સીગર પીટર (Seeger Peter)
January, 2008
સીગર, પીટર (Seeger, Peter) (જ. 3 મે 1919, ન્યૂયૉર્કનગર, અમેરિકા) : અમેરિકન લોકસંગીત પ્રણાલીને જીવંત રાખનાર લોકસંગીતના રજૂઆતકાર. પિતા ચાર્લ્સ સીગર સંગીતશાસ્ત્રી હતા અને કાકા એલેન સીગર કવિ હતા.
પીટર સીગર
1938થી તેમણે રેલવે મારફતે અમેરિકા ખૂંદી વળી ખેડૂતો અને મજૂરોનાં લોકગીતો એકઠાં કર્યાં. પાંચ તારવાળા બેન્ઝો ઉપર તેઓ આ ગીતો વગાડતા. 1940માં તેમણે ‘આલ્માનાક સિન્ગર્સ ક્વાર્ટેટ’ની સ્થાપના કરી; જેમાં વૂડીગૂથ્રી જેવા લોકગાયક અને સંગીતનિયોજકોનાં શહેરોમાં, સભાખંડોમાં અને ગામડાંનાં ખેતરોમાં કાર્યક્રમો ગોઠવ્યા. આ પ્રવૃત્તિનો બીજા વિશ્વયુદ્ધના અંતની સાથે અંત આવ્યો.
1948માં સીગરે બીજું ક્વાર્ટેટ સંગીતજૂથ સ્થાપ્યું ‘ધ વીવર્સ’, તેમાં તેમની સાથે લી હેઝ રોની ગિલ્બર્ટ તથા ફ્રેડ હેલર્માન હતા. અમેરિકાની કૉલેજોના પરિસરોમાં તથા સંગીતના અન્ય જલસામાં આ જૂથને ઘણી સફળતા સાંપડી. એના સંગીતના રેકૉર્ડિંગની લાખો નકલો ચપોચપ વેચાઈ ગઈ. ‘ધ વીવર્સ’ તથા સીગરને અમેરિકામાં ચોમેર નામના મળી; પરંતુ એ જ વખતે અચાનક એ હકીકત બહાર આવી કે સીગર મજૂરતરફી છે અને તેઓ ડાબેરી સામ્યવાદીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પરિણામે વિવાદ ઊભો થયો અને તેમના સંગીતના જલસા બંધ પડ્યા; રેકર્ડો પણ વેચાતી અટકી ગઈ. પરિણામે આ જૂથ 1952માં છિન્નભિન્ન થઈ ગયું. ત્રણ વરસ પછી 1956માં કાર્નેગી હૉલ ખાતે તેને સંગીતના ગાયનવાદનની તક મળતાં એ જૂથ ફરીથી સજીવન થઈ શક્યું; પરંતુ 1958માં સીગર પોતે જ આ જૂથથી છૂટા પડી ગયા. હવે એમણે એકલ ગાયક તરીકે સંગીતના જલસા આપવા માંડ્યા. એમની રાજકીય પ્રવૃત્તિઓને પરિણામે 1955માં અમેરિકન કૉંગ્રેસે તેમની ઊલટતપાસ કરી પ્રશ્નો પૂછેલા; પરંતુ 1961 સુધી સીગરે તેમના જવાબ આપ્યા નહિ હોવાથી તેણે અમેરિકન કૉંગ્રેસનું અપમાન કર્યું છે તેવું અર્થઘટન થયું; પરંતુ સીગરે કૉંગ્રેસને અદાલતમાં પડકારતાં અદાલતે તેમને નિર્દોષ ઠેરવ્યા. આ વાદવિવાદને પરિણામે અમેરિકન રેડિયો-સ્ટેશનોએ અને ટીવી-ચૅનલોએ બીજાં થોડાં વર્ષો સુધી સીગરનો બહિષ્કાર કર્યો.
જેમાં શ્રોતાઓ પણ ગાઈવગાડીને ભાગીદારી કરે એવા ‘હૂટેનેની’ લોકઉત્સવોની પ્રણાલિકાને અમેરિકામાં જીવંત રાખવાનું કામ સીગરે કર્યું. આ ઉત્સવોમાં કેટલાંક ગીતો તેમણે અન્ય લોકસંગીતકારોની ભાગીદારીમાં ગાવાનું કર્યું; જેમાં ખાસ જાણીતાં છે : ‘વ્હેર હેવ ઑલ ધ ફ્લાવર્સ ગૉન ?’, ‘ઇફ આઇ હેડ એ હૅમર’, ‘કિસ ઇઝ સ્વીટર ધૅન વાઇન’ તથા ‘ટર્ન, ટર્ન, ટર્ન’. લોકગીતોના ઇતિહાસ, નાગરિક હક્કો તથા પોતાના જીવનના સંગીતજલસાનાં વિવરણોનો તેમણે પુસ્તક ‘ધ ઇનકમ્પ્લીટ ફૉકસિંગર’માં સમાવેશ કર્યો છે. પર્યાવરણની સુરક્ષા માટે તથા હડસન નદીનું પ્રદૂષણ દૂર કરવા માટે તેમણે 1970થી 1990 સુધી ઘણા દેખાવો યોજ્યા, ધરણાં કર્યાં. વળી ન્યૂક્લિયર શક્તિના વિરોધમાં પણ તેમણે દેખાવો કર્યા હતા.
અમિતાભ મડિયા