સિલિમેનાઇટ (Sillimanite) : સિલિકેટ ખનિજો પૈકીનું એક. ડૅન્યુબરાઇટ-ટોપાઝ જૂથ(ડૅન્યુબરાઇટ, ટોપાઝ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, કાયનાઇટ)નું ખનિજ. રાસા. બં. : Al2O3.SiO2 (કાયનાઇટ-ઍન્ડેલ્યુસાઇટ સમકક્ષ), ઍલ્યુમિના : 63.2 %, સિલિકા : 36.8. સરખા બંધારણવાળાં આ ત્રણેય ખનિજો પૈકી તે વધુમાં વધુ સ્થાયી હોય છે, ઝડપથી દ્રવિત થતું નથી; પરંતુ 1000° સે.થી વધુ ગરમ થતાં તે મ્યુલાઇટ (3Al2O3.2SiO2) અને સિલિકાના મિશ્રણમાં ફેરવાય છે. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : મોટેભાગે જૂથમાં જોડાઈ રહેલી લાંબી સળીઓ રૂપે, ક્યારેક વિકેન્દ્રિત; લાંબા નાજુક સ્ફટિકો રૂપે પણ મળે, તેનાં પ્રિઝમ સ્વરૂપો રેખાંકનોવાળાં અને ગોળાઈ ધરાવતાં હોઈ શકે. તે રેસામય કે સ્તંભાકાર સળીઓમાં મળતું હોવાથી ફાઇબ્રોલાઇટ નામથી પણ ઓળખાય છે. રંગ : તે શ્વેત, રાખોડી શ્વેત, આછા ઑલિવ લીલા, કેશ જેવા કથ્થાઈ, રાખોડી કથ્થાઈ રંગમાં મળે. સૂક્ષ્મદર્શક હેઠળ ફેરવીને જોતાં તેના છેદ રંગવિકાર, તેજસ્વી વ્યતિકરણ રંગો અને સમાંતર વિલોપના ગુણધર્મો દર્શાવે. દેખાવ : પારદર્શકથી પારભાસક. ક. : 6થી 7. વિ. ઘ. : 3.23થી 3.24. ચમક : કાચમય, રેશમી, ક્યારેક આછી હીરક ચમક પણ હોય. પ્રભંગ : ખરબચડો. પ્રકા. સંજ્ઞા : +ve, સ્પષ્ટ દ્વિવિવર્તનવાળું, 2V = 25° (આશરે), 21°થી 30° વચ્ચે, α = 1.638-1.659, β = 1.642-1.660, γ = 1.653-1.680.
પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે શિસ્ટ, નાઇસ અને ગ્રૅનાઇટ ખડકોમાં. ઍન્ડેલ્યુસાઇટ, કૉર્ડિરાઇટ કે કોરંડમના સંકલનમાં. સિલિમેનાઇટ-નાઇસ કે શિસ્ટ જેવા વિકૃત ખડકો રૂપે મળે. તે જે ખડકમાં હોય, તેને વિકૃત ખડક હોવાની પરખ પૂરી પાડે.
પ્રાપ્તિસ્થાનો : ભારતમાં તે મહારાષ્ટ્ર, મેઘાલય (ખાસી ટેકરીઓ), કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં મળે છે. મ્યાનમાર, શ્રીલંકા, માડાગાસ્કર, મધ્ય યુરોપ (લિસેન્સ આલ્પ્સમાં ટાયરોન ખાતે, મોરેવિયા-ચેકોસ્લોવૅકિયા, બવેરિયા, ફ્રાન્સ, જર્મની), સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, બ્રાઝિલ, યુ.એસ. (દેલાવરે, કનેક્ટિક્ટ, પેન્સિલ્વેનિયા અને ઉત્તર કૅરોલિના) તથા કૅનેડામાં મળે છે.
અમેરિકી વિજ્ઞાની બેંજામિન સિલિમન(1779-1864)ના નામ પરથી આ ખનિજને સિલિમેનાઇટ નામ અપાયેલું છે.
ઉપયોગ : ધાતુશોધન-ઉદ્યોગમાં, સિરેમિક અને કાચ-ઉદ્યોગમાં, અગ્નિરોધક તરીકે, ઑટોમોબાઇલ ઉદ્યોગમાં સ્પાર્કપ્લગ બનાવવા માટે તે ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા