સિલ્વર (ભૂસ્તરશાસ્ત્ર) : કુદરતમાં ખનિજ રૂપે મળી આવતું ચાંદીનું મુક્ત સ્વરૂપ. રાસા. બં. : Ag. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ક્યૂબ, ઑક્ટાહેડ્રલ કે ડોડેકાહેડ્રલ સ્વરૂપોમાં મળે; અન્યોન્ય સમાંતર જૂથમાં; લાંબા, જાળાકાર કે પાતળાથી જાડા તાર-સ્વરૂપે પણ મળે. ક્યારેક દળદાર, ક્યારેક જાડા પટ-સ્વરૂપે, આવરણ રૂપે કે ભીંગડાં રૂપે પણ મળે. યુગ્મ સ્વરૂપો (111) ફલક પર, મોટેભાગે આવર્તિત. કઠિનતા : 2.5થી 3. વિ. ઘ. : 10.50. સંભેદ : અભાવ. પ્રભંગ : ખાંચાખૂંચીવાળો, ટિપાઉપણાનો ગુણધર્મ ધરાવે, તારમાં ખેંચી શકાય. રંગ : રજતશ્વેત. ખુલ્લું રહે તો રાખોડી કે કાળું બને. ચમક : ધાત્વિક. દેખાવ : અપારદર્શક.

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે ધાતુખનિજ-નિક્ષેપોના ઑક્સીભૂત વિભાગોમાં મળે. સામાન્ય રીતે તો તે ચાંદીનાં અન્ય ખનિજોના સહયોગમાં હોય; પરંતુ ઉષ્ણજળજન્ય ઉત્પત્તિ દ્વારા મૂળભૂત ખનિજ તરીકે પણ મળે.

પ્રાપ્તિસ્થાનો : દુનિયાભરમાં બહોળા પ્રમાણમાં મળે; વિશેષ કરીને પશ્ચિમ યુ.એસ., કૅનેડા, મૅક્સિકો, બોલિવિયા, ચિલી, ફ્રાન્સ, જર્મની, ચેકોસ્લોવૅકિયા, નૉર્વે, રશિયા, સાર્ડિનિયા અને ઑસ્ટ્રેલિયામાં મળે છે.

ગિરીશભાઈ પંડ્યા