સીદી બશીરની મસ્જિદ : સલ્તનતકાલીન ગુજરાતની જાણીતી મસ્જિદ. અમદાવાદના મધ્યકાલીન સ્થપતિ અને સૂફી સંત સીદી બશીરે આ મસ્જિદ બંધાવી હતી. સંત હજરત શાહઆલમ સાહેબના ખલીફાઓમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું હતું. અમદાવાદના રેલવે-સ્ટેશનની બાજુમાં સારંગપુર પાણીની ટાંકીની સામે આ મસ્જિદ આવેલી છે. હાલમાં તેનો કમાનવાળો ભાગ તથા મિનારા જ જળવાઈ રહ્યા છે; તે સિવાયના મસ્જિદના લિવાન, મિહરાબ, મિંબર જેવા ભાગો પાછળના સમયમાં નવેસરથી બાંધેલા છે. 1753માં જવાંમર્દખાન બાબી અને મરાઠા વચ્ચેની લડાઈમાં મસ્જિદના આ – બધા ભાગો તૂટી ગયા હતા. કમાનના બહારના ભાગમાં બંદૂકની ગોળીઓનાં નિશાન હજી પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ મસ્જિદનું આકર્ષક અંગ એ તેના મિનારા છે. બંને મિનારાને ફરતી ત્રણ બાલ્કની કાઢેલી છે. જેમાંથી બહાર આવવા માટેના કમાનાકાર દ્વારની રચના છે. એના બંને મિનારાને ધક્કો મારતાં હાલે છે. વધુ આશ્ચર્ય એ છે કે એક મિનારો હલાવતાં બીજો મિનારો પણ ઝૂલવા માંડે છે. એક મિનારામાંથી બીજા મિનારામાં ધ્રુજારી કેવી રીતે જતી હશે તે હજી સુધી કળી શકાયું નથી.
સીદી બશીરની મસ્જિદ
અગાઉ પ્રવાસીઓ મિનારા પર ચઢીને તેને હલાવીને ધ્રુજારીનો અનુભવ કરતા અને આશ્ચર્ય પામતા હતા. વારંવાર હલાવવાને કારણે તે તૂટી પડવાની શક્યતાને લીધે પુરાતત્ત્વ-ખાતાએ હવે મિનારા પર કોઈને પણ જવાની મનાઈ ફરમાવી છે અને આમ છેલ્લાં વીસ વર્ષથી પ્રવાસીઓ ઝૂલતા મિનારાના અનુભવથી વંચિત છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
થૉમસ પરમાર