સીરિયા : ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો અરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 32° 30´થી 37° 30´ ઉ. અ. અને 36°થી 42° 30´ પૂ. રે. વચ્ચેનો 1,85,180 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 829 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 748 કિમી. છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે.
સીરિયાની ભૂમિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ઘણી પ્રાચીન ગણાય છે. એમ કહેવાય છે કે મૂળાક્ષરોનો વિકાસ સર્વપ્રથમ સીરિયામાં થયેલો. સીરિયન કલાકારો અને વિદ્વાનોએ ગ્રીસ અને રોમની પ્રાચીન સંસ્કૃતિ પર ઘણી મોટી અસર કરેલી. આફ્રિકા, એશિયા અને યુરોપને જોડતા મુખ્ય વેપારી માર્ગોને ત્રિભેટે આ દેશ આવેલો છે. ઈશુ ખ્રિસ્તના સમયથી અગાઉના 4000 વર્ષના ગાળામાં એશિયા અને ભૂમધ્ય સમુદ્રનાં બંદરો વચ્ચે ઊંટોની વણજારો મારફતે વેપારી માલની હેરફેર થતી રહેતી. આ કારણે અહીંનાં દમાસ્કસ અને ઍલેપ્પો જેવાં નગરો વિકસ્યાં હતાં, એટલું જ નહિ, ઈ. પૂ. 2000 જેટલા જૂના વખતમાં પણ આ સ્થળો દુનિયાભરના વેપારનાં મથકો બની રહેલાં.
સીરિયા
દેશનો પૂર્વભાગ સીરિયાના રણથી બનેલો છે. બાકીના પ્રદેશમાં અસમતળ મેદાનો, ફળદ્રૂપ નદી-ખીણો અને ઉજ્જડ ભૂમિ આવેલાં છે. આ દેશ ‘ફળદ્રૂપ અર્ધચંદ્રાકાર-ફર્ટાઇલ ક્રેસન્ટ’ નામથી ઓળખાતા સમૃદ્ધ ખેતપ્રદેશના પશ્ચિમ છેડે આવેલો છે. અહીંના લોકો ખેતીનો વ્યવસાય પણ કરે છે. ફળદ્રૂપ મેદાનોમાં મુખ્યત્વે ઘઉં અને કપાસની ખેતી થાય છે.
દમાસ્કસ – સીરિયાનું પાટનગર
ભૂપૃષ્ઠ અને આબોહવા : પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ સીરિયાને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચેલું છે :
(1) કિનારાનો પ્રદેશ : ભૂમધ્ય સમુદ્રકિનારા પર વિસ્તરેલી તુર્કીથી લેબેનૉન સુધીની સાંકડી ભૂમિપટ્ટી પર દરિયાના ભેજવાળા પવનો વાય છે તેથી અહીંની આબોહવા ભેજવાળી રહે છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 9° સે. અને 27° સે. જેટલાં રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 1000 મિમી. જેટલો પડે છે. દેશની મોટાભાગની ખેતી અહીં જ થાય છે, વરસાદની અનુકૂળતાને કારણે આ પટ્ટીમાં સિંચાઈની જરૂર પડતી નથી.
(2) પહાડી પ્રદેશ : કિનારાથી પૂર્વ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી જબલ અન નુસેરિયાહ નામની ગિરિમાળા આવેલી છે. લેબેનૉન સાથેની સીમા પર ઍન્ટિલેબેનૉન માઉન્ટન અને તેની અગ્નિદિશામાં જબલ અદ દુરુઝ પર્વતો આવેલા છે. દેશની મોટાભાગની વસ્તી આ ગિરિમાળાના પશ્ચિમ ઢોળાવો પર જોવા મળે છે. દેશનું સર્વોચ્ચ શિખર હર્મોન (ઊંચાઈ : 2,814 મીટર) અહીં આવેલું છે.
(3) નદીખીણો અને મેદાનો : આ વિભાગ ફળદ્રૂપ નદીખીણો, ઘાસનાં મેદાનો અને રેતાળ રણથી બનેલો છે. પર્વતોની પૂર્વ ધાર પર ઓરોન્ટીસ નદી અને પહાડી ઝરણાં મેદાનોને પાણી પૂરું પાડે છે. દેશનાં સમૃદ્ધ-ઉપજાઉ ખેતરો આ વિભાગમાં આવેલાં છે. આ કારણે સીરિયાની મોટાભાગની વસ્તી અહીં જોવા મળે છે. યુફ્રેટીસ અને તેની સહાયક નદીઓનાં પાણીથી દેશનો ઈશાની કૃષિ-વિસ્તાર વિકસ્યો છે. આ જ વિભાગનો બાકીનો પ્રદેશ રણ અને સૂકા ઘાસથી છવાયેલો છે. અહીં બેદૂઇન લોકો તેમનાં પશુઓને લઈ વિચરતા રહે છે. અહીં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 5° સે. અને 31° સે. જેટલાં રહે છે.
અર્થતંત્ર : સીરિયાની ગણના વિકાસશીલ દેશમાં થાય છે. આર્થિક વિકાસ માટે અહીં ઊજળી તકો છે. દેશના અર્થતંત્ર પર સરકારનો કાબૂ છે; તેમ છતાં મોટાભાગનાં ખેતરો, નાના ધંધા અને નાના ઉદ્યોગો ખાનગી માલિકીને હસ્તક છે.
(i) કુદરતી સંપત્તિ : ખનિજતેલ અને કૃષિભૂમિ આ દેશની કુદરતી સંપત્તિ ગણાય છે. યુફ્રેટીસ અને ઓરોન્ટીસ નદીઓ ખેતરોને પાણી પૂરું પાડે છે. યુફ્રેટીસ નદી પર આવેલા વિશાળ તબકા બંધ ખાતે જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
(ii) સેવાઉદ્યોગો : દેશના અર્થતંત્રમાં 60 % હિસ્સો સેવા-ઉદ્યોગોનો છે અને દેશના 40 % લોકો તેમાં રોકાયેલા છે. જથ્થાબંધ અને છૂટક વેપારની પ્રવૃત્તિ પણ સેવાઉદ્યોગ હેઠળ જ આવે છે. ઍલેપ્પો, દમાસ્કસ અને લેતકિયા મુખ્ય વેપારી મથકો છે. દેશનું મોટાભાગનું નાણું લશ્કરી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાય છે. નાણાકીય બાબતો, શિક્ષણ, સ્વાસ્થ્ય-સંભાળ અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ પણ સેવાઉદ્યોગમાં ગણાય છે.
(iii) ખેતી : કપાસ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે, તેમ છતાં ખેડૂતો જવ, શર્કરાકંદ, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ અને ટમેટાં જેવાં ફળોશાકભાજીનું પણ વાવેતર કરે છે. અહીંના બેદૂઇન લોકો તેમનાં ઢોર, ઘેટાં-બકરાં લઈ વિચરતા ફરે છે. મોટાભાગના ખેડૂતો તેમની જમીનના નાના ટુકડા પર પરંપરાગત ચાલ્યાં આવતાં જૂનાં ઓજારોથી ખેતી કરે છે, જોકે નવાં સાધનો હવે ઉપયોગમાં લેવાતાં થયાં છે; વળી વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે તેથી ખેતી માટે સિંચાઈ મહત્વનો ભાગ ભજવે છે.
તબકા બંધ
(iv) ખાણો : સીરિયાના અર્થતંત્રમાં 7 % જેટલો ફાળો ખાણકાર્યમાંથી મળી રહે છે. દેશના ઈશાન ભાગમાંથી ખનિજતેલ અને મધ્યના પાલ્મીરામાંથી ફૉસ્ફેટ-ખડકો મળે છે; જ્યારે અન્ય ભાગોમાંથી ચિરોડી, ચૂનાખડક અને કુદરતી વાયુ મળી રહે છે. અહીં ખનિજતેલની શોધ 1956માં થયેલી, તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન 1968માં શરૂ થયું હતું.
(v) અન્ય ઉત્પાદનક્ષેત્ર : દેશનો કાપડ-ઉદ્યોગ દેશને આશરે 6 % જેટલું ઉત્પાદનમૂલ્ય આપે છે. અહીં પીણાં, સિમેન્ટ, ખાતરો, કાચ, પ્રક્રમિત ખાદ્યપેદાશો, ખાંડ વગેરેનું ઉત્પાદન પણ લેવાય છે. અહીં તેલ-રિફાઇનરી પણ આવેલી છે. દમાસ્કસ, ઍલેપ્પો, હોમ્સ અને લેતકિયા મહત્વનાં ઔદ્યોગિક મથકો છે.
(vi) વિદેશી વેપાર : દેશની મુખ્ય નિકાસી ચીજોમાં ખનિજતેલ, રૂ, ઊની કાપડ અને કેટલીક કાપડની પેદાશોનો તથા ગૌણ નિકાસી ચીજોમાં ફૉસ્ફેટ, તમાકુનો સમાવેશ થાય છે; એ જ રીતે આયાતી ચીજોમાં ઇંધન, અનાજ, યંત્રસામગ્રી, ધાતુઓ, ધાતુપેદાશો અને મોટરગાડીઓનો સમાવેશ થાય છે. સીરિયાનો મોટાભાગનો વેપાર ફ્રાન્સ, જર્મની, ગ્રેટબ્રિટન, ઇટાલી, રશિયા, યુ.એસ., લેબેનૉન તથા પડોશી દેશો સાથે થાય છે.
(vii) પરિવહન–સંદેશાવ્યવહાર : અહીંના મોટાભાગના લોકો પાસે મોટરો હોતી નથી. લોકો બસ મારફતે મુસાફરી કરે છે. દમાસ્કસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશનો ઘણોખરો વિદેશી વેપાર ભૂમધ્ય સમુદ્રકિનારે આવેલા લેતકિયા બંદરેથી થાય છે. અહીંના 20 % લોકો રેડિયો અને 6 % લોકો ટીવી ધરાવે છે. દેશમાંથી મુખ્ય દસ જેટલાં દૈનિક-પત્રો બહાર પડે છે.
વસ્તી-લોકો : 2000 મુજબ સીરિયાની કુલ વસ્તી 1,77,59,000 જેટલી છે. વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી. દીઠ 70 વ્યક્તિનું છે. અહીં જુદા જુદા ધર્મોની લઘુમતી કોમો વસતી હોવા છતાં મોટાભાગના લોકો અરબી મુસ્લિમો છે. શહેરી વસ્તી 52 % અને ગ્રામીણ વસ્તી 48 % છે. કુલ વસ્તીના લગભગ 25 % લોકો ખેતીના વ્યવસાયમાં છે. અહીં જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે તેમ તેમ ગ્રામીણ લોકો નોકરીઓ શોધવા શહેરો તરફ સ્થળાંતર કરતા જાય છે.
દમાસ્કસ સીરિયાનું પાટનગર છે. તેની વસ્તી આશરે 10 લાખ જેટલી છે, આ ઉપરાંત 1.5 લાખથી વધુ વસ્તી ધરાવતાં બીજાં ચાર શહેરો – ઍલેપ્પો, હોમ્સ, લેતકિયા અને હામા પણ છે. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે તથા દેશની સત્તાવાર ભાષા પણ અરબી છે, 90 % લોકો અરબી ભાષા બોલે છે. દેશમાં વસતા મોટાભાગના લોકો જૂના વખતમાં અહીં આવીને વસેલી સેમાઇટ જાતિમાંથી ઊતરી આવેલા છે. અરબી લોકો ઉપરાંત અહીં આર્મેનિયન અને કુર્દ લોકો પણ વસે છે. તેમના પૂર્વજો ઉત્તરમાંથી અહીં આવીને વસેલા છે. તેઓ હજી આર્મેનિયન અને કુર્દિશ ભાષાનો ઉપયોગ કરે છે.
રહેણીકરણી : ગ્રામીણ વિસ્તારમાં રહેતા 48 % લોકો પૈકી બેદૂઇન લોકો પણ છે, જે પોતાનાં પશુઓને લઈ વિચરતું જીવન ગાળે છે. સીરિયાનાં શહેરો પૈકી કેટલાંક તો દુનિયાનાં અત્યંત પ્રાચીન સ્થળો હોવાનું ગણાય છે. તેમની શેરીઓ સાંકડી, વાંકીચૂકી હોય છે અને બજારો પણ જૂની ઢબનાં હોય છે; પરંતુ શહેરોમાં હવે પાશ્ર્ચાત્ય શૈલી વિકસતી જાય છે. તેઓ આધુનિક આવાસોમાં રહેતા થયા છે. વળી તેઓ પાશ્ર્ચાત્ય પોશાક પણ પહેરે છે. તેઓ ઉદ્યોગોમાં તેમજ સરકારી નોકરીઓમાં કામ પણ કરે છે. ગ્રામીણ લોકો વર્ષો પૂર્વે હતા એવા જ પરંપરાગત પથ્થરોના કે સૂકવેલી માટીની ઈંટોવાળા આવાસોમાં રહે છે, તેમનાં બજારો નાનાં હોય છે. બેદૂઇનો તંબુઓમાં રહે છે. રણની ઊડતી રેતી અને ગરમીને કારણે તેઓ ખૂલતા ઝભ્ભા પહેરે છે, માથા પર કપડું વીંટે છે. બ્રેડ, પનીર, તાજાં ફળો અને શાકભાજી તેમનો મુખ્ય ખોરાક છે. ખાસ પ્રસંગોએ ગાડરાં(lamb)ના માંસની વાનગીઓ બનાવે છે. તેઓ કડક કૉફી પીવાના આગ્રહી છે. દૂધ, ચા, બિયર અને ખજૂરનો દારૂ તેમનાં માનીતાં પીણાં છે. મોટાભાગના સીરિયનો સંયુક્ત કુટુંબની ભાવનાવાળા છે. સ્ત્રીઓને હજી પૂરી સ્વતંત્રતા મળી નથી, તેમ છતાં તેમાં હવે ફેરફારો થતા જાય છે.
સીરિયાની ગ્રામીણ વસાહત
ધર્મ : 90 % સીરિયનો અરબી સુન્ની મુસ્લિમો છે. બાકી ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ છે.
શિક્ષણ : દેશમાં 6થી 11 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત બનાવાયેલું હોવા છતાં ઘણાં બાળકો શાળામાં પૂરતા ઓરડા અને શિક્ષકો ન હોવાથી હાજરી આપતાં નથી. પુખ્ત ઉંમરના લોકો પૈકી આશરે 50 % લોકો લખી-વાંચી શકતા નથી. ઍલેપ્પો, દમાસ્કસ, હોમ્સ અને લેતકિયામાં યુનિવર્સિટી શિક્ષણની સગવડ છે.
કલા-સાહિત્ય : અહીં હજારો વર્ષથી કલાપરંપરા ચાલી આવે છે. કાચકલા, ધાતુકલા, કાપડ-કલાના હુન્નરઉદ્યોગમાં લોકો પાવરધા છે. સીરિયા અને પૅલેસ્ટાઇનમાં રહેતા સેમાઇટ લોકોએ ઈ. પૂ. આશરે 1500માં મૂળાક્ષરો વિકસાવેલા. કહેવાય છે કે સ્થાપત્ય, જહાજી બાંધકામ અને લોખંડ પરનું કામ પણ સીરિયામાંથી શરૂ થયેલું છે. સાહિત્યક્ષેત્રે પણ સીરિયાનો ફાળો ઘણો અગત્યનો છે. દસમી સદીમાં થયેલા અલ-મુતાનબ્બી અને અગિયારમી સદીમાં થયેલા અલ-મારી જેવા કવિઓ સીરિયાના હતા. દસમી સદી દરમિયાન થઈ ગયેલા દાર્શનિક અલ-ફરાબી પણ સીરિયાના જ હતા. આ ઉપરાંત વીસમી સદીના જાણીતા લેખકોમાં ઓમર અબુ રીશ, અહમદ અર્નોત શફીક જાબરી, નિઝાર કબ્બાની અને અલી અહમદ સઈદનો સમાવેશ થાય છે.
સરકાર : સીરિયા પ્રજાસત્તાક દેશ છે. 1973માં તેનું બંધારણ સ્વીકારાયું છે. અહીં લોકો 18 વર્ષની વયે મતાધિકાર મેળવે છે. પ્રમુખ દેશના વડા ગણાય છે. બંધારણની રૂએ તેમને ઘણી સત્તાઓ હોય છે. દેશના લોકો સાત વર્ષના સત્ર માટે પ્રમુખને ચૂંટી કાઢે છે. રાજકીય પક્ષો પર પ્રમુખનો કાબૂ હોય છે. પક્ષની સત્તાનો મુખ્ય આધાર રાષ્ટ્રીય લશ્કરી દળો પર રહેલો હોય છે. અહીંનો મુખ્ય રાજકીય પક્ષ બાથ પક્ષ છે, આ ઉપરાંત કાયદેસરના બીજા પણ ચાર પક્ષો છે. અહીં નૅશનલ પ્રોગ્રેસિવ ફ્રન્ટ નામની સમાજવાદી સંસ્થા છે, જે આ બધા પક્ષોથી બનેલી છે.
સીરિયા 13 પ્રાંતોમાં તથા દમાસ્કસ શહેરના એક અલગ એકમમાં વહેંચાયેલું છે. રાષ્ટ્રીય સરકાર પ્રાંતના ગવર્નરની તેમજ બીજા સ્થાનિક અધિકારીઓની નિમણૂક કરે છે. દરેક પ્રાંતને ચૂંટાયેલા અને નિયુક્ત કરેલા સભ્યોની બનેલી તેની લોક-કાઉન્સિલ પણ હોય છે.
અદાલતો : સીરિયામાં સિવિલ, વાણિજ્ય અને ફોજદારી અદાલતો છે, આ ઉપરાંત અહીં જુદી જુદી કોમો માટેની જુદી ધાર્મિક અદાલતો પણ છે. લગ્ન, છૂટાછેડા અને વારસાઈની અદાલતો પણ છે.
લશ્કરી દળો : દેશનાં લશ્કરી દળોમાં આશરે 4 લાખ લોકો સેવા આપે છે. અહીંની પ્રત્યેક યોગ્ય પુરુષ વ્યક્તિને ઓછામાં ઓછી 30 મહિનાની લશ્કરી સેવા બજાવવી પડે છે. સ્ત્રીઓ મરજિયાતપણે લશ્કરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી શકે છે.
ઇતિહાસ : ઈ. પૂ. 4500 અગાઉ ઉત્તર સીરિયામાં લોકો રહેતા હતા. ઈ. પૂ. 3500ના અરસામાં સેમાઇટ જાતિના લોકો સીરિયામાં જઈને વસ્યા. તેઓએ ત્યાં સ્વતંત્ર નગરરાજ્યો સ્થાપ્યાં. ઈ. પૂ. 2700થી 2200 દરમિયાન ઉત્તર સીરિયામાં એબલા નામનું નગરરાજ્ય વિકાસ પામ્યું. એબલા એક શક્તિશાળી રાજ્ય હતું. ત્યાં સંસ્કૃતિનો વિકાસ થયો હતો.
ઈ. પૂ. 539 સુધી વિવિધ સેમિટિક જૂથો જુદા જુદા પ્રદેશોમાં રાજ્ય કરતાં હતાં. ઈ. પૂ. 2300 દરમિયાન એકેડિયનોએ ઉત્તર અને પૂર્વ સીરિયાનો ઘણો પ્રદેશ જીતી લીધો હતો. ફિનિશિયનો ભૂમધ્ય સમુદ્રના કાંઠાના પ્રદેશમાં વસ્યા હતા. ઈ. પૂ. 2000ના અરસામાં કેનેનાઇટ લોકો નૈર્ઋત્ય(દક્ષિણપશ્ચિમ)માં વસ્યા હતા. ફિનિશિયન નાવિકોએ ભૂમધ્ય સમુદ્રના જુદા જુદા દેશોમાં સીરિયાની સંસ્કૃતિ ફેલાવી હતી. ઈ. પૂ. 732માં એસિરિયનોએ ઘણુંખરું સીરિયા જીતી લીધું. ઈ. પૂ. 612માં બૅબિલોનિયનોએ તેના ઉપર સત્તા સ્થાપી, ત્યાં સુધી એસિરિયનોએ ત્યાં શાસન કર્યું. ઈ. પૂ. 539માં સીરિયા ઈરાની સામ્રાજ્યનો એક ભાગ બન્યું. ઈ. પૂ. 64માં રોમનોએ સીરિયા કબજે કર્યું. તે પછી સીરિયા 700 વર્ષ સુધી રોમન સામ્રાજ્ય, પૂર્વીય રોમન સામ્રાજ્ય અને આખરે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય હેઠળ રહ્યું હતું. આ દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ઉદભવ થયો અને ગ્રેટર સીરિયાના એક પ્રદેશ પૅલેસ્ટાઇનમાં ફેલાયો. ઈ. સ.ની 4થી સદીમાં તે સીરિયાનો રાજ્યધર્મ બન્યો.
ઈ. સ. 636માં આરબ મુસ્લિમોએ સીરિયા પર ચડાઈ કરીને બાયઝેન્ટાઇન સૈન્યોને હાંકી કાઢ્યાં. ધીમે ધીમે ત્યાં ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો અને અરબી ભાષા લોકો બોલવા લાગ્યા. ઈ. સ. 661થી દમાસ્કસમાં પાટનગર રાખીને ઉમય્યા વંશ દ્વારા વિશાળ મુસ્લિમ સામ્રાજ્ય પર શાસન થવા લાગ્યું. ઈ. સ. 750માં ઉમય્યા વંશના શાસકને ઉથલાવીને અબ્બાસી વંશે સામ્રાજ્ય કબજે કર્યું અને બગદાદમાં પાટનગર રાખ્યું.
11મી સદીમાં યુરોપમાંથી ખ્રિસ્તીઓએ સીરિયા પર હુમલા કર્યા. તેઓ મુસ્લિમો પાસેથી તેમની પવિત્ર ભૂમિ પૅલેસ્ટાઇન પાછું મેળવવા માગતા હતા. ઇજિપ્તનો શાસક સલાદિન 12મી સદીમાં સીરિયાના મોટાભાગના પ્રદેશનો શાસક બન્યો હતો. ઇજિપ્તના મામલુક વંશના શાસકો ઈ. સ. 1260થી 1516 સુધી સીરિયા પર શાસન કરતા હતા. ઈ. સ. 1516માં ઑટોમન તુર્કોએ સીરિયા જીતીને તેમના વિશાળ સામ્રાજ્યનો એક ભાગ બનાવ્યો. ઑટોમન શાસન લગભગ 400 વર્ષ ચાલ્યું. યુરોપિયન સંશોધકોએ ભારતનો દરિયાઈ માર્ગ શોધ્યો, તે પછી વેપારના કેન્દ્ર તરીકે સીરિયાનું મહત્વ ઘટી ગયું. ત્યારબાદ ઑટોમન સામ્રાજ્યની સત્તા નબળી પડી.
પાલ્મીરાનાં ખંડિયેર
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-’18) દરમિયાન સીરિયનો તથા બીજા આરબોએ તુર્કો સામે બળવો કર્યો અને ઑટોમન સામ્રાજ્ય સામે લડવામાં બ્રિટનને મદદ કરી. વિશ્વયુદ્ધના અંત પછી, લીગ ઑવ્ નૅશન્સે ગ્રેટર સીરિયાનું સીરિયા, લૅબેનોન, પૅલેસ્ટાઇન અને ટ્રાન્સ જૉર્ડન – એ ચાર રાજ્યોમાં વિભાજન કર્યું અને સીરિયાની રાજકીય બાબતોની વ્યવસ્થા કરવા ફ્રાન્સને (મેન્ડેટ) – વાલીપણું આપ્યું. મોટાભાગના સીરિયનોએ ફ્રાન્સનો અંકુશ, ફ્રેન્ચ લશ્કરની હાજરી અને તેમના પ્રદેશના વિભાજનનો વિરોધ કર્યો. ફ્રેન્ચોએ સીરિયાના આર્થિક વિકાસને ઉત્તેજન આપ્યું અને ઘણા સુધારા કર્યા; પરંતુ સીરિયનોએ સ્વતંત્રતાની માગણી ચાલુ રાખી.
ફ્રાન્સે 1946માં તેનું લશ્કર પાછું ખેંચી લીધું અને સીરિયાને સ્વતંત્રતા મળી. તે પછી ઘણા સીરિયનો ગ્રેટર સીરિયાને પુન: સંયુક્ત કરવા માગતા હતા. તેમ છતાં, 1947માં યુનાઇટેડ નૅશન્સે પૅલેસ્ટાઇનનું યહૂદી રાજ્ય ઇઝરાયલ અને આરબ રાજ્યમાં વિભાજન કર્યું. 1948માં ઇઝરાયલ સ્વતંત્ર થયું. સીરિયન અને બીજાં આરબ સૈન્યોએ પછી ઇઝરાયલ પર હુમલો કર્યો, પરંતુ યુનાઇટેડ નૅશન્સે લડાઈ બંધ કરાવી. આશરે સાત લાખ પૅલેસ્ટાઇનના આરબો નવા યહૂદી રાજ્યમાંથી નાસી જઈને આરબ દેશોમાં નિરાશ્રિતો પણ બન્યા. ઈ. સ. 1949માં લશ્કરના અધિકારીઓએ સરકારને ઉથલાવી. પછીનાં 20 વર્ષમાં થયેલા લશ્કરી બળવાને કારણે સરકારો બદલાતી રહી.
આરબોની એકતા સ્થાપવાના પ્રયાસરૂપે સીરિયા, 1958માં ઇજિપ્ત સાથે યુનાઇટેડ આરબ રીપબ્લિકમાં જોડાયું; પરંતુ ઇજિપ્તે સંપૂર્ણ અંકુશ લઈ લેવાની ધમકી આપવાથી સીરિયાએ 1961માં યુનાઇટેડ આરબ રીપબ્લિકનો ત્યાગ કર્યો. સિત્તેરના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં સીરિયાની બાથ પાર્ટી સત્તા પર આવી. સરકારે સીરિયામાં મોટાભાગના ઉદ્યોગો અને બધો આંતરરાષ્ટ્રીય વેપાર હસ્તગત કર્યો. ઈ. સ. 1971માં બાથ પાર્ટીનો નેતા અને હવાઈ દળનો સેનાપતિ હાફેઝ અલઆસડ સીરિયાનો પ્રમુખ બન્યો. આસડ ઇસ્લામના અલાવાઇટ સંપ્રદાયનો સભ્ય હતો. સીરિયા અને ઇઝરાયલી સૈન્યો વચ્ચે સિત્તેરના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં સરહદ પરની અથડામણો વારંવાર થતી રહી. 5 જૂન, 1967ના રોજ ઇઝરાયલ અને સીરિયા, જૉર્ડન અને ઇજિપ્ત – એ આરબ રાજ્યો વચ્ચે લડાઈ થઈ. છ દિવસની લડાઈમાં ઇઝરાયલે ઘણો આરબ પ્રદેશ કબજે કરીને જીત મેળવી. ઇઝરાયલે કબજે કરેલા પ્રદેશોમાંથી હજારો આરબો પાસેના આરબ દેશોમાં નાસી ગયા. ગોલન હાઇટ્સમાં સીરિયા અને ઇઝરાયલ વચ્ચે વખતોવખત લડાઈ ચાલુ રહી હતી. મે, 1974 સુધી સીરિયા અને ઇઝરાયલી સૈન્યો વચ્ચે લડાઈ ચાલુ રહી. સીરિયા મધ્યપૂર્વના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. 1976માં લૅબેનોનની સરકારની મંજૂરીથી, ત્યાં આંતરવિગ્રહ બંધ કરાવવા વાસ્તે સીરિયાએ તેનાં સૈન્યો મોકલ્યાં હતાં. 1981માં ઇઝરાયલે ગોલન હાઇટ્સમાં પોતાની કાનૂની અને રાજકીય સત્તા હોવાનો દાવો કર્યો. સીરિયાએ આ પગલાને વખોડી કાઢ્યું. લૅબેનોનમાં લડાઈ બંધ થઈ હોવા છતાં 1991માં સીરિયાનું સૈન્ય ત્યાં હતું. જાન્યુઆરી, 1991માં ઇરાક સામે સીરિયા અને તેના સાથીઓએ લડાઈ કરીને ફેબ્રુઆરીમાં ઇરાકને હરાવ્યું. તેમાં સીરિયાના 20,000ના લશ્કરે ભાગ લીધો હતો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ