા જાણી શકાય છે. લોહીમાં સીસાનું પ્રમાણ સુરક્ષિત માત્રાથી અંદર હોય તો વિશેષ સારવારની જરૂર પડતી નથી. જો તેનું પ્રમાણ હાનિકારક હોય તો ધાતુગ્રહક દવાઓની જરૂર પડી શકે છે. ધાતુગ્રહક દવાઓ સીસાની સાથે સંયોજાય છે અને તેનો શરીરમાંથી નિકાલ સરળ બને છે. ઇથિલીનડાય ઍમિનોટેટ્રાએસિટિક ઍસિડ (EDTA) અને ડાઇમર્કેપ્રૉલ (dimercaprol) નામની ધાતુગ્રહક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. આ દવાઓથી લોહીમાં સીસાના હાનિકારક પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે.
પૂર્વનિવારણના ઉપાયો : સીસાની વિષાક્તતાનું પૂર્વનિવારણ જ તેનો ખરો ઉપાય છે. સીસાની વિષાક્તતા અટકાવવા માટે આ પગલાંઓ લઈ શકાય : (1) સીસાની અવેજીમાં તેનાથી ઓછા હાનિકારક પદાર્થો વાપરવા; (2) સીસાના રજકણો કે વરાળ ઉત્પન્ન કરતી બધી પ્રક્રિયાઓ અલગ અને બંધ વાતાવરણમાં કરવી; (3) ઘરની યોગ્ય સારસંભાળ લેવી; (4) હવામાં સીસાનું પ્રમાણ 0.15 મિલિગ્રામ/ઘનક્ષેત્ર રાખવું; (5) ઔદ્યોગિક કામદારોની ચોક્કસ સમયાંતરે તબીબી તપાસ કરવી; (6) ખોરાક કે પાણી લેતાં પહેલાં હાથ સાફ કરવા; (7) આરોગ્યલક્ષી શિક્ષણ આપવું, જેમાં કામદારોને તેનાં જોખમો અને વ્યક્તિગત સુરક્ષા-ઉપાયોની જાણકારી પૂરી પાડવામાં આવે.
કાયદાકીય જોગવાઈઓ : સીસાની વિષાક્તતા અંગેની કેટલીક કાયદાકીય જોગવાઈઓ છે. અમેરિકામાં સંઘરાજ્ય સ્તરે (federal level) સીસા-આધારિત આરોગ્ય પર થતી હાનિકારક અસરો અટકાવવાનો કાયદો છે. ત્યાંનાં અમુક રાજ્યોમાં 6 મહિનાથી 5 વર્ષનાં બાળકોના લોહીમાં સીસાનું પ્રમાણ તપાસવું ફરજિયાત છે. અમેરિકામાં કામદાર સુરક્ષા અને આરોગ્યપંચ દ્વારા કામદારોની નિયમિત તબીબી તપાસ અને સુરક્ષા વગેરેનાં પગલાં લેવાય છે. ભારતમાં પણ કારખાના ધારા, 1948 પ્રમાણે સીસાની વિષાક્તતાની સત્તાવાર જાહેરાત કે નોંધણી (notification) કરવી ફરજિયાત છે અને તેના દ્વારા થતું નુકસાનનું વળતર (compensation) ભરપાઈ કરી આપવાની પણ જોગવાઈ છે.
સોનિયા કે. પરીખ