સિલેશિયા : નૈર્ઋત્ય પોલૅન્ડમાં આવેલો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 00´ ઉ. અ. અને 16° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 49,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમાં સુદેતીસ પર્વતો અને ઓડર નદીની ઉપલી ખીણનો સમાવેશ થાય છે.

સમગ્ર વિસ્તાર આશરે 1 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. આ પ્રદેશમાં રોકલૉ (Wroclaw), પોલૅન્ડ, કાટોવિસ, ઝાબરેઝ, કોરઝાઉ, ગ્લિવિસ, બાથટોમ અને ઓપાવા જેવાં મહત્ત્વનાં શહેરો આવેલાં છે. અહીં યંત્રસામગ્રી, ધાતુઓ તેમજ અન્ય પેદાશો મળે છે. લોખંડ અને કોલસો તેની ખાણપેદાશો છે. ખેડૂતો અહીં ધાન્યપાકો, બટાટા અને બીટનું વાવેતર કરે છે.

10મી સદીમાં સિલેશિયા પોલૅન્ડનો જ એક ભાગ હતો. 1526માં ઑસ્ટ્રિયાએ આ વિસ્તાર કબજે કરેલો. 1742માં ઉત્તર તરફનું સિલેશિયા પ્રશિયાએ મેળવી લીધું. સાત વર્ષના ઑસ્ટ્રિયન યુદ્ધ બાદ 1763માં ફરીથી તે ઑસ્ટ્રિયાને મળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ જર્મની, પોલૅન્ડ અને ચેકોસ્લોવેકિયા વચ્ચે તેના ભાગલા પડ્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ, 1945માં ઓડર-નીસ નદીરેખાથી પૂર્વ તરફનું બધું જ જર્મન સિલેશિયા પોલૅન્ડના વહીવટ હેઠળ ગયું, ત્યારે જર્મન-નિવાસીઓને હાંકી કઢાયેલા. આજે સિલેશિયાનો કેટલોક ભાગ પોલૅન્ડમાં તો કેટલોક ભાગ ચેક પ્રજાસત્તાક હેઠળ છે.

ગિરીશભાઈ પંડ્યા