સિહોર (Sehore) : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 30´થી 23° 40´ ઉ. અ. અને 76° 30´થી 78° 00´ પૂ. રે. વચ્ચેનો 6,578 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિટિશ હકૂમત વખતે પણ તે ભોપાલના દેશી રાજ્યનો એક અલગ જિલ્લો હતો. પ્રાદેશિક દૃષ્ટિએ, તે માળવાના ઉચ્ચપ્રદેશને આવરી લે છે અને દક્ષિણ તરફ તે નર્મદા નદી સુધી વિસ્તરેલો છે, ત્યાં તે હોશંગાબાદ જિલ્લા સાથે નર્મદા નદી દ્વારા જિલ્લા-સરહદ રચે છે. આ જિલ્લો બધી બાજુએ મધ્યપ્રદેશના સાત જિલ્લાઓથી ઘેરાયેલો છે. તેની વાયવ્યમાં રાજગઢ, ઈશાનમાં ભોપાલ, પૂર્વમાં રાયસેન, અગ્નિ અને દક્ષિણમાં હોશંગાબાદ, દક્ષિણમાં હર્દા, નૈર્ઋત્યમાં દેવાસ તથા પશ્ચિમમાં શાજાપુર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સિહોર જિલ્લાના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું છે.
સિહોર જિલ્લો
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ વિશિષ્ટ ભૂમિલક્ષણોવાળું છે, તે પીળા ઘાસથી આચ્છાદિત અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીં કપાસ માટેની કાળી સમૃદ્ધ જમીનો જોવા મળે છે. વિંધ્ય હારમાળા પછી નર્મદાનો મેદાની પ્રદેશ પથરાયેલો છે. સિહોર, ઈછવાર અને અશ્તા વિસ્તારોની ઊંચાઈ 435થી 540 મીટર વચ્ચેની છે. દક્ષિણ તરફનો વિભાગ 270થી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે.
જૂના વખતમાં અહીં ગીચ જંગલ હતું અને તેમાં હિંસક પ્રાણીઓ પણ વસતાં હતાં. વૃક્ષોનું છેદન અને હિંસક પ્રાણીઓનો શિકાર થયે જવાથી જંગલ અને પ્રાણીઓનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. આજે જંગલવિસ્તાર જિલ્લાના કુલભૂમિ વિસ્તારના માત્ર 19 % જેટલો જ રહ્યો છે. આ જંગલમાંથી આજે વાંસ, ખેર, ટીમરુ-પાન, ઘાસ, મધ, મીણ, ગુંદર અને પ્રાણીઓનાં ચામડાં મળે છે.
જળપરિવાહ : ઉત્તર તરફ આવેલી બેતવા અને પર્વતી તેમજ દક્ષિણ તરફ આવેલી નર્મદા આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. ઉત્તર તરફ યમુનાનો થાળા-વિસ્તાર અને દક્ષિણ તરફ નર્મદાનો થાળા-વિસ્તાર આવેલો છે. બેતવા નદી વિદિશા, ગુના અને શિવપુરીમાં થઈને ઉત્તર પ્રદેશમાં જાય છે. કાલિદાસે તેના મેઘદૂતમાં આ નદીને વેત્રવતી તરીકે વર્ણવેલી છે. કલિયાસોત, અજનાર અને હલાલી તેની સહાયક નદીઓ છે. પર્વતી નદી રાજગઢ અને ગુનામાં થઈને વહે છે તથા ચંબલને મળે છે. સેવન, પારુ અને ઉતાવળી તેની સહાયક નદીઓ છે. સેવન નદી સિહોર નગરમાં થઈને વહે છે. નર્મદાની સહાયક નદીઓમાં કોલર, સિપ, કાકડી, ગુંજારી, બહાર અને દોબીનો સમાવેશ થાય છે.
ખેતી : 4,32,300 હેક્ટર ખેતી વિસ્તાર પૈકી 3,65,900 હેક્ટર વાવેતરયોગ્ય છે. અહીં કૂવા સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે. ઘઉં અને જુવાર આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.
ઉદ્યોગ-વેપાર : સિહોર ખાતે આવેલી ભોપાલ શુગર મિલ્સ અહીંનો એકમાત્ર ઉદ્યોગ છે. 1936-37થી બીડી-ઉદ્યોગ પણ શરૂ થયેલો છે. બીડી માટેની તમાકુ જિલ્લામાં બહારથી આયાત કરવામાં આવે છે. ગૃહઉદ્યોગોનું પ્રમાણ અહીં વિશેષ મળે છે. અહીં કાર્યરત ગૃહઉદ્યોગોમાં તૈયાર પોશાકો, રેઇનકોટ, ટોપા, બીડીઓ, બારી-બારણાં, પાટડા, થાંભલા જેવો લાકડાનો માલસામાન, વાંસ-નેતરની ચીજવસ્તુઓ તથા માટીનાં વાસણો તેમજ વિવિધ પાત્રો અને પગરખાં બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
જિલ્લાનાં જુદાં જુદાં નગરો તેમજ અન્ય ઘણાં સ્થળોએ ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો, ખાંડ, તેલ, મસાલા, દૂધની પેદાશો, ઈંડાં, માછલી, મરઘાં-બતકાં, બિસ્કિટ, બેકરીની ચીજવસ્તુઓ, બીડી, તમાકુ, સૂતર તેમજ અન્ય રેસા; ધોતી, સાડી, પોશાકો, હોઝિયરી વગેરેનો વેપાર ચાલે છે.
પરિવહનપ્રવાસન : મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ નજીક આ જિલ્લો આવેલો હોવાથી તે રેલમાર્ગો તેમજ સડકમાર્ગોથી જોડાયેલો છે. જિલ્લાનાં માત્ર 190 ગામો જ પાકા માર્ગોથી સંકળાયેલાં છે.
સિહોરથી પશ્ચિમે આશરે 45 કિમી. અંતરે પર્વતી નદીના પૂર્વકાંઠે આવેલા અશ્તા નગરમાં રંગકામ(dyeing)નો ઉદ્યોગ વિકસેલો છે. અહીંના મુસ્લિમો વણકરોનું કામ કરે છે. મકરસંક્રાંતિ, મહાવીરજયંતી, રંગપંચમી, રામનવમી, શિવરાત્રી, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, ગાંધીજયંતી, દશેરા, ગંગાદશેરા, દિવાળી, હોળી, ઈદ, ઈદ-ઉલ-ફિત્ર, મોહરમ, વાશીમેળો, હરિહર મંદિર મેળો, આલા-ઉદલ મેળો, ઢોરમેળો, કાલીદેવી મેળો, બારા ખંભા મેળો, ભિલાત બાબ મેળો જેવા તહેવારો અને મેળાઓ થાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 2001 મુજબ 10,78,769 જેટલી છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન વસ્તીનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી, મરાઠી, પંજાબી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. 33 % જેટલા લોકો શિક્ષિત છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ; કૉલેજો તથા વ્યાવસાયિક સંસ્થાઓ આવેલી છે. જિલ્લામાં તબીબી સેવાનું પ્રમાણ ઓછું છે. વસ્તીવાળાં માત્ર 8 % ગામડાંઓમાં તબીબી સેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓ અને 5 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 1072 (61 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : અગાઉ આ જિલ્લો ભોપાલના દેશી રાજ્યનો એક ભાગ હતો. તેની સ્થાપના માળવા પર જેણે આક્રમણ કરેલું તે દોસ્ત મોહમ્મદે કરેલી. (તેણે આ રાજ્યની સ્થાપના કરેલી.) તેણે આજુબાજુની નાની નાની જાગીરોને ભોપાલના દેશી રાજ્યમાં ભેળવીને રાજ્યનો વિસ્તાર વધારેલો. તેણે અહીંના દેવરા રાજપૂતોની કત્લ કરીને નજીકની નદીમાં ફેંકાવી દીધેલા. તે પછી તે નદી ‘હલાલી’ તરીકે ઓળખાતી આવી છે. તેણે ઇસ્લામનગર ખાતે એક કિલ્લો બંધાવેલો અને ત્યાં રાજ્યનું મુખ્ય વહીવટી મથક સ્થાપેલું. 1726માં તે મૃત્યુ પામ્યો તે અગાઉ, 1722માં ભોપાલને પાટનગર બનાવી દેશી રાજ્યની સરહદોને મજબૂત કરેલી. તેના વંશજ યાર મુહમ્મદ ખાને ફરીથી ઇસ્લામનગર ખાતે વહીવટી મથક ખેસવેલું. મુહમ્મદખાનના મૃત્યુ પછી તેના પુત્રે ફરી પાછું ભોપાલ ખાતે પાટનગર ફેરવેલું. આ વંશવારસોએ 1949 સુધી અહીં શાસન કરેલું. ભારત સ્વતંત્ર થયા પછી પણ ભોપાલ પાટનગર રહ્યું છે. બ્રિટિશ શાસન પહેલાં આ સિહોરનું કોઈ મહત્ત્વ ન હતું. 1818માં કૅપ્ટન સ્ટુઅર્ટ દ્વારા સિહોરને અનામત લશ્કરી દળ માટેના મથક તરીકે પસંદ કરાયું. તે પછી આ નગર બે વિભાગોમાં વહેંચાયું : (1) નગર અને (2) બ્રિટિશ પૉલિટિકલ એજન્ટના કાબૂ હેઠળનું સિહોર મથક. 1857માં ઇન્દોરના રેસિડન્ટ કર્નલ ડુરાન્ડે ઇન્દોરની રેસિડન્સી છોડી સિહોર ખાતે આવ્યા; પરંતુ રાજ્યની સલામતીને ધ્યાનમાં લેતાં તેમને અહીં લાંબો વખત રહેવા દેવાય નહિ એવું લાગતાં તેમને બધાંને હોશંગાબાદ જઈને રહેવાનું થયું. 1857ના બળવાની ઘટના વખતે અહીં 150 માણસોને તેમાં ભાગ લેવા બદલ મૃત્યુદંડની સજા કરેલી. 1929માં સિહોર મથક ભોપાલ રાજ્યને સોંપી દેવામાં આવ્યું.
ગિરીશભાઈ પંડ્યા