સિસ્લે, આલ્ફ્રેડ (. 1839, પૅરિસ, ફ્રાંસ; . 1899) : બ્રિટિશ પ્રભાવવાદી ચિત્રકાર. પૅરિસ સ્થિત બ્રિટિશ યુગલનું તેઓ સંતાન. 1857માં અઢાર વરસની ઉંમરે સિસ્લે ધંધો-વેપાર શીખવા માટે લંડન ગયા, પરંતુ તેમનું ચિત્ત એ કામમાં ચોંટ્યું જ નહિ. તેઓ લંડનના મ્યુઝિયમોમાં લટાર મારતા રહ્યા અને બ્રિટિશ નિસર્ગ-ચિત્રકારો કૉન્સ્ટેબલ, ટર્નર અને બૉનિન્ગ્ટન ઉપરાંત ડચ નિસર્ગ-ચિત્રકારોનાં ચિત્રો જોતા રહ્યા. 1861માં પૅરિસ પાછા ફરી તેઓ સ્વિસ ચિત્રકાર ચાર્લ્સ ગ્લેઈરેના શાગિર્દ બની ગયા. હમઉમ્ર શિખાઉ ચિત્રકારો ક્લોદ મોને, પિયેરે ઑગુસ્તે રેન્વા અને ફ્રેડરિક બાઝિલ સાથે તેમને દોસ્તી થઈ; જે બધા જ ટૂંક સમય પછી મહાન પ્રભાવવાદી ચિત્રકારો બનેલા.

આલ્ફ્રેડ સિસ્લેનું એક નિસર્ગચિત્ર

બાર્બિઝોં શૈલીના ચિત્રકારો કૂર્બે અને કોરોનો પ્રભાવ કારકિર્દીના પ્રારંભમાં સિસ્લેએ સ્વીકાર્યો અને માત્ર નિસર્ગ-ચિત્રણા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1860થી તેમણે મેરી યુજિન લેસ્કોઝે સાથે રહેવું શરૂ કર્યું, જેની સાથે તેઓ 1868માં પરણ્યા. થોડા જ સમય પછી તેમના પિતાને ધંધામાં મોટી ખોટ ગઈ. તેઓ નાદાર બન્યા, પૈસેટકે ખુવાર થઈ ગયા. યોગક્ષેમ બાબતે પિતા પર આધારિત સિસ્લે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા.

પૅરિસની ચારેય બાજુનાં નિસર્ગશ્યો હંમેશાં સિસ્લેનાં નિસર્ગ-ચિત્રો માટે પ્રેરણા બની રહ્યાં. વળી પૅરિસ નજીકના ફૉન્તેનેબ્લોનાં જંગલો, ઉત્તર ફ્રાંસનો નૉર્મન્ડી જિલ્લો, બ્રિટનની ટેમ્સ નદી, સાઉથ વેલ્સ અને આઇલ ઑવ્ રાઇટના પ્રવાસો પણ તેમની કલા માટે પ્રેરણાદાયી બની રહ્યા. 1874માં અને 1882માં યોજાયેલા પ્રભાવવાદી પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો. 1890માં ફ્રાંસની લલિત કલાઓની સમિતિ સોસાયટી નૅશનાલે દ બ્યુ આર્તેમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા. તેમનાં ચિત્રોમાં કુદરતના ઘટકો પર પ્રકાશ વડે થતી અસરોનાં કામણગારાં આલેખનો નજરે પડે છે.

અમિતાભ મડિયા