સિરાનો દ બર્ગરેક (જ. 1619, પૅરિસ; અ. 1655) : ફ્રેંચ સૈનિક, કટાક્ષલેખક અને નાટ્યકાર. તેમનું જીવન ઘણી રોમાંચક દંતકથાઓનો સ્રોત બની ગયેલું. એડમન્ડ રોસ્ટાન્દ (1868-1918) નામના ફ્રેંચ નાટ્યકારે પણ તે નામનું પદ્યનાટક રચેલું (1897, અં. અનુ. 1937). બર્ગરેકની સાહસિક યાત્રાઓ અંગેની બે કૃતિઓ તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી : ‘વૉયેજ ડેન્સ લા લ્યુને’ (1657) અને ‘લ હિસ્ટરી ડેસ એટાર્સ ઍટ એમ્પાયર્સ ડુ સોલેઇલ’ (1662). આર્થર સી. ક્લાર્કને મતે અવકાશમાં જવા માટે રૉકેટની કલ્પના અને જેટની કલ્પનાનું માન સિરાનો દ બર્ગરેકને જાય છે. સિરાનોનું વાસ્તવિક જીવન અને રોસ્ટાન્દના નાટકના નાયકના પાત્ર વચ્ચે કોઈ સામ્ય નથી. બર્ગરેક ગામના પાદરી પાસે ભણેલા સિરાનો વીસ વરસની ઉંમરે લશ્કરમાં જોડાયેલા પણ સ્વતંત્ર વિચારના માનવી હોવાથી ત્યાંની શિસ્તમાં ગોઠવાયેલા નહિ. સિરાનો યુદ્ધ અને મૃત્યુદંડના વિરોધી હતા. તેમના માનવતાવાદી વિચારોને તેમના સમકાલીનોએ આવકારેલા. યુદ્ધમાં બે વાર તેઓ ઘવાયેલા. 1640માં વાગેલો ગરદન ઉપર તલવારનો ઘા પૂરી રીતે રુઝાયો નહિ, તેથી બીજા વર્ષે લશ્કર છોડ્યું. પછી તત્ત્વજ્ઞાન અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ આદર્યો. તેમણે સૂર્ય અને ચંદ્રની સફર અંગેની કાલ્પનિક વાર્તાઓ લખેલી તથા પૃથ્વીને વિશ્વનું કેન્દ્ર માનવાની બાબત તરફ કટાક્ષો કરેલા. ચંદ્રની સફરના વર્ણનમાં ફટાકડા બાંધેલા યંત્રનું વર્ણન છે. બીજી સફરના વર્ણનમાં પંખીઓ પોતાની અદાલતમાં તેના ઉપર માનવીએ આચરેલાં કૃત્યો અંગે ખટલો ચલાવે છે, તેનું વર્ણન છે. સિરાનો પોતાના બચાવમાં કહે છે કે પોતે મનુષ્ય નથી પણ વાંદરો છે. 1654માં તેમણે બે નાટકો પ્રસિદ્ધ કરેલાં : ‘લા મૉર્ત દ એગ્રીપાઇન’ અને ‘લ પિદન્ટ જૂએ’. બીજા નાટકને આધારે ખ્યાતનામ ફ્રેંચ નાટ્યકાર મોલિયરે ‘ધ ચિટ્સ ઑવ્ ચૅપલિન’ નાટક માટેની સામગ્રી લીધી છે. રોસ્તાન્દ પોતાની કૃતિમાં સિરાનો દ બર્ગરેક પાત્રને 17મી સદીના ઉમરાવ તરીકે વર્ણવીને તેમનાં સાહસો, તેમનું લાંબું નાક અને તેમની તલવારબાજી કેવાં જાણીતાં હતાં તે દર્શાવ્યું છે. 1655માં માથા ઉપર લાકડાનું પાટિયું પડવાથી તેમનું અવસાન થયેલું. 1676માં સિરાનોની કૃતિઓનો સંચય પ્રકાશિત થયેલો. સૂર્ય અને ચંદ્રની યાત્રાના વર્ણનમાં તેમણે પોતાના જમાનાના લોકો અને રાજકારણની હાંસી ઉડાવી છે. જોનાધન સ્વિફ્ટ અને વૉલ્તેર જેવા લેખકો ઉપર તેમની કૃતિઓનો પ્રભાવ વર્તાય છે.
પંકજ સોની