સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ હૅવર નજીક ઇંગ્લિશ ખાડીમાં તેનાં પાણી ઠાલવે છે. તેના મૂળથી આશરે 378 કિમી.ના અંતરે આવ્યા પછી તે પહોળી બને છે અને પૅરિસમાં થઈને વહે છે. પૅરિસમાં આ નદી પર 30 પુલો આવેલા છે, તે પૈકીના કેટલાક પુલ 300 વર્ષ જેટલા જૂના છે. પૅરિસમાં તેના ડાબા કાંઠે, દક્ષિણ તરફ એક લૅટિન ચૉક, સૉરબોન, લક્ઝમ્બર્ગ ગાર્ડન્સ અને એફિલ ટાવર તથા જમણા કાંઠે ઉત્તર તરફ લુવ્ર, શૅમ્પ એલિસી, ત્રોકાદેર જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. નૉત્રદામનું કેથીડ્રલ આ નદીના એક બેટ પર ઊભું છે.
નૌકામાં બેસીને પૅરિસ જોવાની મોજ માણનારા પ્રવાસીઓ માટે એ પ્રકારની પ્રવાસી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. લોકોનો માલસામાન નદીપાર કરવામાં પણ હોડીઓ ઉપયોગી બની રહે છે. પૅરિસના અગ્નિભાગમાં આ નદી ફૉન્તેનબ્લો (ફૉન્ટેઇન બ્લૂ) પાસે થઈને વહે છે.
આ નદી વેપારી જળમાર્ગ તરીકે ઉપયોગી છે. તેને ઔબ, મર્ન, યોન અને ઑઇસ (Oise) નદીઓ મળે છે. આ ઉપરાંત નહેરો દ્વારા તે લૉઇર, ર્હોન, રહાઈન, મ્યૂઝ અને શેલ્ડ નદીઓ સાથે જોડાયેલી છે. હોડીઓ દ્વારા તેમાં 547 કિમી. જેટલા અંતર માટે અવરજવર તથા માલની હેરફેર થઈ શકે છે. આ નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેના કિનારાઓ પર પાણી ફરી વળે છે અને કાંઠા નજીકના ભાગોમાં નુકસાન થાય છે. 1910માં તેમાં પૂર આવેલું ત્યારે તેનાં પાણી 7 મીટર ઊંચાં ચડેલાં, નજીકના ભાગોની માલમિલકત તેમજ ખેતીના પાકને તેથી નુકસાન પહોંચેલું.
જાહ્નવી ભટ્ટ