સિલિકાયુક્ત નિક્ષેપો

January, 2008

સિલિકાયુક્ત નિક્ષેપો : સિલિકાનું બંધારણ ધરાવતા નિક્ષેપો. આ પ્રકારના નિક્ષેપો સ્પષ્ટપણે અલગ પડતી બે પ્રકારની દ્રાવણની ક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે છે : 1. રાસાયણિક પ્રક્રિયા અને 2. કાર્બનિક પ્રક્રિયા.

1. રાસાયણિક ઉત્પત્તિ ધરાવતા સિલિકાયુક્ત નિક્ષેપો : ક્વાર્ટઝ (SiO2) તદ્દન અદ્રાવ્ય છે; પરંતુ સિલિકાનાં કેટલાંક સ્વરૂપો કુદરતમાં મળતાં અલ્કલીય જળમાં ઠીક ઠીક પ્રમાણમાં દ્રવીભૂત થઈ શકતાં હોય છે; તેમ છતાં, બધા જ પ્રકારનું સિલિકા મોટેભાગે કલિલ સ્વરૂપે વહન પામે છે.

(i) સિલિકાયુક્ત સિન્ટર : જ્વાળામુખી પ્રદેશોમાં, ક્યારેક ગરમ પાણીના ઝરા, પોતાની સાથે સિલિકાને પણ ઉપર તરફ ખેંચી લાવે છે અને જ્યાં ફૂટી નીકળતા હોય તે મુખભાગોની આજુબાજુ પ્રસરણ પામી નાના નાના ઢગ કે પટ સ્વરૂપે પથરાય છે. આ પ્રકારના દ્રવ્યમાં સૂક્ષ્મ સ્ફટિકમય (ઓપલ રૂપે) સિલિકા રહેલું હોય છે.

(ii) ચર્ટ અને ચકમક : આ દ્રવ્ય અનિયમિત ગાંઠ(ગઠ્ઠા)-સ્વરૂપે કે પટ આકાર જથ્થામાં મળે છે. તે ઝીણા સ્ફટિકકણો કે સૂક્ષ્મ સ્ફટિકમય સિલિકાથી બનેલાં હોય છે. ચર્ટ મોટેભાગે તો દરિયાઈ જળમાંથી સીધેસીધાં જમા થતાં હોય છે. કાર્બોનેટ ખડકો સાથે તેમનું ઘનિષ્ઠ સંકલન હોય છે અને આંતરસ્તરો રૂપે તે જોવા મળે છે.

2. કાર્બનિક ઉત્પત્તિ ધરાવતા સિલિકાયુક્ત નિક્ષેપો : આ પ્રકારના નિક્ષેપો જીવાણુઓ દ્વારા સીધેસીધા અવક્ષેપથી પરિણમે છે. જીવાણુઓ (સૂક્ષ્મજીવો) જળમાંથી સિલિકાને શોષે છે અને નિક્ષેપો રચવામાં ફાળો આપે છે. રેડિયોલેરિયન, ડાયઍટમ, લીલ, વાદળી જેવા જીવાણુઓ સિલિકાની જમાવટમાં સામેલ હોય છે.

(i) રેડિયોલેરિયન સ્યંદનો : સ્યંદનોનું આ સ્વરૂપ મૂળભૂત રીતે તો એકકોષી પ્રાણીઓના સમૂહનું પરિણામ છે, તે સિલિકાનાં માળખાં રચે છે. આ માળખાં તેમની અદ્રાવ્યતાને કારણે ઊંડા જળમાં ડૂબતાં જઈ છેવટે રેડિયોલેરિયન સ્યંદન રૂપે જામે છે. અગાધ જળમાં મળતી રાતી મૃદ સાથે રેડિયોલેરિયન સ્યંદનોનું ઘનિષ્ઠ સંકલન હોય છે.

(ii) ડાયઍટમ : આ એક સૂક્ષ્મ વનસ્પતિ છે, તે સિલિકાના બંધારણવાળા, ઝીણા, સુશોભનવાળા ગોલક-સ્વરૂપના અને તક્તી-સ્વરૂપના દ્રવ્યનો સ્રાવ કરે છે. છેવટે તે મૃત પામે ત્યારે સિલિકાયુક્ત નિક્ષેપ રૂપે જામે છે.

ગિરીશભાઈ પંડ્યા