સિયલ (Sial) : પ્રધાનપણે સિલિકા અને ઍલ્યુમિનાના બંધારણવાળા ખનિજ-ઘટકોથી બનેલો ભૂપૃષ્ઠતરફી પોપડાનો ભાગ. ખંડોનો સૌથી ઉપરનો ભૂમિતલ-વિભાગ મોટેભાગે સિયલ બંધારણવાળા ખડકોથી બનેલો છે. તેની સરેરાશ ઘનતા 2.7 છે. તેમાં સિલિકોન-ઍલ્યુમિનિયમ તત્ત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેને સિયલ (Si-Al) નામ અપાયું છે. ખડકોના વિશિષ્ટ સંદર્ભમાં મૂલવતાં સૌથી ઉપર ગ્રૅનાઇટ અને તળ ગૅબ્બ્રોથી બનેલું હોવાનું ગણાય છે. સિયલ-પડની જાડાઈ પ્રદેશભેદે જુદી જુદી; પરંતુ સામાન્ય રીતે 30-35 કિમી. જેટલી હોય છે. આ પડ નીચે સંક્રાંતિપડ હોવાનું ગણાય છે; જેમાં સિલિકા અને ઍલ્યુમિના ઉપરાંત મૅગ્નેશિયાનું પણ પ્રમાણ ભળેલું હોય છે, તેથી તેને ‘સિયલ્મા’ કહે છે. તેની નીચેનું પડ ‘સિમા’ તરીકે ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા