સિલિકા વર્ગ : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતાં ખનિજોનો વર્ગ. આ વર્ગમાં મળતાં બધાં જ ખનિજોનું રાસાયણિક બંધારણ SiO2 હોવા છતાં તેમનાં વિવિધ સ્વરૂપોનું સંરચનાત્મક માળખું તેમજ તેમના ગુણધર્મો સિલિકેટ વર્ગનાં ખનિજો સાથે ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે. સિલિકા વર્ગનાં ખનિજોનું અણુમાળખું SiO4 ચતુષ્ફલકોની ત્રણ આયામની ગોઠવણીવાળું હોય છે, જેમાં પ્રત્યેક ચતુષ્ફલકના ચાર ઑક્સિજન-અણુઓ આજુબાજુના ચતુષ્ફલકોની સાથે રહીને ગોઠવણીમાં ભાગ લે છે; જોકે આ ગોઠવણી કુદરતી કાચના સિલિકાને લાગુ પડતી નથી. કુદરતમાં સિલિકા ક્વાર્ટઝ, ટ્રિડીમાઇટ અને ક્રિસ્ટોબેલાઇટ જેવાં ત્રણ સ્ફટિક સ્વરૂપોમાં, ઉચ્ચ દાબ હેઠળ બનેલા ઘણા પ્રકારોમાં (વિશેષે કરીને કોએસાઇટ), કૅલ્શિડોની જેવા સૂક્ષ્મ સ્ફટિકમય પ્રકારમાં તથા ઓપેલ જેવા અસ્ફટિકમય પ્રકારમાં મળે છે.

ક્વાર્ટઝ : સિલિકા વર્ગનાં બધાં જ ખનિજોમાં ક્વાર્ટઝ એ કુદરતમાં મળતું સર્વસામાન્ય ખનિજ છે. તે α (આલ્ફા) ક્વાર્ટઝ અને β (બીટા) ક્વાર્ટઝ જેવાં નીચા અને ઊંચા તાપમાને તૈયાર થતાં બે જુદાં જુદાં સ્વરૂપોમાં મળે છે. α ક્વાર્ટઝ 573° સે. તાપમાન સુધી સ્થાયી રહે છે. સામાન્ય રીતે તો તે બધા જ સંતૃપ્ત ખડકોમાં અને ખનિજ-શિરાઓમાં જોવા મળે છે. સ્ફટિકવિદ્યાની દૃષ્ટિએ તે ટ્રાઇગોનલ ટ્રૅપેઝોહેડ્રલ સમમિતિ પ્રકારમાં સ્ફટિકીકરણ પામે છે. ટ્રાઇગોનલ ટ્રૅપેઝોહેડ્રલ તેનું સૂચક સ્ફટિક-સ્વરૂપ ગણાય છે; ડાબી કે જમણી બાજુએ મળતી તેની સ્થિતિ મુજબ જે તે સ્ફટિકોને વામવર્તી કે દક્ષિણવર્તી સ્ફટિક રૂપે જુદા પાડી શકાય છે. 573° સે. તાપમાને α ક્વાર્ટઝ β ક્વાર્ટઝમાં ફેરવાય છે,  ક્વાર્ટઝ હેક્ઝાગોનલ ટ્રૅપેઝોહેડ્રલ સમમિતિ પ્રકારમાં મુકાય છે. β ક્વાર્ટઝમાં સર્વસામાન્ય રીતે મળતા પ્રિઝમફલકો β-ક્વાર્ટઝમાં હોતા નથી. કુદરતમાં જોવા મળતા મોટાભાગના  ક્વાર્ટઝની પ્રાપ્તિસ્થિતિ α ક્વાર્ટઝના પરરૂપ સ્વરૂપ(pseudomorph)માં મળે છે. β ક્વાર્ટઝ મોટેભાગે તો ઍસિડ બહિર્ભૂત ખડકોમાં રહેલો હોય છે, તેમાં તે મિતસ્થાયી (metastable) સ્થિતિમાં રહેલો હોવાનું કહેવાય છે.

ક્વાર્ટઝમાં રહેલો સંભેદનો અભાવ એ તેનું વિશિષ્ટ લક્ષણ છે; પરંતુ તે સુવિકસિત વલયાકાર પ્રભંગ (ભંગસપાટી) ધરાવે છે. તેની કઠિનતા 7 છે. તે ઘણા જુદા જુદા રંગોમાં મળે છે : ઍમિથિસ્ટ જામલી કે પર્પલ, કૈનગૉર્મ કથ્થાઈ, સિટ્રિન પીળો, રોઝ ક્વાર્ટઝ ગુલાબી, દૂધિયો ક્વાર્ટઝ મોતી જેવા સફેદ રંગવાળો તથા રૉક ક્રિસ્ટલ પારદર્શક, નિર્મલ હોય છે.

રેતી-સ્વરૂપે મળતું સિલિકા કાચની બનાવટમાં, ઘર્ષક તરીકે તથા કૅંક્રીટમાં એક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. દૃગ્-કાચ, પ્રિઝમ વગેરેની બનાવટમાં પ્રકાશીય ગુણધર્મ ધરાવતી શુદ્ધ, નિર્મળ, પારદર્શક જાત વપરાય છે. – કેટલીક રંગીન જાતો યોગ્ય આકારોમાં કાપીને, પાસા પાડીને અર્ધકીમતી ઉપરત્ન તરીકે ઉપયોગી બની રહે છે. ક્વાર્ટઝને પાતળી પતરીઓમાં કાપીને વીજાણુ-સાધનોમાં આંદોલકો (oscillators) તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

ટ્રિડીમાઇટ : 870° સે.થી ઉપરના તાપમાને બીટા ક્વાર્ટઝ ટ્રિડીમાઇટમાં રૂપાંતર પામે છે, જે સંભવત: હેક્ઝાગોનલ હોલોહેડ્રલ સમમિતિ પ્રકાર ધરાવે છે. આ ખનિજ માત્ર ઍસિડ બહિર્ભૂત ખડકોમાં જ મળે છે, જેમાં તેની સ્થિતિ metastable હોય છે. બીજી ઘણી જગાએ તે ટ્રિડીમાઇટ ઉપર ક્વાર્ટઝના પરરૂપ સ્વરૂપે જોવા મળે છે.

ક્રિસ્ટોબેલાઇટ : 1470° સે. જેટલા તાપમાને ટ્રિડીમાઇટ ક્રિસ્ટોબેલાઇટમાં રૂપાંતર પામે છે. તે ક્યૂબિક વર્ગમાં આવે છે. તે સંભવત: ટ્રિડીમાઇટ કરતાં પણ વિરલ છે અને ટ્રિડીમાઇટના જેવા જ સંજોગો હેઠળ મળે છે.

કોએસાઇટ : સિલિકાનું અનેકરૂપતા ધરાવતું મૉનોક્લિનિક ખનિજ. તે 20 કિલોબાર જેટલા ઊંચા દાબના સંજોગો હેઠળ વિકસે છે. પ્રયોગશાળામાં તે બનાવી શકાતું હોવા છતાં મોટા કદની ઉલ્કાઓના આઘાતથી ઉદભવતા ગર્તમાં ક્વાર્ટઝધારક (quartoze) ખડકોમાં મળે છે.

કૅલ્શિડોની : સિલિકાની અતિસૂક્ષ્મ સ્ફટિકમય જાત. તે મુખ્યત્વે તો તંતુમય કે અતિસૂક્ષ્મ ક્વાર્ટઝ, અમુક પ્રમાણમાં ઓપેલ તથા જલયુક્ત હોય છે. કુદરતમાં તેની ઘણી જાતો મળે છે. પટ્ટાદાર જાતો અકીક, ઓનિક્સ અને સાર્ડોનિક્સ, રતાશ પડતી કે કથ્થાઈ રંગની જાતો સાર્ડ કે કાર્નેલિયન, જ્યારે લીલા રંગની જાતો પ્રેઝ કે ક્રાયસોપ્રેઝ નામથી ઓળખાય છે. જાસ્પર એ લાલ રંગની ચર્ટ જેવી જાત છે. કૅલ્શિડોની એ સામાન્ય રીતે નીચા તાપમાને તૈયાર થતું સિલિકા દ્રવ્ય ગણાય છે, તે મુખ્યત્વે તો નિક્ષેપોમાં, નીચા તાપમાને ઉદભવેલી ઉષ્ણજળજન્ય શિરાઓમાં તેમજ બદામાકાર પૂરણી રૂપે મળે છે. કૅલ્શિડોનીની ઘણી જાતો અર્ધ-કીમતી રત્નપાષાણ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ઓપેલ : સિલિકાનો જલયુક્ત અસ્ફટિકમય પ્રકાર. બંધારણ : SiO2.nH2O. તે સંભવત: સિલિકા જેલમાંથી તૈયાર થાય છે. તેમાં કૅલ્શિડોની કરતાં વધુ જલમાત્રા હોય છે અને ક્વાર્ટઝ કરતાં વધુ મૃદુ હોય છે. મુખ્યત્વે તે સ્રાવ પામતા ભૂગર્ભજળની ક્રિયા દ્વારા બનતા પરિણામી નિક્ષેપો તરીકે મળે છે, કેટલાંક દ્રવ્ય ઉપર તે આચ્છાદન તરીકે જામેલું હોય છે. ગરમ પાણીના ઝરાઓમાં જે સિલિકા જમાવટ પામે છે તે ઓપેલના લક્ષણવાળું હોય છે. તેને સિલિકાયુક્ત સિન્ટર અને ગૅસેરાઇટ કહે છે. એ જ રીતે વાદળીઓ, રેડિયોલેરિયા અને ડાયેટમ ઓપેલયુક્ત કવચનો સ્રાવ કરે છે. કીમતી ઓપેલ અનેકરંગિતાનો ગુણધર્મ ધરાવતું હોવાથી જાણીતું ઉપરત્ન બની રહે છે. લગભગ સંપૂર્ણપણે ડાયેટમ કવચથી બનેલો ડાયેટમાઇટ (કિસલઘર) નામનો ખડક અવાહક કે ઘર્ષક કે ગાળણ દ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા