સીતા : વાલ્મીકિના મહાકાવ્ય ‘રામાયણ’ની નાયિકા. વિદેહરાજ સીરધ્વજ જનકની પુત્રી, ઇક્ષ્વાકુવંશીય રામ દાશરથિની પત્ની. રામ રામાયણકથાના નાયક તો સીતા નાયિકા. રામ એકપત્નીવ્રતધારી હતા તો સીતા સતી, પતિવ્રતા — ભારતીય સ્ત્રીજાતિની એકનિષ્ઠા-પવિત્રતાની જ્વલન્ત પ્રતિમા.
એક વાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં યજ્ઞભૂમિ ખેડતાં જનકને ભૂમિમાંથી મળેલી બાલિકાને સ્વપુત્રી ગણીને ઉછેરી અને ‘સીતા’ એવું યથાર્થ નામ આપ્યું. તેના જન્મ વિશે અનેક કલ્પનારમ્ય કથાઓ ઊભી થઈ છે, જેમાંની એકમાં તો તે રાવણની પુત્રી તરીકે ઉલ્લેખાઈ છે.
કથા-સંક્ષેપ : પોતાની પ્રભાથી સર્વ દિશાઓને અજવાળતી શુદ્ધ સુવર્ણવર્ણા, લક્ષ્મી અને રતિની પ્રતિરૂપા, નખશિખ સૌન્દર્યમયી સીતાને અત્યન્ત ભારે પ્રચંડ શિવધનુષ ‘સુનાભ’ વડે ઘોડો ઘોડો રમતી જોઈને, તેને પેલા સુનાભને ઉપાડી પણછ ચડાવી શકે એવા વીરની સાથે જ પરણાવવા ભગવાન પરશુરામે રાજાને આદેશ આપેલો. કોઈથી નહીં ઊંચકી શકાયેલા સુનાભને સરળતાથી ઉપાડી રામે તેને પણછ ચડાવવા વાળ્યું તો તે પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું ને રામ-સીતા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં અને અયોધ્યામાં સુખભોગ ભોગવવા લાગ્યાં. એ ગાળામાં પિતૃવચન પાળવા રામને વનમાં જવાનું થયું. રામે વનની ભયંકરતા વર્ણવી પણ ‘જ્યાં રામ ત્યાં સીતા’ કહી સીતાએ વનવાસ વહોરી લીધો. વનમાં સીતાએ સુવર્ણમૃગને જીવતો કે મરેલો લઈ આવવા રામને મોકલ્યા. મરતા મારીચના કપટી સાદથી ભોળવાઈને અસહ્ય કડવાં વેણ કહી દિયર લક્ષ્મણને રામની મદદે દોડાવતાં એકલી પડેલી સીતાને રાવણ ઉપાડી ગયો. રાવણવધ પછી તેના ચારિત્ર્ય વિશે રામે શંકા ઉઠાવતાં તે અગ્નિમાં પ્રવેશી અને અગ્નિદેવે તેને પવિત્ર જાહેર કરી રામને સોંપી. અયોધ્યામાં રામ સાથે રાજ્યાભિષેક થયો, પણ પ્રજામાં વળી ચારિત્ર્ય વિશે ચર્ચા થતાં રામે સગર્ભા સીતાનો ત્યાગ કર્યો. વાલ્મીકિના આશ્રમમાં પુત્રો લવ-કુશ જન્મ્યા. તેમણે અયોધ્યા જઈ રામાયણ-કથા ગાઈ સંભળાવી. રામે ફરી સીતાને બોલાવ્યાં, પણ સભા વચ્ચે ચારિત્ર્યની પવિત્રતાની સાબિતી આપવા કહ્યું તો સીતાએ પૃથ્વીમાતાને પ્રાર્થના કરી અને તેમણે સીતાને પોતાનામાં સમાવી લીધી.
આમ, સીતાને સુખશાન્તિનો સમય બહુ જ ઓછો મળ્યો. છતાં તે બિલકુલ નાસીપાસ થઈ નહિ. રાવણ બાવાના વેશે આવ્યો ત્યારે આસન, પાદ્ય અને ખાદ્ય આપી સ્વાગત કર્યું. રખે ને એ શાપ આપી બેસે એ ભયથી તેની સાથે વાતો કરવા લાગી. સરળતાથી પોતાનો પરિચય આપી લગ્ન પછી એક વરસ અયોધ્યામાં રહ્યાં અને વનગમનસમયે પતિની ઉંમર 25 વર્ષની હતી એવી વિગત પણ આપી બેઠી ! સામે પરિચય પૂછતાં બાવાએ સાચો પરિચય અને આવવાનો હેતુ કહ્યો !
આ સાંભળતાં જ સીતાએ રોકડો જવાબ પરખાવ્યો કે પોતે અકંપ્ય અને અક્ષોભ્ય રામની અનુવ્રતા હોઈ તેને ઇચ્છનારો તો સિંહણને ઇચ્છનારા શિયાળ જેવો છે ! લંકામાં પણ તે ભીરુ છતાં નીડર અને અચળ રહી. તેની શોધમાં આવેલ હનુમાને પીઠ પર બેસાડી લઈ જવાની તત્પરતા બતાવતાં પણ ગૌરવ અને વિવેક નહિ ભૂલેલી સીતા કહે : ‘રામ શત્રુને હણીને વિજયી થઈ મને અયોધ્યા લઈ જાય એ જ યશસ્કર છે. એમના ભયથી એકલી પડેલીને રાવણ ઉપાડી ગયો, એવું રામથી ન કરાય !’ આમ જીવનનાં ઉચ્ચતમ મૂલ્યો અંગે તે કોઈ સમાધાન કરવા માગતી નથી.
એની દૃઢતા જ્યારે હઠ બની જાય છે ત્યારે પરિસ્થિતિને વણસાવી મૂકે છે. લક્ષ્મણે કહ્યું કે સુવર્ણમૃગ ક્યાંય કદી જોયો છે ? આ તો વેશપલટામાં નિષ્ણાત રાક્ષસ મારીચ જ છે; છતાં તેણે હઠ કરીને રામને તેની પાછળ મોકલ્યા. રામના સ્વરમાં મરતા મારીચે સાદ પાડ્યો ત્યારે પણ લક્ષ્મણે કહ્યું કે રામને ભય હોય જ નહિ, આ તો મારીચની જ માયા છે; પરંતુ સીતાએ ન કહેવાય અને ન સહેવાય એવાં કટુ વચનો કહી આક્રંદ કર્યું અને પેટ કૂટવા લાગી ! આટલી નીચી કક્ષાએ સીતા જેવી સતી ઊતરી શકે એ અકલ્પ્ય છે. તેની આ જકે અપહરણનો માર્ગ મોકળો કરી નાખ્યો !
આ જ સીતા અગ્નિદિવ્ય સમયે અત્યુચ્ચ કક્ષાનાં દર્શન કરાવે છે અને આ જ તેની અસલ ઓળખ છે. રામના વિજયના સમાચાર લાવનાર હનુમાનને ઇનામ આપવા માટે વિશ્વની કોઈ ચીજ એને પૂરતી લાગતી નથી. પ્રિયતમનાં દર્શન થતાં જ તે આશ્ચર્ય, અત્યાનન્દ અને પ્રેમની ભાવનાથી તરબોળ બની જાય છે. અગ્નિમાં પ્રવેશતાં પહેલાં તે અંજલિ બાંધી, નીચું જોઈ ગયેલા પતિની પ્રદક્ષિણા કરે છે અને અગ્નિને પ્રાર્થે છે કે ‘જો મારું હૃદય કદી રાઘવથી દૂર ગયું ન હોય તો સમસ્ત વિશ્વના સાક્ષીરૂપ હે અગ્નિદેવ ! સર્વત: મને રક્ષજો !’ અને આના જવાબમાં જ, અગ્નિદેવ બિલકુલ સ્વસ્થ સીતાને રામ પાસે લઈ જઈ તેની રામમયતા જાહેર કરી સ્વીકારી લેવા આદેશ આપે છે. આ પહેલાં રામને મળવા અધીર બનેલી તે અલંકૃત થઈને જાય તેવી રામની ઇચ્છા જાણીને તેમની ઇચ્છાને માન આપે છે, જક કરતી નથી.
તે દયાળુ છે, આદર્શ આર્યનારી હોઈ મનમાં કશો વેરભાવ રાખતી નથી. પોતાને ત્રાસ આપનારી ભયંકર રાક્ષસીઓને મારી નાખવાની હનુમાનને ના પાડે છે. રાવણની આજ્ઞા અનુસાર વર્તનારી તેઓનો તે દોષ જોતી નથી. તે કહે છે કે આર્યે તો દુષ્ટો અને વધ્યો તરફ પણ કારુણ્ય રાખવું જોઈએ; કેમ કે કોઈ જ ગુનો કર્યો ન હોય તેવું તો કોઈ જ હોતું નથી ! તેના મતે ક્રૂર, પાપી અને અત્યન્ત ઉગ્ર રાક્ષસો પરત્વે પણ આર્યે અનુચિત વર્તન કરવું ન જોઈએ !
તે હનુમાનને જણાવે છે કે પોતાને જે દુ:ખ સહેવું પડ્યું તે તો તેના દુર્ભાગ્યને કારણે છે અને પોતે પૂર્વે કરેલાં દુષ્કૃત્યોના જ ફળરૂપ છે. કોઈ કોઈનું પાપ લઈ શકતું નથી તેથી દરેકે પોતાનાં સત્કર્મ તેમજ દુષ્કર્મનું ફળ ભોગવવું જ પડે છે.
તે નમ્ર અને શરમાળ છે. ઉશ્કેરાટમાં પણ તે પોતાની મર્યાદા લોપતી નથી. પોતાના ચારિત્ર્ય ઉપર શંકા લાવનાર પ્રિય પતિ પ્રત્યે જે પ્રભાવશાળી વાણી ઉચ્ચારે છે તેમાં ક્યાંય પતિના સન્માનને હાનિ પહોંચે એવું તે બોલતી નથી. એક આદર્શ આર્ય નારી તરીકે અગ્નિપ્રવેશ પહેલાં તે બે હાથ જોડી તેની પ્રદક્ષિણા કરી લે છે. આ પહેલાં જ્યારે તેને ટોળાં વચ્ચેથી પસાર થવાનું આવે છે ત્યારે તે જાણે પોતાનાં અંગોમાં જ છુપાઈ જવા મથે છે ! પોતાનું મુખ પોતાના વસ્ત્રથી ઢાંકતી ઢાંકતી ચાલે છે અને પતિ પાસે પહોંચીને માત્ર ‘આર્યપુત્ર !’ એટલું જ બોલી શકે છે ! વળી અશોકવનમાં રાવણ તેની પાસે આવે ત્યારે તે પોતાની જંઘાઓથી પેટને અને બાહુઓથી છાતીને ઢાંકી દેતી હતી અને કુષ્ટિ કરનારની તે ખૂબ નિર્ભર્ત્સના કરતી હતી.
બધાંની વચ્ચે રામથી બોલાયેલ અપમાનજનક વચનોનો જવાબ તે ખૂબ શક્તિશાળી પ્રભાવક વાણીમાં આપે છે. રામે મૂકેલ આરોપને સજ્જડ રીતે નકારે છે અને પોતાના ચારિત્ર્યના સોગંદ ખાય છે. મર્યાદા લોપ્યા વિના તે સાચું જ કહે છે કે રામનાં વચન એક સાવ સામાન્ય નારી પ્રત્યેનાં એવા જ સાવ સામાન્ય પુરુષનાં વચનો જેવાં જ છે. આ રીતે તે પોતાનું સ્વમાન સાચવે છે.
કદાચ, તેને આ અપમાન સહેવું પડ્યું તેનું કારણ અરણ્યકાંડમાં સાવ હલકી કક્ષાએ ઊતરીને લક્ષ્મણ જેવા ચારિત્ર્યશીલ, નિ:સ્વાર્થ સેવક પ્રત્યે તેણે જે ભયંકર વાણી ઉચ્ચારેલી અને આક્રંદ સાથે પેટ કૂટવા લાગેલી તેના ફળ રૂપે હોય !! રાવણ હરી ગયો તોય ક્યાંય તેને તે માટે પસ્તાવો થયો હોય એવો ઉલ્લેખ વાલ્મીકિએ કર્યો લાગતો નથી !!
રામે તેનો ત્યાગ કર્યો તે માટે પણ આ પતિવ્રતા આર્ય નારી રામનો દોષ જોતી જ નથી.
આમ, સીતામાં ભારતીય સન્નારીનો આદર્શ ચરિતાર્થ થયો છે.
જયન્ત પ્રે. ઠાકર