સિરોહી : રાજસ્થાનના નૈર્ઋત્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 20´થી 25° 17´ ઉ. અ. અને 72° 16´થી 73° 10´ પૂ. રે. વચ્ચેનો 5,136 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના ઈશાનમાં પાલી, પૂર્વમાં ઉદેપુર, દક્ષિણમાં બનાસકાંઠા (ગુજરાત) તથા પશ્ચિમ અને વાયવ્યમાં જાલોર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સિરોહી જિલ્લાના મધ્ય ભાગમાં આવેલું છે.
સિરોહી
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ અનિયમિત ત્રિકોણ આકારનું છે. જિલ્લાનો ઘણોખરો ભૂમિભાગ અર્ધશુષ્ક ભૌગોલિક સંજોગો ધરાવે છે. તેમાં છૂટીછવાઈ ટેકરીઓ તેમજ થરના રણની પૂર્વધાર રચતી ટેકરીઓની શ્રેણી જોવા મળે છે. જિલ્લાનો પૂર્વભાગ અરવલ્લી હારમાળાથી ઘેરાયેલો છે. આબુ-સિરોહી હારમાળા જિલ્લાને પૂર્વ-પશ્ચિમના બે વિભાગોમાં વહેંચી નાખે છે. પશ્ચિમ તરફ અરવલ્લી હારમાળા છૂટીછવાઈ ટેકરીઓના રૂપમાં ચાર ફાંટાઓમાં વિભાજિત બની જાય છે. સિરોહી, શિવગંજ અને રેવધર તાલુકાઓમાં 583 મી., 639 મી., 665 મી., 683 મી., 695 મી., 696 મી., 721 મી., 999 મી. અને 1090 મી.ની ઊંચાઈ ધરાવતાં શિખરો આવેલાં છે. માઉન્ટ આબુનું ગુરુશિખર અહીંનું સર્વોચ્ચ સ્થળ છે, તેની ઊંચાઈ 1,722 મીટર જેટલી છે. હિમાલય અને નીલગિરિ વચ્ચેનું આ એકમાત્ર ઊંચામાં ઊંચું સ્થળ છે. આબુથી પૂર્વમાં બનાસ નદીની ખીણને વીંધતો ઉગ્ર ઢોળાવવાળી નીચી ટેકરીઓથી બનેલો ભાખર નામનો પ્રદેશ આવેલો છે.
ખનિજસંપત્તિ : આ જિલ્લામાં ચૂનાખડકના જથ્થાઓ ઉપરાંત કૅલ્સાઇટ, વૉલેસ્ટોનાઇટ, તાંબા-સીસા-જસતનાં ખનિજો, આરસપહાણ, ઍમ્ફિબૉલ-ઍસ્બેસ્ટૉસ અને શંખજીરું મળે છે. ધનવાવ, મોરથલા, કીવરલી, માવલ અને આકરા-પાડૂરીમાં ચૂનાખડકો, તેમજ ઉપલા ખીજરામાં વૉલેસ્ટોનાઇટ-કૅલ્શાઇટનાં ખનિજો મળે છે.
પ્રાણી–વનસ્પતિ : માઉન્ટ આબુ ખાતે આખેટ પક્ષી-અભયારણ્ય છે. ત્યાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવાની તથા તેમને પકડવા જાળ નાખવાની મનાઈ છે. પક્ષીઓ નિહાળવા મંચ તૈયાર કરવામાં આવેલો છે. સરકાર તરફથી પક્ષીઓને રક્ષણ અપાયું છે.
જિલ્લાની આશરે 1,42,000 હેક્ટર ભૂમિમાં જંગલો આવેલાં છે. જંગલનો મોટો ભાગ વૃક્ષો અને ઝાડી-ઝાંખરાંથી છવાયેલો છે. અહીંનાં મુખ્ય વૃક્ષો તેમજ ઝાડીઝાંખરાંમાં લીમડો, પીપળો, ઊમરો, શિરીષ, ખીજડો, રોહિડો, જાંબુડો, બાવળ, ખેર, વડ, ખાખરો, કેરડો (કેર), વાંસ, આવળ, બોર, થોર, પીલુ અને ધવનો સમાવેશ થાય છે. આખાય રાજ્યમાં આબુ જ માત્ર એક એવો વિસ્તાર છે જ્યાં વનસ્પતિનું પ્રમાણ વધુ છે.
જળપરિવાહ : બનાસ અને જવાઈ અહીંની મુખ્ય નદીઓ છે. બનાસ નદી આબુ-સિરોહી હારમાળાના ભાગમાં આબુરોડ અને પિંડવારા તાલુકાઓમાંથી વહે છે. જવાઈ અહીંની મોટી અને લાંબી નદી છે, તે આગળ જતાં લૂણી નદીને મળે છે. તે પાલી અને સિરોહી જિલ્લાનાં ગામો વચ્ચે સરહદ રચે છે. આ ઉપરાંત ખારી, સુકરી, બોડી (કાચમાવલી), કપાલગંગા અને કૃષ્ણાવતી જેવી નાની નદીઓ પણ છે. જિલ્લામાં કુદરતી સરોવરો તો નથી; પરંતુ જળાશયો અને તળાવો જોવા મળે છે. માઉન્ટ આબુની તળેટીમાં ચંદેલા જળાશય આબુરોડથી પશ્ચિમે 12 કિમી. દૂર આવેલું છે. આ સિવાય જ્યુબિલી, સિવેરા, અખિલાવ, માનસરોવર, લાખેરાવ, અબોટ અને વિસોલા તળાવો અગત્યનાં છે.
ખેતી : જિલ્લામાં ખરીફ અને રવી પાકો લેવાય છે. ઘઉં, મકાઈ, જવ, જુવાર, બાજરી, ચણા તેમજ અન્ય કઠોળ અહીંના મુખ્ય કૃષિપાકો છે. રાઈ અને સરસવ, મગફળી, મરચાં, કપાસ અને શેરડી પણ લેવાય છે. ખેતી માટેનું પાણી કૂવાઓમાંથી અપાય છે.
પશુપાલન : ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ઊંટ અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. જિલ્લાના કેટલાક લોકોનો જીવનનિર્વાહ પશુપાલન અને ખેતી પેદાશો પર નિર્ભર રહે છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં કાચો માલ અને વીજ-પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી, મોટા પાયા પરના ઉદ્યોગો વિકસી શક્યા નથી. અધિકૃત કારખાનાંઓમાં વાકન પ્રા. લિ. (સિરોહી), મહાવીર ટેક્સટાઇલ મિલ્સ લિ. અને મધુ ટેક્સટાઇલ મિલ્સ લિ. (પિંડવારા), સિરોહી અને આબુરોડ ખાતેની રાજસ્થાન સ્ટેટ રોડવેઝ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન વર્કશૉપ, શિવગંજ ખાતેનો સિંઘવી ઉદ્યોગ, કૉટન જિનિંગ ઍન્ડ વિવિંગ-પ્રિન્ટિંગ વર્કસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો માલસામાન, દવાઓ, સિમેન્ટની પેદાશો વગેરે પણ બનાવાય છે. આબુરોડ તાલુકાના સંતપુર ગામમાં તિરુપતિ ફાઇબર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. સ્થપાયું છે.
કુટિર-ઉદ્યોગોમાં સિરોહી, આબુરોડ, પિંડવારા અને શિવગંજ ખાતે હાથસાળ, ચામડાં કમાવાના, પગરખાં, માટીનાં વાસણો, નીરો અને તાડ-ગોળના તથા મધમાખીઓના ઉછેરના એકમોનો સમાવેશ થાય છે.
વેપાર : આ જિલ્લામાં સિરોહી, આબુરોડ, શિવગંજ અને સ્વરૂપગંજ ખાતે ચાર મંડીઓ છે. તેમાં જથ્થાબંધ માલની લે-વેચ થાય છે. નજીકનાં ગામડાંઓમાંથી ગાડાં મારફતે [ખાદ્યાન્ન-કઠોળ વગેરે] માલસામાન આવે છે. છૂટક બજારો તાલુકામથકોમાં તેમજ રોહિડા, કીવરલી, અનાદ્રા, મંદાર, જાવલ અને કાલિન્દ્રી ખાતે આવેલાં છે.
અહીંથી ઘેટાં-બકરાં, કાચાં-પકવેલાં ચામડાં, મધ, ગુંદર, આવળ-છાલ, તેલીબિયાં, ઘી, કોલસો, વાંસ અને તલવારોની અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ખાનપુર ખાતે નિકાસ તથા કાપડ, હોઝિયરી, અનાજ, મીઠું, ખાંડ, મસાલા, પેટ્રોલ, કેરોસીન, સિમેન્ટ, કટલરી, ક્રૉકરી, તમાકુ, યંત્રો-યંત્રસામગ્રી, બાંધકામ-સામગ્રી, દવાઓ, દીવાસળી તથા લોખંડ-પોલાદ અને ધાતુઓની અમદાવાદ, મહેસાણા, મુંબઈ, પુણે, બથિંડા, ફિરોજપુર, રેવાડી, અજમેર, બિયાવર અને પચપદ્ર ખાતેથી આયાત થાય છે.
પરિવહન : આ જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી; પરંતુ રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો અને ગ્રામમાર્ગો પસાર થાય છે. અહીં કુલ 881 કિમી. લંબાઈના માર્ગો છે. જિલ્લામાંથી મીટરગેજ રેલમાર્ગ જાય છે. તેના પર 11 રેલમથકો આવેલાં છે. જિલ્લામાં હવાઈ મથકની સગવડ નથી.
પ્રવાસન : માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર ઉનાળુ વિહારધામ છે. માઉન્ટ આબુનાં જોવાલાયક સ્થળોમાં નખી સરોવર, સફેદ આરસથી બનાવાયેલાં ભવ્ય કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં, 11મી અને 13મી સદીનાં વસ્તુપાલ અને તેજપાલનાં દેરાં, અચલગઢ, ગુરુશિખર, ગૌમુખ, નન રૉક, ટોડ રૉક, સનસેટ પૉઇન્ટ અને અર્બુદા દેવી મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ જિલ્લામાં અજારી મહાદેવનું મંદિર, સિરોહીરોડથી પશ્ચિમે સારણવા ટેકરી નજીકનાં દેરાસરીનાં ચૌદ જૈન મંદિરો પણ જાણીતાં છે.
સિરોહીરોડથી સિરોહી નગર વચ્ચે આવેલા પિંડવારા તાલુકાના રોહિડા ગામની નજીકમાં પુરાતત્ત્વની દૃષ્ટિએ મહત્ત્વનાં ગણાતાં ઠાકોરજી (વિષ્ણુ), મહાદેવ અને લક્ષ્મીનારાયણનાં ત્રણ મંદિરો આવેલાં છે. આ જ તાલુકાના વાસા ગામમાં 11મી કે 12મી સદીનું સૂર્યદેવનું મંદિર આવેલું છે. વાસા ગામમાં લિંગમનું મંદિર છે, તેના દ્વાર પર તીર્થંકરની મૂર્તિ છે. વાસા ગામથી ઉત્તર તરફ આશરે 3 કિમી.ને અંતરે ‘જમદગ્નિ’ તીર્થ આવેલું છે; કહેવાય છે કે જમદગ્નિ ઋષિનો આશ્રમ અહીં હતો. આ ઉપરાંત જિલ્લામાં ઝાડોલી (શિવગંજ તાલુકો) અને જિરાવલ(રેવધર તાલુકો)માં જૈનમંદિરો, જૂના શહેર ચંદ્રાવતીનાં ખંડિયેરો, સિરોહી નગરથી અગ્નિકોણમાં આશરે 38 કિમી.ને અંતરે કરોડી ધ્વજનું મંદિર, શિવગંજ તાલુકાના કોલરનું અંબેશ્વરનું શિવમંદિર તથા ઉજાણીસ્થળ, સિરોહી નજીક ટેકરીઓમાં માતરમાતનું રમણીય સ્થળ, નાની નદીઓ, ઊંચાં વૃક્ષો, પિંડવારાનું પ્રાચીન સૂર્યમંદિર, સારણેશ્વર ખાતેનું સારણેશ્વરનું મંદિર, પિંડવારા તાલુકાના વસંતગઢનો જૂનો કિલ્લો, તેમજ કિલ્લાની પશ્ચિમે ખિમલમાતાનું મંદિર, વ્યાસતીર્થ, નાગતીર્થ, હનુમાન આશ્રમ, લખચોરાશી, હનુમાન આશ્રમ, કુંભાસ્વામી મંદિર, ખેતીકુંડ, મૃગ-આશ્રમ, સત્સંગ-આશ્રમ અને કુંવારી કન્યાનું સ્થળ આવેલાં છે.
જિલ્લામાં વારતહેવારે મેળા અને ઉત્સવો યોજાય છે. તેમાં ગૌતમજી, સારણેશ્વર મહાદેવ, શીતળા માતા તથા હૃષીકેશ મહાદેવના મેળા વિશેષ જાણીતા છે.
વસ્તી : 2001 પ્રમાણે આ જિલ્લાની વસ્તી 8,50,756 જેટલી છે. જિલ્લામાં સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 80 %થી 20 % જેટલું છે. હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે જૈન, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોનું પ્રમાણ ઓછું છે. સાક્ષરતાનું પ્રમાણ 25 % જેટલું છે. જિલ્લામાં બધી કક્ષાઓની શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 437 જેટલી છે. તે પૈકી 4 કૉલેજો, 32 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 71 માધ્યમિક શાળાઓ, 1 વ્યાવસાયિક શાળા અને 329 પ્રાથમિક શાળાઓ છે. જિલ્લામાં બે સરકારી હૉસ્પિટલો, 1 દવાખાનું તથા શહેરી વિસ્તારોમાં 7 ચિકિત્સાકેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓમાં અને 5 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 6 નગરો અને 461 (15 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : જૂના વખતમાં સિરોહી જિલ્લાનો વિસ્તાર મરુભૂમિ હતો. પૌરાણિક પરંપરા મુજબ તે અર્બુદ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારનું પાટનગર ચંદ્રાવતી તો ઘણા વખત પછી બન્યું. પરમારોના શાસનકાળ દરમિયાન તે ‘અષ્ટધાશતી દેશ’ કહેવાતો હતો. આ પ્રદેશમાં તે વખતે 1800 જેટલાં ગામડાં હતાં.
1405માં ચૌહાણોના દેવરા વંશના રાવ શોભાજીએ આજે જ્યાં સિરોહી છે, ત્યાં નગરનું નિર્માણ કરાવેલું. રાવ શોભાજીના પુત્ર રાવ સેનમલે સારણવા ટેકરીઓના પશ્ચિમ ઢોળાવ પર વધુ સારું નગર બંધાવ્યું અને તેને સિરોહી નામ આપ્યું. તે પછીથી તો દેવરાઓના હસ્તકનો બધો પ્રદેશ સિરોહી તરીકે ઓળખાતો થયો. 1947માં જ્યારે તે રાજસ્થાન રાજ્યમાં ભળ્યું ત્યારે પણ તેનો આખોય પ્રદેશ સિરોહી નામથી ઓળખાતો હતો. 1948ના માર્ચમાં, રજપૂતાના એજન્સીમાંથી સિરોહીને છૂટું પાડીને પશ્ચિમ ભારતનાં રાજ્યોની એજન્સીમાં મૂક્યું. 1948ના નવેમ્બરમાં કેન્દ્ર સરકાર વતી મુંબઈ સરકારે તેનો વહીવટ સંભાળ્યો. 1950ના જાન્યુઆરીની 25મીએ તત્કાલીન સિરોહી રાજ્યને વિભાજિત કરીને, આબુરોડ તાલુકો અને દેલવાડા તાલુકાનો કેટલોક ભાગ ભેગો કરીને મુંબઈ હેઠળ રાખ્યો, બાકીનો ભાગ રાજસ્થાનમાં મૂક્યો. ત્યારપછીથી આબુરોડ વિભાગ નવા રચાયેલા બનાસકાંઠામાં મૂક્યો. અગાઉનું સિરોહી રાજ્ય હવે છ તાલુકાઓમાં વહેંચાયું – આબુરોડ, દેલવાડા, પિંડવારા, રેવધર, શિવગંજ અને સિરોહી. 1950માં જ્યારે તેને રાજસ્થાનમાં ભેળવ્યું ત્યારે તેના પાંચ તાલુકા બનાવ્યા. 1951-61 દરમિયાન આંતરરાજ્ય ફેરફારો થયા. આબુરોડ તાલુકાને બનાસકાંઠામાંથી ફેરવીને સિરોહી જિલ્લામાં ગોઠવ્યો.
જિલ્લાનું ‘સિરોહી’ નામ જિલ્લામથક સિરોહી નગર પરથી પાડવામાં આવેલું છે. સિરોહી નગરનું નામ તે સારણવા ટેકરીના પશ્ચિમ ઢોળાવ પર વસેલું છે તે પરથી પડેલું છે. ઇતિહાસકાર ટોડના જણાવવા મુજબ ‘સિરોહી’ નામ તે રણ(રોહી)ના છેડાના મથાળે (શિર પર) વસેલું હોવાથી પડેલું છે. વળી એમ પણ કહેવાય છે કે આ સ્થળનું મૂળ નામ ‘શિવપુરી’ હતું, તેના પરથી અપભ્રંશ થઈને ‘સિરોહી’ થયું હોય. આજનું રાજસ્થાન રજપુતાના હતું ત્યારે સિરોહીની તલવારો વખણાતી; સિરોહીનો અર્થ તલવાર પણ થાય છે, તેથી અહીંની એક લોકવાયકા એવી પણ છે કે અહીંના બહાદુર દેવરા ચૌહાણો તલવારબાજીમાં કુશળ હતા તેથી પણ આ નામ પડ્યું હોય !
ગિરીશભાઈ પંડ્યા