સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની દક્ષિણ અને પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર આવેલો છે. 1462માં પોર્ટુગીઝ સાગરખેડુઓએ આ પ્રદેશના દરિયાકાંઠા પરના પહાડી દ્વીપકલ્પને જોઈને તેને સિયેરા લેયોન (સિંહ પર્વત – the lion mountain) નામ આપેલું, આજે પણ આ દેશ આ નામે જ ઓળખાય છે. બ્રિટિશ સંસ્થાન બનેલો આ દેશ 1961માં સ્વતંત્ર થયો અને 1971માં પ્રજાસત્તાક બન્યો છે.
ભૂપૃષ્ઠ જળપરિવાહ : આ દેશને આશરે 340 કિમી. લાંબો દરિયાકાંઠો મળેલો છે. દરિયાકિનારાની પટ્ટી નીચી ભૂમિ ધરાવતી હોવાથી, તેના કેટલાક ભાગોમાં પંક છવાયેલો રહે છે. પશ્ચિમનો ખડકાળ ફ્રીટાઉન દ્વીપકલ્પ લગભગ 900 મીટરની ઊંચાઈવાળો છે, તેની પૂર્વ તરફનું આશરે અર્ધા ભાગનું ધરાતલ અંત:કૃત અગ્નિકૃત ખડકોથી બનેલું છે. દરિયાકાંઠે દક્ષિણમાં શેરબ્રો (Sherbro) નામનો એક ટાપુ આવેલો છે.
સિયેરા લેયોન
કિનારાની નીચી ભૂમિથી અંતરિયાળમાં જતાં આશરે 100 કિમી. સુધી અસમતળ મેદાનો પથરાયેલાં છે. મેદાનોનો ઢોળાવ પશ્ચિમતરફી છે, તેમની સરેરાશ ઊંચાઈ 122 મીટરની છે. પૂર્વ તરફ મેદાનો પૂરાં થતાં લગભગ 450 મીટરની ઊંચાઈનો ગિનીનો ઉચ્ચ પ્રદેશ આવે છે. પૂર્વ સીમા નજીક 1,750 મીટર કરતાં વધુ ઊંચાઈવાળા પર્વતીય ભાગો આવેલા છે. અહીંનું સર્વોચ્ચ સ્થળ બ્રિન્તીમાની શિખર 1,948 મીટરની ઊંચાઈ ધરાવે છે.
પૂર્વથી પશ્ચિમ તરફના પ્રાદેશિક ઢોળાવ મુજબ મોઆ (Moa), સેવા (Sewa), જાગ (Jong), રૉકેલ (Rokel), ગ્રેટ સ્કેર્સિઝ (Great Scarcies), લિટલ સ્કેર્સિઝ (Little Scarcies), વાન્જે (Waanje) વગેરે નદીઓ મેદાનોમાં વહીને આટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે.
આબોહવા : વિષુવવૃત્તની નજીક આવેલા આ દેશની આબોહવા ઉષ્ણકટિબંધીય, ગરમ અને ભેજવાળી છે. સૂર્ય માથા પર હોય અને ન હોય એવી પૃથ્વીની સ્થિતિ મુજબ વાદળ અને વરસાદનો ‘આંતર-ઉષ્ણકટિબંધીય પટ્ટો’ (Inter-tropical belt) ઉત્તર-દક્ષિણ તરફ ખસતો રહે છે. તે પ્રમાણે દેશની હવામાન-આબોહવાની સ્થિતિ પ્રવર્તે છે. જોકે આવો સ્થિતિસંજોગ થતાં આશરે ચારથી છ અઠવાડિયાંનો વિલંબ પણ થાય છે. સૂર્ય માથા પર ન હોય તે સમયગાળામાં, ઑક્ટોબરથી માર્ચ સુધી આ દેશની આબોહવા શુષ્ક, ગરમ અને સૂર્યપ્રકાશિત રહે છે; પરંતુ સૂર્ય માથા પર આવે તે ઋતુ દરમિયાન, એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વર્ષાઋતુ ચાલે છે.
દેશના દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન એકધારું ઊંચું રહે છે. શુષ્ક ઋતુ દરમિયાન, અંદરના ભૂમિભાગોમાં તાપમાન વધુ ઊંચું જાય છે. પાટનગર ફ્રીટાઉનમાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29° સે. અને 24° સે. તથા 28° સે. અને 23° સે. જેટલાં રહે છે; અર્થાત્, આખાય વર્ષ દરમિયાન તાપમાનમાં ઝાઝો ફરક પડતો નથી, જોકે માર્ચ ગરમ માસ ગણાય છે, ત્યારે અહીંનું મહત્તમ તાપમાન 31° સે. જેટલું પહોંચે છે. ફ્રીટાઉન 3,436 મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે.
વર્ષાઋતુમાં દિવસ દરમિયાન કિનારાના ભાગોમાં સાપેક્ષ આર્દ્રતાનું પ્રમાણ 80 %થી નીચે ભાગ્યે જ જાય છે, આ કારણે આ વિસ્તાર બિનસ્વાસ્થ્યપ્રદ બને છે. આવી વિશિષ્ટ પ્રકારની આબોહવાને લીધે આ દેશ ‘શ્વેત લોકોની કબર’ (the whitemen’s grave) તરીકે જાણીતો બનેલો છે. વિશેષે કરીને તો અહીં વસતા યુરોપિયનોનો મૃત્યુદર ઊંચો રહે છે. તે માટે આબોહવાની સીધી અસરો કરતાં આવી આબોહવાથી થતા ઉષ્ણકટિબંધીય રોગોને વધુ જવાબદાર ગણવામાં આવે છે. દેશના આંતરિક ભાગોમાં રહેતું ઊંચું તાપમાન નીચી સાપેક્ષ આર્દ્રતા દ્વારા અલ્પ પ્રમાણમાં નરમ બને છે. અહીં શુષ્ક ઋતુ દરમિયાન સૂકા અને ધૂળવાળા ‘હરમાટ્ટન’ (Harmattan) નામના ઈશાની પવનો વાય છે.
કુદરતી વનસ્પતિ : કિનારાનાં મેદાનો કાદવકીચડ, મેંગ્રુવ જંગલો, વર્ષા-જંગલો તથા ઘાસની લાક્ષણિકતાઓ ધરાવે છે. ઉચ્ચપ્રદેશ તથા ડુંગરાળ ભૂમિ પર સવાના-મિશ્રિત ગીચ વર્ષાજંગલો પથરાયેલાં છે. અહીં પહોળાં પાનધારક વૃક્ષો જોવા મળે છે.
ખેતી, પશુપાલન, મત્સ્ય–ઉછેર : આ દેશની ઘણીખરી જમીનો રાતા રંગવાળી, પડખાઉ (Lateritic) પ્રકારની છે, આ જમીનો ઓછી ફળદ્રૂપ છે. માત્ર નદીખીણોની જમીનો જ ખેતીલાયક છે; પરંતુ તેનો વારંવાર ખેતી માટે વધુ પડતો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે તેની ફળદ્રૂપતા ગુમાવતી જાય છે. આ જમીનોમાં ડાંગર, બાજરી, મગફળી, તેલતાડ, પામ કર્નાલ, કોકો, કૉફી, ફળો તથા શાકભાજીના પાકો લેવાય છે.
30 કિમી. પહોળાઈની કિનારાપટ્ટીમાં કાદવકીચડ અને જંગલો છવાયેલાં છે. તેના કેટલાક ભાગો સાફ કરીને, જમીનોને નવસાધ્ય કરીને ડાંગરની ખેતી વિકસાવવામાં આવી છે; જોકે અહીં ક્ષારતા તેમજ બીજી સમસ્યાઓ તો છે જ. ગ્રેટ સ્કેર્સિઝ, લિટલ સ્કેર્સિઝ, સેવા, વાન્જે તથા અન્ય નદીઓના નદીનાળ પ્રદેશોમાં તેમજ લોકો (Loko) બંદરની આસપાસ ડાંગરની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે.
પૂર્વના ડુંગરાળ પ્રદેશો, કૉફી તથા કોકો જેવા બાગાયતી પાકો માટે સાનુકૂળ છે. અહીં ઘાસભૂમિ અને ચરિયાણ ભૂમિનું પ્રમાણ વધારે હોવાથી પશુઓ તથા ઘેટાંબકરાંનો ઉછેર કરવામાં આવે છે. દરિયાકાંઠે માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. અહીંથી માછલાં અને અન્ય દરિયાઈ જીવોની નિકાસ પણ કરવામાં આવે છે.
ખનિજસંપત્તિ : આ દેશમાં મુખ્યત્વે હીરા, લોહ-અયસ્ક, બૉક્સાઇટ અને રુટાઇલ જેવાં ખનિજોનું ઉત્ખનન કરવામાં આવે છે. આ ઉપરાંત, અહીંથી સોનું, ક્રોમાઇટ તથા પ્લૅટિનમ, મોલિબ્ડેનમ-ધારક ખનિજો પણ મળી આવે છે.
ગિનીનો પહાડી પ્રદેશ મુખ્યત્વે ગ્રૅનાઇટ ખડકો ધરાવે છે. અહીંથી હીરા અને લોહ-અયસ્ક જેવાં ખનિજો મળે છે. તે પૈકી એકલા હીરાનો નિકાસ ફાળો 89 % જેટલો છે. હીરા મુખ્યત્વે પૂર્વના તેમજ દક્ષિણ-પૂર્વના ડુંગરાળ ભાગોમાં આવેલા નદી-કંકર(river gravels)નાં ભૌતિક સંકેન્દ્રણોમાંથી મળી રહે છે. સેવા તથા તેની સહાયક નદીઓના ઉપરવાસના પ્રદેશો હીરા માટે સમૃદ્ધ છે.
મારમ્પા નજીક લોહ-અયસ્કનું ઉત્ખનન થાય છે. સુઆ પર્વતોમાં હેમેટાઇટની અનામતો છે. મોયમ્બા પાસેના મોકનજી ડુંગરમાંથી બૉક્સાઇટ મેળવાય છે. 1971 સુધી અહીંથી રુટાઇલ પણ મેળવવામાં આવતું હતું.
ઔદ્યોગિક પ્રવૃત્તિ : સિયેરા લેયોનમાં ઔદ્યોગિક વિકાસ ઓછા પ્રમાણમાં થયો છે. પાટનગર ફ્રીટાઉન ખાતેનાં કેટલાંક કારખાનાં સિગારેટ, સાબુ, કાપડ, પગરખાં, બિસ્કિટ, મીઠાઈઓ, પીણાં, પ્લાસ્ટિક, કાગળ તથા બીજી ઘણી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું મુખ્યત્વે ઘરઆંગણાના બજાર માટે ઉત્પાદન કરે છે. દેશના બાકીના ભાગોમાં કૃષિ, વન અને દરિયાઈ પેદાશો પર પ્રક્રમણ કરવા માટેની ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે, તેમાં ચોખા અને પામતેલનું ઉત્પાદન લેવાય છે. માછલાંને વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવાનું તથા કૉફી અને કોકો જેવી પેદાશો પર પ્રક્રિયા કરવાનું કામ ચાલે છે. આ ઉપરાંત કાપડની, હાથવણાટની, ચર્મકામ, માછલાંની સુકવણી તથા રાચરચીલું બનાવવાને લગતી પરંપરાગત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ અહીં થાય છે.
વેપાર : ખાદ્યચીજો તથા જીવંત પ્રાણીઓ (28.2 %), બળતણો (23.4 %), યાંત્રિક સરસામાન તથા પરિવહનનાં સાધનો (20.3 %), રસાયણો અને તેની પેદાશો (4.8 %) વગેરે આ દેશની મુખ્ય આયાતો છે. બ્રિટન, નેધરલૅન્ડ્ઝ, યુ.એસ., જર્મની, ઇટાલી વગેરે તેના આયાતી વેપારના મુખ્ય ભાગીદાર દેશો છે. હીરા (89.9 %), કોકો, કૉફી, રુટાઇલ, માછલી વગેરે આ દેશની મુખ્ય નિકાસી ચીજો છે. બેલ્જિયમ, યુ.એસ., બ્રિટન, જર્મની, જાપાન વગેરે નિકાસી-વેપારના મુખ્ય ભાગીદાર દેશો છે.
પરિવહન : આ દેશની પરિવહન-વ્યવસ્થામાં નદીઓનો ઘણો મોટો ફાળો છે. નદીઓના જળમાર્ગો વજનદાર સરસામાનની હેરફેર કરવામાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ દેશમાં આશરે 84 કિમી. લંબાઈના રેલમાર્ગો તેમજ લગભગ 11,700 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. ફ્રીટાઉન આ દેશનું મુખ્ય બંદર છે, તે બધા જ પ્રકારની આયાતો તથા કૃષિપેદાશોની નિકાસનું કાર્ય કરે છે. ફ્રીટાઉન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે, જ્યાંથી નિયમિત રીતે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરની હવાઈ સેવાઓનું નિયમન થાય છે. આજે તો હવે આધુનિક સંચારવ્યવસ્થામાં સાધનોનો પ્રસાર થતો જાય છે. આ પૈકી ટેલિફોન, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ વગેરેની સેવાઓ પણ ઉપલબ્ધ છે.
વસ્તી વસાહતો : 2005 મુજબ આ દેશની કુલ વસ્તી 60,17,643 જેટલી છે, સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ 64.3 વ્યક્તિઓની છે. દરિયાકિનારાના ભાગોમાં વસ્તીનું પ્રમાણ ગીચ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 63.4 % તથા 36.6 % છે. આ દેશમાં અનેક જાતિજૂથો વસે છે, તે પૈકી મેન્દે (26 %), તેમ્ને (24.6 %), લિમ્બા (7.1 %), કુરન્કો (5.5 %), કોનો (4.2 %), ફુલાણી (3.8 %), બુલ્લોમ-શેરબ્રો (3.5 %) તથા અન્ય જાતિઓના લોકોનું પ્રમાણ 25.3 % છે.
ધર્મના સંદર્ભમાં જોતાં, સુન્ની મુસ્લિમો (45.9 %), પરંપરાગત માન્યતાઓને અનુસરતા લોકો (40.4 %), ખ્રિસ્તી (11.4 %) તથા અન્ય ધર્મના લોકો (2.3 %) અહીં વસે છે. શિક્ષણ માટે અહીં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ સ્તરની ઘણી સંસ્થાઓ આવેલી છે. દેશના લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ 31.4 % જેટલું છે. તે પૈકી 45.4 % પુરુષો અને 18.2 % સ્ત્રીઓ છે. દેશની વહીવટી ભાષા અંગ્રેજી છે. આ ઉપરાંત મેન્દે, તેમ્ને અને ક્રિયો ભાષાઓનો પણ ઉપયોગ થાય છે. દેશમાં કાયદાના ધારાધોરણની બ્રિટિશ પદ્ધતિ અમલમાં છે. જોકે અહીંના મૂળ નિવાસીઓની પરંપરા પ્રમાણેના કાયદા પણ પ્રવર્તે છે.
અહીંનાં મુખ્ય શહેરોમાં ફ્રીટાઉન – દેશનું પાટનગર અને બંદર (વસ્તી : 10,51,000), કોઇડુ (1,13,700), માકેની (1,10,700), બો (82,400) અને કેનેમા(72,400)નો સમાવેશ થાય છે.
ઇતિહાસ : યુરોપિયન પ્રજાઓ પૈકી પોર્ટુગીઝો અહીં સર્વપ્રથમ (1462) પહોંચેલા. તેમણે અહીંનો પહાડી પ્રદેશ જોઈને આ પ્રદેશનું નામ ‘સિયેરા લેયોન’ પાડેલું. આ નામ પાડનાર પેદ્રો દ સિન્ત્રા નામનો સાગરખેડુ હતો.
1789માં ગુલામી પ્રથાની નાબૂદીમાં માનનારા તથા માનવજાતિ પ્રત્યે સદભાવ રાખનારા કેટલાક બ્રિટિશ લોકોએ અગાઉના ગુલામો માટે અહીં ફ્રીટાઉનમાં વસાહતની સ્થાપના કરેલી. 1808માં ફ્રીટાઉનની આ વસાહત બ્રિટિશ સંસ્થાન બન્યું. 1896માં બ્રિટને ફ્રીટાઉનના પીઠપ્રદેશ પર એક સંરક્ષક (protectorate) નિયુક્ત કર્યો. 1961માં સિયેરા લેયોન સ્વતંત્ર બન્યું. 1971માં તે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 1978માં અહીં નવું બંધારણ અમલમાં આવ્યું. 1996માં અહમદ તેજાન કબ્બાહ રાષ્ટ્રપ્રમુખ બન્યા. મે, 1997માં લશ્કરી દળોએ પ્રમુખ અહમદ તેજાન કબ્બાહની સરકારને ઉથલાવી. માર્ચ, 1998માં ECOWASના નામ હેઠળ કાર્ય કરતા નાઇજિરિયા સંચાલિત દળોએ જનતાના વડા બનેલા લેફ્ટનન્ટ કર્નાલ જૂહોની પૉલ કોરોમાનું સ્થાન લઈ લીધું અને પ્રમુખ અહમદ તેજાન કબ્બાહને તેમના મૂળ સ્થાને ફરીથી પ્રસ્થાપિત કર્યા. જુલાઈ, 1998માં રાષ્ટ્રસંઘ લશ્કરી નિરીક્ષક મિશન(UN military observer mission)ની સલામતી સમિતિએ તેને માન્યતા આપી. 70 સભ્યોની બનેલી આ ટુકડીએ પશ્ચિમ આફ્રિકાના શાંતિ સ્થાપનારાઓને મદદ કરી. આ પહેલાંના જનતા પરના શાસનકર્તાના અવશેષોનો નાશ કરવામાં આવ્યો.
આશરે નવ વર્ષના પ્રજાકીય વિગ્રહ(civil war)ને અંતે આ દેશ પડી ભાંગ્યો, તેની 10 % વસ્તી પડોશી દેશોમાં ચાલી ગઈ. આજે આ દેશ ઑલ પીપલ્સ કૉંગ્રેસ નામનો એક જ માન્ય રાજકીય પક્ષ ધરાવે છે અને આજે પણ રાષ્ટ્રના વડા પ્રમુખ અહમદ તેજાન કબ્બાહ છે.
બિજલ શં. પરમાર