સીમા-સ્તરભંગ (boundary fault)
January, 2008
સીમા–સ્તરભંગ (boundary fault) : ભૂસંચલનજન્ય ગેડપર્વતમાળાઓમાં રચનાત્મક સીમાઓ દર્શાવતો સ્તરભંગ. આ પ્રકારના સ્તરભંગો ઘણા કિલોમિટરની લંબાઈમાં વિસ્તરેલા હોય છે. અરવલ્લી, હિમાલય અને આલ્પ્સ જેવાં પર્વતસંકુલોમાં તે જોવા મળે છે અને ભૂસંચલનજન્ય ધસારા (thrust) સપાટી સહિત રચનાત્મક પ્રકારની સીમાઓ રચે છે.
સિંધુથી બ્રહ્મપુત્ર સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર આવેલી શિવાલિક ટેકરીઓનું બંધારણ ઊર્ધ્વ ટર્શ્યરી કાળના ખડકસ્તરોથી બનેલું છે. ટર્શ્યરી ખડકોથી બનેલી આ રચના શિવાલિક રચના તરીકે ઓળખાય છે. હિમાલયના ઊર્ધ્વગમનના છેલ્લા તબક્કામાં તે સામેલ થયેલી છે અને તેનું ગેડીકરણ થયેલું છે. ગિરિનિર્માણ ક્રિયા દરમિયાન તેના પર થયેલા પ્રચંડ દાબ, સંકોચન અને પ્રતિબળોની અસર હેઠળ અમુક ગેડ વિપરીત થઈ ગઈ છે. ગેડની તલસપાટીઓ તૂટી ગઈ છે. વિપરીત ગેડનો મધ્ય અવયવ તણાવના પ્રતિબળની પ્રચંડ અસર હેઠળ આવીને, ખડકસ્તરોની સહનક્ષમતા વટાવી જઈને, ધસારો પામતી સ્તરભંગ સપાટીમાં પસાર થયેલો છે; પરિણામે ગેડનો તૂટી ગયેલો ભાગ લાંબા અંતર સુધી આપોઆપ સરકી ગયો છે. આમ થવાથી હિમાલયની અંદર તરફની હારમાળાઓના જૂના વયના પૂર્વ-શિવાલિક ખડકસ્તરો બાહ્ય હિમાલયના નવા ખડકસ્તરોની ઉપર ધસી જઈને ગોઠવાયા છે. પરિણામે બે જુદા જુદા વયના ખડકસ્તરો ધસારાની સ્તરભંગ સપાટીથી જોડાયા છે. ખડકસ્તરોની સંધિની આ સપાટી મુખ્ય સીમા-સ્તરભંગ તરીકે ઓળખાય છે, જે સિંધુથી બ્રહ્મપુત્ર સુધીની સળંગ લંબાઈમાં શિવાલિકની તળેટીની ટેકરીઓના વિભાગની ભૂસ્તરરચનામાં ઘણું જ નોંધપાત્ર ભૂસંચલનજન્ય લક્ષણ બની રહે છે.
આકૃતિ 1 : મહાસીમા-સ્તરભંગ
મુખ્ય સીમા-સ્તરભંગ (Main Boundary Fault = MBF) એ કંઈ માત્ર એક જ સ્તરભંગ નથી; પરંતુ બાહ્ય હિમાલય હારમાળાઓને રચતા ટર્શ્યરી વિભાગના સ્તરોમાં લગભગ સમાંતર સ્તરભંગોની શ્રેણી છે, જે તમામ એકસરખી ભૂસંચલનજન્ય, સ્તરવિદ્યાત્મક તેમજ રચનાત્મક વિશિષ્ટતાઓ રજૂ કરે છે; એટલું જ નહિ, શિવાલિક ખડકોને જૂના ટર્શ્યરી ખડકોની નીચે અને જૂના ટર્શ્યરી ખડકોને મધ્ય હિમાલયના પુરાણા (purana) વયના ખડકોની નીચે લાવી મૂકે છે.
હિમાલય પર કરવામાં આવેલાં ભૂસ્તરીય સંશોધનો સૂચવે છે કે મુખ્ય સીમા-સ્તરભંગ એ શિવાલિક ખડકોની સરહદ માટે સીમારૂપ બનતો સામાન્ય પ્રકારનો સ્તરભંગ કે ભંગાણ નથી; પરંતુ હિમાલયના બે ઉત્થાન-તબક્કાઓ પૂર્ણ થયા બાદ એ સમયે અસ્તિત્વ ધરાવતા પર્વતોની તળેટીની સામે રહેલા શિવાલિક નિક્ષેપોની અસલ હદરેખા માટે ચિહનરૂપ છે, જેની પેલી પાર શિવાલિક ખડકો વિસ્તરેલા નથી. બાકીના સીમા-સ્તરભંગો આ જ રીતે જુદી જુદી વયના નિક્ષેપોની ક્રમિક હદનો નિર્દેશ કરે છે. મુખ્ય સીમા-સ્તરભંગની પ્રકૃતિ (nature) વિશેનું દૃષ્ટિબિંદુ એ કલ્પના દ્વારા સ્પષ્ટ બનશે કે અત્યારે શિવાલિક તળેટીની ટેકરીઓની સામે દક્ષિણ તરફ રહેલો સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રનો કાંપ હિમાલયના ભવિષ્યના ઊર્ધ્વગમન તબક્કામાં સામેલ થાય તો શિવાલિક ખડકો જૂના ખડકો સાથે અત્યારે જે રચનાત્મક સંબંધ દર્શાવે છે, એવો જ સંબંધ એ કાંપ શિવાલિક સાથે દર્શાવશે.
આકૃતિ 2 : સીમા-સ્તરભંગ દર્શાવતો કચ્છનો નકશો
આ સીમા-સ્તરભંગો સમકાલીન નથી, પરંતુ ક્રમિક છે. શિવાલિક નિક્ષેપક્રિયા કરતાં ચોક્કસપણે પછીના કાળના છે તેમજ તેમની ગેડીકરણની ક્રિયા પછીના તરતના સમયની છે. આ સીમા-સ્તરભંગોએ ક્રમિક ધસારા સપાટીઓ રચી છે. તે સપાટીઓ પર જૂના સ્તરો નવા સ્તરો ઉપર ઘણા કિલોમિટરના અંતર સુધી ચઢી ગયેલા છે. તેમના અધ:પાત પણ ઘણા મીટરના છે. હિમાલયમાં મળી આવતા ધસારાઓને તેમનાં સ્થાન મુજબ નામ આપેલાં છે. બાહ્ય હિમાલયથી મધ્યની હારમાળાઓ તરફ જતાં શરૂઆતમાં મરી-ધસારો, નહાન-ધસારો, પંજાલ-ધસારો, ક્રોલ-ધસારો, ગિરિ-ધસારો અને ગઢવાલ-ધસારો ક્રમશ: આવે છે.
અરવલ્લી હારમાળામાં ઊર્ધ્વ વિંધ્ય ખડકોનો વિવૃત ભાગ જૂના વયના અરવલ્લી ખડકો સાથે તેમની ઈશાન હદ પર મોટા અધ:પાત સાથે ઘણો લાંબો સ્તરભંગ દર્શાવે છે. આ કારણે વિંધ્ય રેતીખડકો(ભાંડર શ્રેણી)ના વિક્ષેપરહિત લગભગ ક્ષિતિજસમાંતર સ્તરો અરવલ્લીના ખૂબ જ ગેડીકરણ પામેલા અને પત્રબંધ રચનાવાળા શિસ્ટ ખડકોના સંપર્કમાં આવે છે. 1525 મીટરના અધ:પાતવાળો આ મહાસીમા સ્તરભંગ (Great Boundary Fault = GBF) ચંબલ નદીના પ્રવાહને લગભગ સમાંતર ચાલ્યો જાય છે અને તે આ વિવૃત ભાગની પશ્ચિમ હદથી માંડીને ઉત્તરમાં આગ્રા સુધી 800 કિમી.ના અંતરમાં વિસ્તરેલો છે. આ સ્તરભંગ સામાન્ય પ્રકારની ખંડિત થયેલી સપાટી નથી; પરંતુ તે અરવલ્લી પર્વતોની તળેટી સાથેની ઊર્ધ્વ વિંધ્ય રેતીખડકોની નિક્ષેપ-હદ દર્શાવે છે. પછીથી તે સપાટી સ્તરભંગ અને ધસારાની ક્રિયાને કારણે વિસ્તૃત સ્વરૂપ પામી છે. તેથી આ સ્તરભંગ ‘સીમા-સ્તરભંગ’ પ્રકારનો છે, જે હિમાલયના જૂના ટર્શ્યરી ખડકો સાથે નવા ખડકોના વિવૃત ભાગના ઉપર દર્શાવેલા ઉદાહરણની યાદ આપે છે.
કચ્છના આખાય વિસ્તારમાં જુરાસિક ખડકોનો એક પહોળો પટ્ટો પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. રચનાત્મક દૃષ્ટિએ આ જુરાસિક રચનાની ત્રણ પહોળી ઊર્ધ્વવાંક ગેડોમાં ગેડીકરણની ક્રિયા બનેલી છે અને તે અધોવાંક આકારના નીચાણવાળા વિસ્તારોથી જુદી પડેલી છે. તદ્દન દક્ષિણ તરફના ઊર્ધ્વવાંકની તળેટીમાં સ્તરનિર્દેશક સ્તરભંગ (strike fault) આવેલો છે. આ સ્તરભંગને પણ સીમા-સ્તરભંગ તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારના બે મુખ્ય સીમા-સ્તરભંગો સ્કૉટલૅન્ડના આખાય વિસ્તારને ત્રણ પ્રાકૃતિક એકમોમાં વહેંચી નાખે છે. આલ્પ્સમાં પણ આ જ પ્રકારના સીમા-સ્તરભંગો આવેલા છે. હ્રાઇન નદીના થાળામાં રહેલા હ્રાઇન ગ્રેબનની બંને બાજુએ રહેલા સ્તરભંગો પણ સીમા-સ્તરભંગ તરીકે ઓળખાય છે.
વ્રિજવિહારી દી. દવે
ગિરીશભાઈ પંડ્યા