સિમૉન્ડ્સ ચાર્લી
January, 2008
સિમૉન્ડ્સ, ચાર્લી (જ. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન શિલ્પી. ન્યૂયૉર્ક નગરના લોઅર ઈસ્ટ સાઇડ અને હાર્લેમ વિસ્તારોમાં માણસોએ તરછોડેલી ગલીઓમાં ખંડેર મકાનોની તોડફોડ કરી તેમાં ઈંટો વડે નવસર્જન કરી અમૂર્ત ‘શિલ્પ’ ચણવાની શરૂઆત તેમણે કરી. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ માનવીની મૂળભૂત સર્જનપ્રક્રિયા પર દર્શકનું ધ્યાન દોરવાનો હતો. એ પછી તેમણે એવાં શિલ્પ કંડાર્યાં જેમાં સપાટ સપાટીમાંથી માનવસ્તન અને માનવશિશ્ન જેવાં અંગોની આકૃતિઓ ઊપસી આવતી હોય.
અમિતાભ મડિયા