સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa) (જ. 2 જુલાઈ 1923, પ્રોવેન્ટ, પોઝનાન, ક્યોર્નિક, પોલૅન્ડ; અ. 1 ફેબ્રુઆરી 2012, ક્રેકયોવ, પોલૅન્ડ) : આખું નામ મારિયા વિસ્લાવા અન્ના સિમ્બૉર્સ્કા. 1996નો નોબેલ પુરસ્કાર મેળવનાર પોલિશ ભાષાનાં કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક.

સિમ્બોર્સ્કા વિસ્લાવા

તેમના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્લાવને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન પછી 1924માં તેઓ તોરુન આવ્યા. 1931માં તેઓ ક્રેક્યોવ આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા.

1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનું શિક્ષણ ભૂગર્ભ વર્ગોમાં ચાલું રાખ્યું હતું. 1943 સુધી તેમણે પોતાને બળજબરીપૂર્વક જર્મની મોકલી ના દે માટે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી હતી. આ સમય દરમિયાન અંગ્રેજી પાઠ્યપુસ્તકોમાં ચિત્રો દોરી કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. સાથોસાથ તેમણે વાર્તા અને કાવ્યો લખવાની શરૂઆત પણ કરી હતી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તો તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં, 1954માં છૂટાછેડા લીધા પણ 1986માં આદમનું અવસાન થયું ત્યાં સુધી તેમની સંભાળ રાખતાં હતાં. લગ્નસમયે તેઓ શિક્ષણવિભાગના દ્વિમાસિકના મંત્રી અને ચિત્રકાર તરીકે કાર્યરત હતાં. તેમનું પ્રથમ પુસ્તક 1949માં પ્રકાશિત થયું પરંતુ સમાજવાદી ધારાધોરણ પ્રમાણેનું નથી એમ કહી રદ કરેલ. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમના નામ સાથે પુસ્તક અંગેના વિવેચનનો વિભાગ શરૂ થયો. 1981 સુધી તેઓ આ સામયિક સાથે જોડાયેલાં રહ્યાં. 1981–83 સુધી ક્રેક્યોવના એક માસિકના તંત્રી રહેલાં. આ સમય દરમિયાન તેઓ છદ્મ નામથી અન્ય સામયિકોમાં પણ લખતાં હતાં. તેમણે ફ્રેન્ચ સાહિત્યકૃતિઓના પોલિશ ભાષામાં અનુવાદ કર્યા છે. તેમનાં 21 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં સ્વરબદ્ધ થયેલાં કાવ્યો લોકપ્રિય બન્યાં છે.

તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમાં 1954માં ક્રેક્યોવ શહેરનો સાહિત્ય માટેનો પુરસ્કાર, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ્ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991માં ગૉએથે પ્રાઇઝ, 1996માં ધ પોલિશ પૅન ક્લબ પ્રાઇઝ, 1996માં નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફૉર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટિસ અને 2011માં ઓર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઈગલ ઉલ્લેખનીય છે. 1995માં તેમને આદમ મિકીવિક્ઝ યુનિવર્સિટી (પોઝનાન) તરફથી માનાર્હ પદવી પણ એનાયત કરવામાં આવી હતી. સાહિત્યના ક્ષેત્રમાં તેમણે કરેલાં પ્રદાનની યાદમાં ‘વિસ્લાવા સિમ્બોર્સ્કા ઍવૉર્ડ’ આપવામાં આવે છે.

કિશોર પંડ્યા