સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત

January, 2008

સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત : જમીન, શ્રમ, મૂડી અને નિયોજકને તેમના દરેકના ઉત્પાદનકાર્ય બદલ કેટલું વળતર મળી શકે છે, એટલે કે તેમની કિંમતો કેવી રીતે નિર્ધારિત થાય છે તે સમજાવતો સિદ્ધાંત. તે વહેંચણીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. બેનહાનના શબ્દો ટાંકીએ તો પૂર્ણ સ્પર્ધા અને પૂર્ણ રોજગારીની સ્થિતિમાં ઉત્પાદનનાં વિવિધ સાધનોની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે આ સિદ્ધાંત સમજાવે છે. આ સિદ્ધાંત મુજબ અર્થતંત્રમાં ઉત્પાદનના દરેક સાધનને ચૂકવાતું વળતર તેની સીમાન્ત ઉત્પાદકતા બરોબર થવાનું સર્વસામાન્ય વલણ હોવાથી દરેક સાધન તેની સીમાન્ત ઉત્પાદકતા જેટલું જ વળતર પ્રાપ્ત કરશે. દરેક સાધનની સીમાન્ત ઉત્પાદકતા તે સાધનની માંગ નિર્ધારિત કરશે. વાલરા, વિકસીડ, જૉન રૉબિન્સન, ક્લાર્ક, કાલેકી અને નિકોલસ કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓએ આ નવપ્રશિષ્ટ સિદ્ધાંત વિકસાવ્યો છે.

અર્થશાસ્ત્રના અન્ય સિદ્ધાંતોની જેમ વહેંચણીનો આ સિદ્ધાંત પણ કેટલીક ધારણાઓની યથાર્થતા પર અવલંબે છે : (1) ઉત્પાદકોનું વર્તન તર્કબદ્ધ હોય છે, એટલું કે તે લઘુતમ ખર્ચે ઉત્પાદન કરી મહત્તમ નફો મેળવવાના ધ્યેયને વરેલા હોય છે. (2) ઉત્પાદનના દરેક સાધનના એકમો સમાનગુણી હોય છે. (3) ઉત્પાદનનું દરેક સાધન અવેજીકરણને અધીન હોય છે. (4) ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા દરેક સાધનના એકમોના કદમાં વધઘટ કરી શકાય છે. (5) ઉત્પાદનનાં સાધનો તેમના ઉપયોગના ક્ષેત્રના સંદર્ભમાં સંપૂર્ણ ગતિશીલ હોય છે. (6) ઉત્પાદનની પ્રક્રિયામાં ઘટતા મળતરના નિયમનો પ્રાદુર્ભાવ હોય છે. (7) અર્થતંત્રમાં અને ઉત્પાદનક્ષેત્રમાં સંપૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે અને (8) અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સપાટીએ કાર્યરત હોય છે.

સીમાન્ત ઉત્પાદકતા એટલે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન અન્ય સાધનોને સ્થિર રાખીને કોઈ એક સાધનના એક એકમનો વધારો કરવાથી પેઢીના કુલ ઉત્પાદનમાં નોંધાતો વધારો સાધનની સીમાંત ભૌતિક ઉત્પાદકતા ગણાશે જ્યારે વધારાના તે ઉત્પાદનના કદને તેની બજારકિંમત વડે ગુણાકાર કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થશે તે તે સાધનની સીમાંત આવક-ઉત્પાદકતા ગણાશે. નીચેના કોષ્ટકમાં તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે :

અસ્થિર સાધન શ્રમના એકમો (ક્રમશ:) કાપડનું સીમાંત ઉત્પાદન (મીટરમાં) કાપડની મીટર દીઠ બજાર કિંમત (રૂ.) સીમાંત ઉત્પાદકતા (રૂપિયામાં)
4 10 50 500
5 8 50 400
6 6 50 300
7 4 50 200
8 3 50 150

ઉપરના કોષ્ટક પરથી સ્પષ્ટ થશે કે ઉત્પાદનના સાધનના સીમાંત ઉત્પાદનમાં ક્રમશ: ઘટાડો નોંધાય છે, જેનું કારણ ઘટતી પેદાશનો નિયમ અમલમાં હોય છે તે છે. બીજું કે નિયોજક પોતાની ઉત્પાદન પેઢીમાં શ્રમિકોને રોકે છે ત્યારે તેની સીમાંત ઉત્પાદકતા તથા તેનો વેતનદર ધ્યાનમાં લે છે. જે બિંદુએ શ્રમની સીમાંત ઉત્પાદકતા અને વેતનદર સરખા થશે ત્યાં પેઢીનો નફો મહત્તમ થશે.

આ સિદ્ધાંતને આધારે આ નિષ્કર્ષો ફલિત થાય છે : (1) સાધનને ચૂકવવામાં આવતું વેતન અને તે સાધનની સીમાંત ઉત્પાદકતા – બંને સરખા કરવાનો પ્રયાસ નિયોજક કરે છે. (2) સીમાંત ઉત્પાદકતા કરતા સાધનને ચૂકવાતું વળતર વધારે હોઈ શકે નહિ. (3) બધી જ પેઢીઓમાં વેતનદર સરખા થશે. (4) સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેને મળતું વળતર (વેતન) જે બિંદુએ સરખા થશે તે બિંદુએ શ્રમની સીમાંત ઉત્પાદકતા તથા તેને ચૂકવાતું વેતન – આ બંને વચ્ચેનું પ્રમાણ પણ સરખું રહેશે. (5) નિયોજકનો પ્રયાસ ઇષ્ટતમ સંયોજન હાંસલ કરવાનો રહેશે, જેમાં ઉત્પાદનખર્ચ ઓછામાં ઓછું આવે.

નીચેની આકૃતિમાં આ વલણો સ્પષ્ટ કરવામાં આવ્યાં છે :

સીમાન્ત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવતી આકૃતિ

(પેઢીની સમતુલાનું સ્વરૂપ)

ઉદ્યોગની સમતુલા : સાધનની સીમાન્ત ઉત્પાદકતા = સાધનનું સીમાંત ખર્ચ = સાધનનું સરેરાશ ખર્ચ = સાધનની સરેરાશ ઉત્પાદકતા (MP = MC = AC = AP)

ઉપર્યુક્ત સિદ્ધાંત અવાસ્તવિક ધારણાઓ પર આધારિત છે એવી સર્વસામાન્ય ટીકા કરવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે