સીડા, રાણાભાઈ આલાભાઈ (જ. 4 ફેબ્રુઆરી 1949, પોરબંદર, સૌરાષ્ટ્ર) : ગુજરાતના લોકનર્તક. તેમણે યુવાવસ્થાથી જ પરંપરાગત રીતે કુટુંબમાં, જ્ઞાતિમાંના તહેવારોમાં, હોળી જેવા ઉત્સવોમાં, મેળાઓ વગેરે પ્રસંગોમાં રાસ લેવાની રુચિ કેળવી હતી. પછી વ્યવસ્થિત રીતે રાસમંડળ સ્થાપ્યું.
માર્ચ 1975થી કામદાર કલ્યાણ કેન્દ્રમાં પૂર્ણકાલીન નોકરી દરમિયાન બહેનોને ગરબા-હરીફાઈ માટે કેળવવાની તક મળી. તેમના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજ્યા અને અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં.
ત્યારપછી પુરુષોની રાસમંડળી સ્થાપીને તેમના દ્વારા પ્રથમ વખત નહેરુ યુવક કેન્દ્ર મારફત દિલ્હીમાં નહેરુ જયંતી નિમિત્તે રાસનો કાર્યક્રમ રજૂ કર્યો. ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રાસ-ગરબા હરીફાઈઓમાં ભાગ લઈને જિલ્લામાં તથા રાજ્યમાં 3 વખત પ્રથમ સ્થાન મેળવ્યું.
એ પછી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું બંધ કરીને આઇ.એન.ટી. લોકકલા સંશોધન કેન્દ્ર મારફત મુંબઈમાં અને દિલ્હીમાં જુદા જુદા અનેક મહોત્સવોમાં રાસની રજૂઆત કરી. ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા નિમિત્તે ફ્રાંસ તથા રશિયામાં રાસના સુંદર કાર્યક્રમો કર્યા. તે ઉપરાંત 26મી જાન્યુઆરીની પરેડ વખતે મહેર રાસમંડળ મારફત ‘મહેર રાસ’ રજૂ કર્યો. ઇન્ડિયા ટુરિઝમ તરફથી તેમણે જાપાનમાં પણ રાસના કાર્યક્રમો રજૂ કર્યા.
તેમણે લેસ્ટર, ઇંગ્લૅન્ડમાં 1 માસ રોકાઈને રાસ અને ગરબાની વર્કશૉપ ચલાવી. તેમાં એશિયન સમાજ તથા અંગ્રેજોને રાસની તાલીમ આપી. તે દરમિયાન બ્રિટિશ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને પણ રાસ, તાલ, પરિધાનપદ્ધતિ વિશે માર્ગદર્શન અને નિદર્શન પૂરું પાડીને બ્રિટનમાં રાસમંડળની સ્થાપના કરી.
મહાત્મા ગાંધી જયંતી વખતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે શ્રેષ્ઠ સામાજિક સેવા બદલ તેમને ઍવૉર્ડ અર્પણ કરવામાં આવેલો. ગુજરાત લોકકલા કેન્દ્ર, અમદાવાદ તરફથી લોકકલા ઍવૉર્ડ અને નહેરુ યુવાકેન્દ્ર, દિલ્હી તરફથી સાંસ્કૃતિક કલા માટેનો ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયા હતા. લોકનૃત્યક્ષેત્રે તેમના આગવા પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી તરફથી 1995-96ના વર્ષનો ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે. આ ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ વખતે પણ તેમણે તલવાર-નૃત્યના કાર્યક્રમ દ્વારા સૌને પ્રભાવિત કરી દીધા હતા.
બળદેવભાઈ કનીજિયા