સિલિબમ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની શાકીય પ્રજાતિ. તે યુરોપ, દક્ષિણ રશિયા, એશિયા અને ઉત્તર આફ્રિકાની વતની છે. Silybum marianum Gaertn. (અં. મિલ્ક થીસલ, હોલ્ડી થીસલ, મારીઅન થીસલ, મેરી થીસલ, સેંટ મેરી’સ થીસલ, વાઇલ્ડ આર્ટિચોક; ફ્રેન્ચ : ચાર્ડોન-મેરી; જર્મની : મારીએન્ડીસ્ટર.) ભારતમાં થતી એકમાત્ર જાતિ છે. તે ટટ્ટાર, મજબૂત, એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 30-120 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરમાં 1,800-2,400 મી.ની ઊંચાઈએ થાય છે. તે ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. – તેનું પ્રકાંડ ખાંચોવાળું હોય છે. પર્ણો મોટાં, રંગબેરંગી (mottled) અને કાંટાળાં હોય છે. તેના ઉપર સફેદ ડાઘા હોય છે. જે દુધાળો રસ છે તેના પરથી તેને ‘મિલ્ક થીસલ’ કહે છે. તેનાં ગુલાબી-જાંબલી પુષ્પો મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. મુંડક પણ કાંટાળો હોય છે.
ટૅક્સાસ અને આર્જેન્ટિનામાં તેની મોટે પાયે ખેતી થાય છે. તેને ગરમ આબોહવા અને સારા નિતારવાળી જમીન માફક આવે છે; આમ છતાં તે ગમે તે પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે છે. તેનાં બીજ જુલાઈ-ઑગસ્ટમાં વાવવામાં આવે છે.
સમગ્ર છોડ કમળો અને પૈત્તિક રોગોમાં ઉપયોગી છે. તે સ્તન્યવર્ધક (emmenagogue) છે અને અન્તરાયિક (intermittant) તાવ અને કૅન્સરની ચિકિત્સામાં વપરાય છે.
પર્ણો સ્વેદજનક (sudoribic) અને મૃદુ વિરેચક (aperient) હોય છે. બીજ તીક્ષ્ણ (pungent), શામક (demulcent) અને ઉદ્વેષ્ટરોધી (antispasmodic) ગુણધર્મો ધરાવે છે. તેનો કમળો, યકૃતની ખંડિકાઓ અને પિત્તાશયની ચિકિત્સામાં અને મસામાં ઉપયોગ થાય છે. બીજનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કે અમુક અંશે છોડ પણ નાના આંતરડાની પરિસંકોચન(peristalsis)ની ક્રિયા વધારે છે. બીજ અને તેના તેલનું ગેલેન ઔષધ (galanicals) મંદ રેચક હોય છે.
મૂળનો બાફીને શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કોમળ પર્ણોનું સલાડ બનાવવામાં આવે છે અને પુષ્પો મધુપ્રમેહના દર્દીઓને આપવામાં આવે છે. બીજનો કૉફીની અવેજીમાં ઉપયોગ થાય છે.
ઢોરોને આ છોડ ચારા તરીકે આપવામાં આવે છે. તે કૅલ્શિયમ સારા એવા પ્રમાણમાં ધરાવે છે. જોકે તે ઢોરો માટે ઝેરી હોય છે. ઘેટા માટે તે ઓછો ઝેરી હોય છે. વિષાળુતાનું કારણ નાઇટ્રેટની વધારે પડતી સાંદ્રતા છે. નાઇટ્રેટથી તીવ્ર જઠરાંત્રીય શોથ (gastroenteritis) થાય છે. જોકે વિષાળતાનું કારણ પ્રાણીઓના પ્રથમ આમાશય(rumen)માં નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં થતું રૂપાંતર છે.
બીજમાંથી મળી આવતું સિલિમારિન (સિલિબિન, એનહાઇડ્રાઇડ, ગલનબિંદુ 180°) એક ફ્લેવોનૉઇડ છે. તે 0.7 %ના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને ઔષધનું યકૃતવિષરોધી (antihepatotoxic) ઘટક છે. સિલિમારિન આલ્કોહૉલ, ઍસિટેમિનોફેનની અતિશય માત્રા અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા ઝેરોથી યકૃતના બાહ્ય પટલને રક્ષે છે. તે Amanita phalloides(ડેથકેપ મશરૂમ)ની ઝેરી અસરોને અવરોધે છે. આ મશરૂમથી એક જ દિવસમાં દર્દી મૃત્યુ પામી શકે છે. સિલિમારિન પ્રતિઉપચાયક (antioxidant) છે અને સોજો લાવતાં ઉત્સેચકોને અવરોધે છે. તે યકૃતકોષોના પુનર્નિર્માણમાં મદદ કરે છે. તે યકૃતકોષોમાં પટલનાં લિપિડનું પૅરૉક્સિડેશન અને કોષોમાં ગ્લુટાથાયૉનનો ઘટાડો અટકાવે છે. ગ્લુટાથાયૉન શરીરનું અત્યંત મહત્ત્વનું આંતરકોષીય પ્રતિઉપચાયક છે. સિલિમારિન લ્યુકોટ્રાઇનનું ઉત્પાદન પણ અવરોધે છે અને માસ્ટકોષો અને યકૃતના બૃહત ભક્ષકકોષોને સ્થિર કરે છે. લ્યુકોટ્રાઇન સોજો ઉત્પન્ન કરતું નુકસાનકારક રસાયણ છે. માસ્ટકોષો અને બૃહત ભક્ષકકોષો પણ સોજો ઉત્પન્ન કરે છે. સોજો મોટેભાગે પેશીઓને ઈજાગ્રસ્ત કરે છે. સોજાની ગેરહાજરીમાં યકૃતકોષો વધારે ક્ષમતાથી કાર્ય કરે છે. સિલિમારિન યકૃતકોષોનું પ્રોટીન બનાવે છે; જેથી નવા કોષો ઉત્પન્ન થઈ જૂના કોષોનું સ્થાન લે છે. આ રીતે ઝેરી મશરૂમની અસરથી દર્દીને રક્ષણ મળે છે.
પિત્તરસનો સ્રાવ વધારવા, યકૃતના ટૉનિક તરીકે, મૂત્રપિંડનાં દર્દો અને તેની બળતરા માટે, સોજો મટાડવામાં, આંતરડાં માટે મંદ જુલાબ તરીકે અને આલ્કોહૉલથી થતા સોરાયસિસ માટે આ છોડનો ઉપયોગ કરવામાં આવે છે. તે પથરી, જઠર અને પાચનના રોગોમાં પણ વપરાય છે. યકૃતના ઉત્સેચક CyP3A4નું ચયાપચય કરતું હોય તેવું ઔષધ દર્દી લેતો હોય તો આ ઔષધ લેવું નહિ.
જો આ ઔષધ અધિક માત્રામાં લેવાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, ગળામાં સોજો આવવો કે બેસી જવું, હોઠ ઉપર સોજો આવવો, ચહેરો ફૂલી જવો અથવા ઍલર્જી વગેરે થઈ શકે છે. આવું થાય ત્યારે ચિકિત્સકની સલાહ લેવી.
સિલિમારિન દીર્ઘકાલીન યકૃતના રોગમાં ઉપયોગી છે. માનસિક અવસ્થા પર અસર કરતા ઔષધ ઉપર રહેલા દર્દીઓના યકૃતના ઉત્સેચકો આ ચિકિત્સાથી સામાન્ય બને છે. ઘાતક વાઇરલ હિપેટાઇટિસના દર્દીઓને સિલિમારિનની ચિકિત્સાથી લાભ થાય છે.
યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની
બળદેવભાઈ પટેલ