સીતા (નાટક) : દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રાસબદ્ધ પયાર છંદમાં લખાયેલું પ્રસિદ્ધ પૌરાણિક પદ્યનાટક (1906). (ગુજરાતીમાં આ જ શીર્ષકથી ચં. ચી. મહેતાનું પણ એક નાટક છે.) પાંચ અંકમાં લખાયેલું આ નાટક કરુણાન્ત છે. તેમાં કરુણની સાથે મેલોડ્રામેટિકતાનું તત્ત્વ પણ તેમનાં અન્ય નાટકોની જેમ જોવા મળે છે. આવું બીજું તેમનું પૌરાણિક નાટક ‘પાષાણી’ છે, જે અહલ્યાને કેન્દ્રમાં રાખીને લખાયું છે. ‘સીતા’ની રચના કરતી વખતે દ્વિજેન્દ્રલાલ સામે ‘एको रस:करुणमेव:’ કહેનાર ભવભૂતિનું સંસ્કૃત નાટક ‘ઉત્તરરામચરિત’ રહેલું છે. કરુણગર્ભ હોવા છતાં ‘ઉત્તરરામચરિત’ સુખાન્ત છે, જ્યારે અહીં વાલ્મીકિરામાયણના ઉત્તરકાંડ પ્રમાણે અંતમાં સીતાના ભૂમિપ્રવેશથી નાટક કરુણપર્યવસાયી બને છે. (આ વિષય લઈને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે છેક 1860માં ‘સીતાર વનવાસ’ કથા લખી હતી.)

‘ઉત્તરરામચરિત’ની જેમ ‘સીતા’નો આરંભ પણ લંકાવિજય પછી રામનું સીતાસહ અયોધ્યા આગમન અને તેમના રાજા બનવાથી શરૂ થાય છે. પહેલા અંકના પહેલા જ દૃશ્યમાં રામ પોતાના ભાઈઓની સલાહ માગે છે કે રાજ્ય કેમ ચલાવવું, કેમ કે પોતે તો હમણાં સુધી અરણ્યવાસી હતા. એ વખતે અયોધ્યા પધારેલ અષ્ટાવક્ર મુનિએ રાજાને ઉપદેશ આપતાં કહ્યું છે કે ‘મૂલ રાજધર્મ એકમાત્ર પ્રજાનું રંજન.’ ઉત્તરરામચરિતમાં પણ રામ પ્રજાના અનુરંજન માટે જાનકીને પણ ત્યજવા તૈયાર હોવાની વાત કરે છે, તેમ અહીં પણ એ રીતે નાટકકાર સંકેત કરે છે કે રામના શબ્દો નાટ્યાત્મક વક્રોક્તિ રૂપે હોય તેમ સાચા પડવાના છે. એક સ્થળે સીતા અજાણતાં જ કહે છે કે મહેલના પથ્થરો કઠોર હોય છે, તે જાણે તેના અશુભ ભવિષ્યની આગાહી છે. દુર્મુખ સીતા વિશે પ્રજામાં ચાલતી ‘સીતા અસતી છે, અલક્ષ્મી છે’ – એવી કલંકકથાની વાત લાવે છે.

આ નાટકમાં, આપણને આશ્ચર્ય થાય પણ, ‘વિલન’ – ખલનાયકનો પાઠ કોઈ ભજવતું હોય તો તે કુલગુરુ વસિષ્ઠ છે. સીતાની પ્રજામાં થતી નિંદા સાંભળીને રામને સીતાનો ત્યાગ કરવાનું કહે છે; કેમ કે, રાજા સમાજનો પ્રતિનિધિ – ‘ભૃત્ય’ (સેવક) માત્ર છે અને પાપ-પુણ્ય સમાજની દંડવિધિ છે. દ્વિજેન્દ્રની સીતા આ બધું સાંભળી રામને કહે છે કે હું વનમાં જઈશ, જેમ તમે ‘પિતૃસત્ય’ માટે વનમાં ગયા હતા, તેમ હું ‘પતિસત્ય’ માટે જઈશ. ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ની જેમ આ નાટકમાં પણ રામનું માનવીય પાસું મર્મસ્પર્શી રીતે ઉપસાવવામાં આવ્યું છે. નાટકમાં રામની અનેક એકોક્તિઓ છે, જે શેક્સપિયરના નાયકોની એકોક્તિઓનું સ્મરણ કરાવે છે. સીતાને વાલ્મીકિના આશ્રમમાં આશ્રય મળે છે. આ નાટકમાં વાલ્મીકિનું પાત્ર સારું એવું સ્થાન રોકે છે; એટલું જ નહિ, નાટકના કાર્યને દિશાદોર આપવામાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવે છે. રાજગુરુ વસિષ્ઠની રૂઢ ધર્મનીતિ કે રાજનીતિના અનુશાસનનો તે પ્રતિકાર કરે છે. રાજસૂય યજ્ઞનો આદેશ આપ્યા પછી વસિષ્ઠ રામને યજ્ઞમાં સહધર્મચારિણી માટે બીજું લગ્ન કરવાનું પણ કહે છે, પણ રામ સીતાની સુવર્ણની પ્રતિમા રાખવાનું કહે છે.

સીતા વનવાસ દરમિયાન પંદર વર્ષ વીતી ગયાં હોય છે ને વાલ્મીકિના આશ્રમમાં લવકુશ મોટા થયા હોય છે અને વાલ્મીકિ પાસે રામાયણગાન પણ શીખે છે, કવિ વાલ્મીકિ જે રચી રહ્યા હોય છે. યજ્ઞ વખતે વાલ્મીકિ અયોધ્યા જઈ લવકુશને અને સીતાને સ્વીકારવા રામને કહેવાના છે, પણ યજ્ઞ માટે જો રામે બીજો વિવાહ કર્યો હશે તો પોતે રચેલા રામાયણનું પાનેપાનું ફાડી જળમાં ડુબાડી દેશે. એ રીતે આ ‘દસ્યુ કવિ’ કવિધર્મનું ઉચ્ચારણ કરે છે અને વસિષ્ઠને ફિટકારે છે અને કહે છે કે ‘પ્રેમધર્મ’ સૌથી ઊંચો છે. (અહીં તેમની પ્રેમધર્મની સ્થાપના આપણને કવિ ન્હાનાલાલના પેલા પ્રસિદ્ધ સત્ય ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ જેવી લાગશે.) આ તરફ લવ અશ્વમેધ યજ્ઞના ઘોડાને બાંધે છે અને એને કારણે યુદ્ધ થતાં લવકુશની ઓળખ થાય છે. વાલ્મીકિના કહેવાથી રામ તેમનો પુત્રો તરીકે સ્વીકાર કરવા તૈયાર છે, પણ સીતા ? વાલ્મીકિ કહે છે કે પ્રેમ જ શ્રેષ્ઠતર ધર્મ છે. વસિષ્ઠ પણ સહમત થાય છે, સીતાને પાછી લાવવા. નાટકના અંતભાગમાં રામ, લક્ષ્મણ, સીતા અને વાલ્મીકિના મિલનનું દૃશ્ય છે – રામ સીતાને કહે છે કે ‘તું સ્વર્ગની દેવતા છે. હું તો મર્ત્ય માનવી માત્ર છું.’ રામસીતા એકબીજાને પામે તે પહેલાં ભૂમિ ફાટે છે અને સીતા તેમાં સમાઈ જાય છે. નાટકને અંતે રામનો ઉદગાર ‘સીતે સીતે’ પડઘાય છે. આ નાટકમાં અગાઉ નિર્દેશ્યા પ્રમાણે મેલોડ્રામાનાં તત્ત્વો છે, પણ બંગાળી રંગમંચ પર આ પદ્યનાટકને અદભુત સફળતા મળી હતી. રામના પાત્રમાં શિશિર ભાદુડીની ભૂમિકા એક ઐતિહાસિક ઘટના રૂપે લેખાઈ છે.

ભોળાભાઈ પટેલ